Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

IPLમાં ૧૦ સેકન્ડની એડના ૯ થી ૧૦ લાખ રૂપિયા

૧૧ બ્રાન્ડ સાથે કરાર : ૫૦૦ કરોડની એડ ઈન્વેન્ટરી વેચાઈ ગઈ

મુંબઈ : આઈપીએલના એડ્ રેટમાં ગયા વર્ષે તીવ્ર વૃદ્ધિ છતાં સ્ટાર ઈન્ડિયાને ૧૧ સ્પોન્સર્સ મળ્યા છે. પાંચ વર્ષ માટે રૂ.૧૬,૪૩૭.૫ કરોડમાં આઈપીએલના ગ્લોબલ મીડીયા રાઈટ્સ ખરીદ્યા પછી સ્ટાર ઈન્ડિયા પર ઓછામાં ઓછી રૂ.૨,૦૦૦ કરોડની ઈન્વેન્ટરી વેચવાનું દબાણ હતું. બજાર સૂત્રોના જણાવ્યા અનુસાર આઈપીએલ-૧૧ માટે લગભગ રૂ.૫૦૦ કરોડની એડ ઈન્વેન્ટરી વેચાઈ ગઈ છે.

સ્ટાર સ્પોટ્ર્સના એકિઝકયુટીવ વાઈસ પ્રેસીડેન્ટ અને એડ સેલ્સ હેડ અનિલ જયરાજે જણાવ્યુ હતું કે એડવર્ટાઈઝર્સનો પ્રતિસાદ પ્રોત્સાહક રહ્યો છે અને કંપનીના અંદાજ કરતાં ઘણી સારી એડ્ મળી છે. તેમણે જણાવ્યુ હતું કે અમે ૧૧ બ્રાન્ડ્સ સાથે કરાર કર્યા છે. હાલના તબક્કે માંગને જોતા આગામી કેટલાક સપ્તાહમાં વધુ મોટી બ્રાન્ડ્સ અમારી સાથે જોડાશે એવી આશા છે.

આઈપીએલની લોકપ્રિયતાનો લાભ લેવા અત્યાર સુધીમાં વિવો, કોકા કોલા, પોલીકેબ, પારલે, કેન્ટ, એલીકા કીચન અને ડ્રીમ ૧૧ ક્રિકેટ ટુર્નામેન્ટ સાથે જોડાઈ ચુકયા છે. બજાર સૂત્રોના જણાવ્યા અનુસાર બંડલ્ડ એડ્ સેલ્સ (ટીવી અને ડિજીટલ) માટે સ્ટાર ઈન્ડિયા ૧૦ સેકન્ડ દીઠ રૂ.૯-૧૦ લાખનો ભાવ માંગી રહી છે. આઈપીએલ-૧૦માં ટીવીનો સરેરાશ એડ્ રેટ ૧૦ સેકન્ડના લગભગ રૂ.૬ લાખ હતા. એ વખતની પ્રસારણકર્તા સોની પિકચર્સ નેટવર્ક ઈન્ડિયાને આઈપીએલમાંથી રૂ.૧૩૦૦ કરોડની કમાણી થઈ હતી. ગયા વર્ષ સુધી સ્ટાર ઈન્ડિયા પાસે આઈપીએલના માત્ર ડીજીટલ રાઈટ્સ હતા. જેના એડ વેચાણમાંથી કંપનીને ૧૪૦ કરોડની આવક થઈ હતી.(૩૭.૩)

(5:10 pm IST)