Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

સ્‍ટાર બોક્‍સર અને 4 બાળકોની માતા મેરી કોમે જણાવેલા રસ્‍તા ઉપર ચાલવા માંગુ છું: પિતા બનતા પહેલા મેરી કોમ પાસેથી વિરાટ કોહલી શીખ લેવા ઇચ્‍છે છે

નવી દિલ્હીઃ વિરાટ કોહલી આગામી વર્ષે જાન્યુઆરીમાં પિતા બનવાનો છે પરંતુ તે પહેલા ભારતીય કેપ્ટન ખેલ અને પિતાની જવાબદારીઓ વચ્ચે સંતુલન બનાવવા માટે છ વખતની વિશ્વ ચેમ્પિયન બોક્સર એમસી મેરી કોમ  પાસે શીખ લેવા ઈચ્છે છે. ભારતીય કેપ્ટને કહ્યુ કે, તે સ્ટાર બોક્સર અને ચાર બાળકોની માતા મેરી કોમે જણાવેલા રસ્તા પર ચાલવા માગે છે.

કોહલી અને તેની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્માને ત્યાં આગામી વર્ષે પ્રથમ બાળકનું આગમન થવાનું છે. કોહલીએ મેરી કોમ સાથે ઇન્સ્ટાગ્રામ ચેટમાં કહ્યુ- મને નથી લાગતું કે માતા-પિતાની ભૂમિકા અને વ્યસ્ત કરિયર વચ્ચે સંતુલન બનાવવા વિશે વાત કરવા માટે તમારાથી સારૂ કોઈ હોઈ શકે છે.

આ બંન્ને વચ્ચે વાતચીત પહેલા છ વખતની વિશ્વ ચેમ્પિયન અને ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલિસ્ટ બોક્સરએ કોહલી અને અનુષ્કાને શુભેચ્છા આપી હતી. કોહલીએ હજુ પણ રિંગમાં પોતાનો દબદબો બનાવવાની ઈચ્છા રાખનારી 37 વર્ષીય મેરી કોમને પૂછ્યુ , તમે એક માતા છો. તમે અભ્યાસ, આટલી ચેમ્પિયનશિપમાં ભાગ લેવો, આ બધુ કઈ રીતે કર્યું. તમે કઈ રીતે સંતુલન બનાવ્યું.

મેરી કોમે કહ્યું કે, પરિવારની મદદ વિના આ સંભવ નહતું. તેમણે કહ્યું, લગ્ન બાદ મારા પતિ મારો મજબૂત પક્ષ રહ્યાં છે. તેમણે મને વધુ સહયોગ આપ્યો. જે હું ઈચ્છતી હતી તે દરેક વસ્તુનો ખ્યાલ રાખ્યો. તે આદર્શ પતિ અને પિતા છે. આ સિવાય મારા બાળકો પણ કોઈથી ઓછા નથી.

કોહલીએ કહ્યુ કે, મેરી કોમે જે રસ્તો દેખાડ્યો છે તેને કોઈપણ માતાપિતા અનુસરણ કરી શકે છે. ભારતીય કેપ્ટને કહ્યું- તમે દેશની મહિલાઓ માટે નહીં પરંતુ દરેક માટે આદર્શ છો. તમે તમામ વિપરિત પરિસ્થિતિઓ અને ઓછી સુવિધાઓ તથા અન્ય પડકાર છતાં આટલું મેળવ્યું છે.

તેણે કહ્યું, તમે આગળ વધતા રહ્યાં અને પોતાનો માર્ગ સરળ બનાવતા રહ્યાં. આ ગમે તે માટે પ્રેરણાદાયક છે. હું તે કહેવા ઈચ્છુ છું કે તમે અમારા બધા માટે પ્રેરણા છો. હું તમને આ સવાલ પૂછીને ખરેખર સ્વયંને સન્માનિત અનુભવી રહ્યો છું. કોહલીએ કહ્યુ, અમે માતા-પિતા બનવાના છીએ. તમે જે કર્યું છે, તેમાંથી પ્રેરણા લઈએ છીએ. અમે તમારા રસ્તા પર આગળ વધીશું.

(5:34 pm IST)