Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

ચેન્નઈએ IPLની બધી ટીમ સામે ૧૦થી વધુ જીત મેળવી

ચેન્નાઈ સુપરકિંગ્સે આઠમાંથી ત્રીજી મેચ જીતી : તમામ એક્ટિવ ટીમ સામે આ સિદ્ધિ મેળવનારી ચેન્નાઈ સુપર કિંગ્સ સ્પર્ધાની પહેલી ટીમ : સૌથી વધુ ૧૫ વિજય

નવી દિલ્હી, તા. ૧૪ : ઈન્ડિયન પ્રીમિયર લીગની ૨૯ મી મેચમાં હૈદરાબાદ સામે ચેન્નઈ સુપર કિંગ્સની જીત ઐતિહાસિક રહી હતી. સીએસકેએ આ લિગમાં હૈદરાબાદ સામે પોતાની ૧૦ મી જીત નોંધાવી હતી અને આ જીતની સાથે તેઓએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. સીએસકે લિગની પહેલી ટીમ બની કે જેણે બધી સક્રિય ટીમો સામે ૧૦ કે તેથી વધુ વખત જીત મેળવી હતી. આઈપીએલની અન્ય કોઈ ટીમે હજી આ સિધ્ધિ મેળવી નથી. ચેન્નાઈ સુપર કિંગ્સે એમએસ ધોનીના નેતૃત્વમાં આ સિધ્ધિ મેળવી હતી કારણ કે તેઓ શરૂઆતથી જ આ ટીમનું નેતૃત્વ કરે છે. સીએસકેએ હૈદરાબાદ સિવાય દરેક ટીમ સામે ૧૦ થી વધુ જીત મેળવી છે. દિલ્હી અને બેંગ્લોર સામે આ ટીમે સૌથી વધુ ૧૫ વિજય નોંધાવ્યા છે જ્યારે તે રાજસ્થાન સામે ૧૪ વખત જીત્યું છે. આ ટીમે પંજાબ સામે ૧૩ જીત મેળવી છે અને તે કેકેઆર સામે પણ ૧૩ વિજય મેળવ્યા છે. સીએસકેએ મુંબઇ સામે અત્યાર સુધીમાં ૧૨ મેચ જીતી છે.

આઇપીએલમાં સીએસકેની દરેક ટીમ સામે જીત મેળવી (આ આંકડા આઈપીએલ ૨૦૨૦ ની ૨૯ મી મેચ સુધી છે). ૧૫ સામે દિલ્હી,૧૫ વિ આરસીબી, ૧૪ વિ રાજસ્થાન, ૧૩ વિ પંજાબ, ૧૩ વિ કેકેઆર, ૧૨ વિ મુંબઇ, ૧૦ વિ હૈદરાબાદ

સીએસકેને હૈદરાબાદ સામે જીતની સખત જરૂર હતી. આ ટીમની આ ૮ મી લિગ મેચ હતી અને તેણે ત્રીજી જીત મેળવી હતી. સીએસકેએ અગાઉની ૭ મેચોમાં ૫ મેચ ગુમાવી હતી. આ મેચ દરમિયાન કેપ્ટન માહી ખૂબ જ એક્ટિવ દેખાયો હતો. ટીમની ફિલ્ડિંગ દરમિયાન તે લગભગ દરેક બોલરની સાથે વાતચીત કરતો જોવા મળ્યો હતો અને શ્રેષ્ઠ વ્યૂહરચનાથી ૧૬૭ રનના સ્કોર પર પણ વિજય મેળવ્યો હતો. સીએસકે આ મેચમાં ૨૦ રને જીત્યું છે અને આ પછી સીએસકેનું મનોબળ ચોક્કસપણે વધશે.

(9:15 pm IST)