Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી વિશ્વનો ચોથો સૌથી સફળ ટેસ્ટ કપ્તાન બન્યો

ક્લાઈવ લોઈડને પાછળ પાડી દીધો : કેપ્ટન તરીકે ટેસ્ટમાં કોહલીની આ ૩૭મી જીત છે તેણે અત્યાર સુધી ૬૩ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કર્યું છે

લોર્ડ્સ, તા.૧૭ : ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ અન્ય એક રેકોર્ડ બુકમાં પણ પોતાનું નામ નોંધાવ્યું છે. કેપ્ટન તરીકે સૌથી વધુ ટેસ્ટ જીતવાના મામલે તે ચોથા નંબરે પહોંચી ગયો છે. ટીમ ઇન્ડિયાએ લોર્ડ્સ મેદાન પર રમાયેલી બીજી ટેસ્ટમાં યજમાન ઇંગ્લેન્ડને ૧૫૧ રનથી હરાવ્યું હતું. આ સાથે ટીમે ૫ મેચની શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે. નોટિંગહામમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ ડ્રો રહી હતી. ૨૭૨ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઇંગ્લેન્ડની ટીમ માત્ર ૧૨૦ રન જ બનાવી શકી હતી. કેપ્ટન તરીકે ટેસ્ટમાં વિરાટ કોહલીની આ ૩૭મી જીત છે.

તેણે અત્યાર સુધી ૬૩ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કર્યું છે. તેણે ૧૫ ટેસ્ટ હારી છે, જ્યારે ૧૧ ટેસ્ટ ડ્રો રહી છે. કોહલીએ વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ દિગ્ગજ ખેલાડી ક્લાઈવ લોઈડને પાછળ પાડી દીધો છે. લોયડે ૭૪ માંથી ૩૬ ટેસ્ટ જીતી હતી, ૧૨ માં તે હારી ગયો હતો. ૨૬ મેચ ડ્રો રહી હતી. કોહલી ભારતનો સૌથી સફળ ટેસ્ટ કપ્તાન પણ છે. ટેસ્ટમાં સૌથી સફળ કેપ્ટનની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકાના ગ્રીમ સ્મિથ નંબર -૧ પર છે. તેણે ૧૦૯માંથી ૫૩ ટેસ્ટ જીતી છે. ૨૯ હારી ગયા હતા, જ્યારે ૨૭ ટેસ્ટ ડ્રો રહી હતી. તે ૫૦ થી વધુ ટેસ્ટ જીતનાર વિશ્વનો એકમાત્ર કેપ્ટન છે.

ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ બીજા અને ઓસ્ટ્રેલિયાના સ્ટીવ વો ત્રીજા નંબરે છે. પોન્ટિંગે ૭૭ માંથી ૪૮ ટેસ્ટ જીતી હતી. ૧૬ હારી, ૧૩ ડ્રો. તો, સ્ટીવ વોએ ૫૭ માંથી ૪૧ ટેસ્ટ જીતી, માત્ર ૯ હારી. ૭ મેચ ડ્રો રહી હતી. લોર્ડ્સ ગ્રાઉન્ડ પર ૧૯ ટેસ્ટમાંથી ટીમ ઇન્ડિયાની આ એકમાત્ર ત્રીજી જીત છે. ટીમ ૧૨ ટેસ્ટમાં હારી છે, જ્યારે ૪ મેચ ડ્રો રહી. ૧૯૮૬માં પ્રથમ વખત કપિલ દેવના નેતૃત્વમાં ટીમે અહીં ટેસ્ટ મેચ જીતી હતી. ત્યારબાદ ૨૦૧૪ માં એમએસ ધોનીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ આ પરાક્રમ કર્યું. હવે વિરાટ કોહલીની નજર પણ શ્રેણી જીતવા પર રહેશે.

પ્રથમ ટેસ્ટમાં પણ ટીમ જીતની નજીક હતી. ટીમ ૧૪ વર્ષથી અહીં શ્રેણી જીતી શકી નથી. ૨૦૧૮ માં રમાયેલી છેલ્લી પાંચ મેચની શ્રેણીમાં ટીમ ૧-૪થી હારી ગઈ હતી. ટીમે છેલ્લે ૨૦૦૭ માં રાહુલ દ્રવિડની કેપ્ટનશીપમાં ટેસ્ટ શ્રેણી જીતી હતી.

(9:47 pm IST)