Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

પોતાની જમીન ઉપર પ્રથમ વખત ઇંગ્‍લેન્‍ડની ટીમના બંને ઓપનીંગ બેટ્‍સમેન શુન્‍ય રનમાં આઉટ થઇ ગયાઃ ભારતના બંને બોલરો બુમરાહ અને શમીએ ધુમ મચાવી

બુમરાહે પોતાની કરિયરનો સર્વોચ્‍ચ સ્‍કોર અણનમ 34 રન બનાવ્‍યા

લંડનઃ લોર્ડ્સમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડ પર શાનદાર જીત મેળવી. 151 રનના વિશાળ અંતરથી હરાવતા ઘણા વર્ષ બાદ 'ક્રિકેટના મક્કા' પર જીત મળી. બીજી ટેસ્ટ મેચમાં આમ તો અનેક રેકોર્ડ બન્યા. શમી-બુમરાહે નવમી વિકેટ માટે ઐતિહાસિક ભાગીદારી કરી. પછી બંને ખેલાડીઓએ બોલથી કમાલ કરી દીધો. પોતાની ગતિથી વિરોધી ઓપનરોને એવા ફસાવ્યા કે ઈંગ્લેન્ડ ક્રિકેટ ઈતિહાસના માથા પર કલંક લાગી ગયું.

પ્રથમવાર ખાતુ ખોલાવ્યા વિના આઉટ થયા ઓપનર

ભારતે પાંચમા અને અંતિમ દિવસે ઈંગ્લેન્ડની સામે 272 રનનું લક્ષ્ય રાખ્યું હતું. તેવામાં ઈંગ્લિશ ટીમને દમદાર શરૂઆતની જરૂર હતી, પરંતુ બંને ઓપનર શૂન્ય રન પર પેવેલિયન પરત ફર્યા હતા. પોતાની જમીન પર આ પ્રથમવાર હતું જ્યારે અંગ્રેજી ઓપનિંગ બેટ્સમેન એક ઈનિંગમાં શૂન્યના સ્કોર પર આઉટ થઈ ગયા.

જસપ્રીત બુમરાહ-મોહમ્મદ શમીનો કમાલ

ઈનિંગની પ્રથમ ઓવરમાં રોરી બર્ન્સને બુમરાહે આઉટ કર્યો. આગામી ઓવરમાં મોહમ્મદ શમીએ ધમાકો કર્યો, તેણે ડોમ સિબલીને પંતના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. ઓવરઓલ રેકોર્ડની વાત કરીએ તો આ છઠ્ઠી વખત છે જ્યારે ઈંગ્લેન્ડના જ્યારે ઈંગ્લેન્ડના ઓપનર ટેસ્ટ મેચની એક ઈનિંગમાં શૂન્ય પર આઉટ થયા છે. છેલ્લે 2005-2006માં ઈંગ્લેન્ડના પાકિસ્તાન પ્રવાસ પર આમ થયું હતું.

બુમરાહ અને શમીએ કરાવી મેચમાં વાપસી

ભારતે સવારે છ વિકેટ પર 181 રનથી આગળ રમવાનું શરૂ કર્યું તથા શમી અને બુમરાહના જાદૂઈ પ્રદર્શનથી પ્રથમ સત્રમાં બે વિકેટ ગુમાવી 105 રન જોડ્યા. તેનાથી ઈંગ્લેન્ડની મુશ્કેલી વધી ગઈ જે સવારે પંત (22 રન) અને ઈશાંત (16 રન) ને જલદી આઉટ કરી સારી સ્થિતિમાં હતું. ભારતીય ટીમે એક સમયે આઠ વિકેટ પર 209 રન બનાવી 200 રનની લીડ હાસિલ કરવાની સ્થિતિમાં પણ નહતી. શમી અને બુમરાહે શાનદાર બેટિંગ કરી. મોહમ્મદ શમીએ પોતાના ટેસ્ટ કરિયરની બીજી અડધી સદી ફટકારી હતી. બુમરાહે પણ પોતાનો કરિયરનો સર્વોચ્ચ સ્કોર બનાવતા અણનમ 34 રન બનાવ્યા હતા.

(5:32 pm IST)