Gujarati News

Gujarati News

News of Monday, 15th January 2018

પાકિસ્તાન-ન્યુઝીલેન્ડની વચ્ચે આજે હેમિલ્ટનમાં ચોથી વનડે

વનડે શ્રેણી ન્યુઝીલેન્ડે પહેલાથી જ ૩-૦થી જીતી : પ્રવાસી પાકિસ્તાની ટીમ ઉપર હવે લાજ બચાવવા દબાણ

હેમિલ્ટન, તા. ૧૫ : હેમિલ્ટન ખાતે આવતીકાલે ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ચોથી વનડે મેચ રમાનાર છે. ન્યુઝીલેન્ડે પહેલાથી જ શ્રેણીમાં ૩-૦ની લીડ મેળવીને શ્રેણી જીતી લીધી છે. પાકિસ્તાન ઉપર હવે લાજ બચાવવા માટેનું દબાણ વધી ગયું છે. પાકિસ્તાનના તમામ ખેલાડીઓ ખરાબ ફોર્મમાં ચાલી રહ્યા છે તે જોતા ન્યુઝીલેન્ડ વધુ મોટા અંતર સાથે જીત મેળવવા માટે તૈયાર છે. અગાઉ ડ્યુનેડિન ખાતે રમાયેલી ત્રીજી વનડે મેચમાં ન્યુઝીલેન્ડે પાકિસ્તાન પર ૧૮૩ રને જીત મેળવી હતી. પાકિસ્તાને એક વખતે આઠ વિકેટ માત્ર ૩૨ રનમાં ગુમાવી દીધી હતી પરંતુ ત્યારબાદ સ્કોરને સન્માનજનક સ્થિતિ ઉપર પહોંચાડવામાં સફળતા મેળવી હતી. જો કે, તેની ખરાબરીતે હાર થઇ હતી. નેલ્સન ખાતે નવમી જાન્યુઆરીના દિવસે રમાયેલી પાંચ વનડે મેચોની શ્રેણીની બીજી વનડે મેચમાં યજમાન ન્યુઝીલેન્ડે પાકિસ્તાન પર ડકવર્થ લુઇસ પદ્ધિતીના આધાર પર આઠ વિકેટે જીત મેળવી હતી. વરસાદ અને ખરાબ હવામાન વચ્ચે ટાર્ગેટને ઘટાડી દેવાની ફરજ પડી હતી.ગુપ્ટિલના શાનદાર અણનમ ૮૬ રનની મદદથી ન્યુઝીલેન્ડે મેચ જીતી લીધી હતી. ન્યુઝીલેન્ડને જીતવા માટે ૨૫ ઓવરમાં ૧૫૧ રનની જરૂર હતી. ડકવર્થ લુઇસ પદ્ધતિના આધારે સતત બીજી મેચમાં નિર્ણય લેવાની ફરજ પડી હતી. છઠ્ઠી જાન્યુઆરીના દિવસે વેલિંગ્ટન ખાતે રમાયેલી પાંચ વનડે મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં યજમાન ન્યુઝીલેન્ડે ડકવર્થ લુઇસ પદ્ધતિના આધારે પાકિસ્તાન પર ૬૧ રને જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે ૫૦ ઓવરમાં સાત વિકેટે ૩૧૫ રન કર્યા હતા. આના જવાબમાં પાકિસ્તાનની ટીમ ૩૦.૧ ઓવરમાં ૧૬૬ રન બનાવી શકી હતી. પાંચ વનડે મેચોની શ્રેણી બાદ ત્રણ ટ્વેન્ટી મેચોની શ્રેણીની પ્રથમ ટ્વેન્ટી મેચ ૨૨મી જાન્યુઆરીથી રમાશે. પાકિસ્તાનની ટીમના તમામ બેટ્સમેનો હાલમાં ખરાબ ફોર્મમાં ચાલી રહ્યા છે. ટીમમાં ધરખમ ફેરફારો કરવાની જરૂરીયાત દેખાઇ રહી છે. પાકિસ્તાનની ટીમના દેખાવથી ટીમ મેનેજમેન્ટ ઉપર પણ દબાણ છે.

(8:06 pm IST)