Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

બીજી ટેસ્ટ મેચમાં પણ ભારત પર હારનું સંકટ

બોલરોએ તક સર્જી પરંતુ બેટ્સમેનોનો ફ્લોપ શોઃ જીતવા માટેના ૨૮૭ રનના ટાર્ગેટ સામે ભારતીય ટીમે કંગાળ શરૂઆત કરી : વિજય, રાહુલ, કોહલી સસ્તામાં

સેન્ચુરિયન,તા. ૧૬, સેન્ચુરિયનમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં પણ ભારત હારવાની દિશામાં વધી રહ્યું છે. જીતવા માટેની તક ફરી એકવાર ભારત ગુમાવે તેવી શક્યતા દેખાઈ રહી છે. જીતવા માટેના ૨૮૭ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે બીજા દાવમાં ઝડપથી વિકેટો ગુમાવી હતી. મુરલી વિજય, કેએલ રાહુલ અને કોહલી ક્રમશઃ ૯, ૪ અને ૫ રન કરીને આઉટ થયા હતા. ભારતીય બેટ્સમેનોએ ફરી એકવાર જવાબદારી વગરની બેટિંગ કરી વિકેટો ગુમાવી છે. બોલરોએ જીતવા માટેની તક સર્જી હોવા છતાં આ ટેસ્ટ મેચમા ંપણ ભારતને હારનો સામનો કરવો પડી શકે છે. કારણ કે બીજા દાવમાં ભારતે ઝડપથી વિકેટ ગુમાવી દીધી છે. અગાઉ ભારતે આફ્રિકાને ૨૫૮માં ઓલઆઉટ કરવામાં સફળતા મેળવી હતી. ભારત તરફથી બુમરાહે ત્રણ અને મોહમ્મદ સામીએ ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે ઇશાંત શર્માએ બે વિકેટ ઝડપી હતી. આ ઝડપી વિકેટ ઉપર ભારતીય બેટ્સમેનો ફરીએકવાર મુશ્કેલી અનુભવી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, કેપટાઉન ખાતે રમાયેલી પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની શરમજનકરીતે હાર થતાં ક્રિકેટ ચાહકોમાં આક્રોશનું મોજુ ફરી વળ્યું હતું. મેચમાં જીતવા માટેની પુરતી તક હોવા છતાં ભારતીય બેટ્સમેનોએ કોઇપણ જવાબદારી વગરની બેટિંગ કરીને વિકેટો ફેંકી હતી અને જીતવા માટેના માત્ર ૨૦૮ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ૧૩૫ રનમાં ઓલઆઉટ થઇ ગઈ હતી. મુરલી વિજય, શિખર ધવન, પુજારા, કોહલી, રોહિત શર્મા જેવા સ્ટાર ગણાતા બેટ્સમેનો સસ્તામાં પેવેલિયન ભેગા થયા હતા અને ભારતીય ટીમ આ ટેસ્ટ મેચ હારી ગઈ હતી. ફિલાન્ડરે તરખાટ મચાવીને ૪૨ રન આપીને છ વિકેટ ઝડપી હતી. ભારતીય બોલરોએ બાજી રાખીને જીતવાની તક સર્જી હતી પરંતુ બેટ્સમેનોએ નૌકા ડુબાડી દીધી હતી. બીજી ટેસ્ટમાં આવી સ્થિતિ બની છે.

(9:47 pm IST)