Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

ગેલની બેવડી સિદ્ધિ : ટી-૨૦માં ૨૦મી સદી સાથે ૧૧,૦૦૦ રન

બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં ૬૯ બોલમાં ૧૪૬* રન ઝૂડયા: બાંગ્લાદેશ પ્રીમિયર લીગની ફાઈનલમાં રાયપુર રાઈડર્સ ચેમ્પિયન

ઢાકા,: વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેલે બાંગ્લાદેશ પ્રીમિયર લીગની ફાઈનલમાં વધુ એક ઝંઝાવાતી ઈનિંગ રમતાં ૧૮ છગ્ગા અને પાંચ ચોગ્ગા સાથે માત્ર ૬૯ બોલમાં અણનમ ૧૪૬ રન ફટકારીને ફરી વખત સનસનાટી મચાવી દીધી હતી. આ સાથે ક્રિસ ગેલે ટી-૨૦માં ૨૦ સદી પુરી કરવાની સાથે ૧૧,૦૦૦ રનના માઈલસ્ટોનને પાર કરનારા વિશ્વના સૌપ્રથમ બેટ્સમેન તરીકેનો રેકોર્ડ નોંધાવી દીધો છે.

 

રંગપુર રાઈડર્સે ગેલની તોફાની બેટીંગને સહારે ફાઈનલમાં એક વિકેટે ૨૦૬ રન ખડકીને ઢાકા ડાયનામાઈટને કચડી નાંખ્યું હતુ. ગેલની સાથે ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ દિગ્ગજ  બ્રેન્ડન મેક્કુલમે ૪૩ બોલમાં ૫૧ રન ઝૂડયા હતા. ગેલ અને મેક્કુલમ વચ્ચે ૨૦૧ રનની ભાગીદારી કરી હતી. ગેલે માત્ર ૩૩ બોલમાં અડધી સદી પુરી કરી હતી. ગેલે વધુ એક તોફાની ઈનિંગને સહારે ટ્વેન્ટી-૨૦ ક્રિકેટમાં ૨૦મી સદી ફટકારવાની અનોખી સિદ્ધિ હાંસલ કરી હતી. ગેલે આ સાથે વિક્રમોની વણઝાર સર્જી હતી. તેણે એક ટી-૨૦ મેચમાં સૌથી વધુ ૧૭ છગ્ગા ફટકારવાનો પોતાનો જ રેકોર્ડ તોડયો હતો, જે તેણે ૨૦૧૩ની આઇપીએલમાં બેંગ્લોર તરફથી રમતાં પૂણે સામે અણનમ ૧૭૫ રનની ઈનિંગ દરમિયાન નોંધાવ્યો હતો.

ટી-૨૦માં ગેલની આ ૨૦મી સદી છે. જ્યારે બીજા ક્રમે ૭-૭ સદી સાથે માઈકલ ક્લિંગર, લુક રાઈટ અને બ્રેન્ડન મેક્કુલમ છે. બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં ગેલની આ પાંચમી સદી છે. ગેલે સતત સાતમા વર્ષે ટી-૨૦માં બે સદી ફટકારી છે. ૨૦૧૧થી તેની ટી-૨૦માં કુલ ૧૯ સદી નોંધાઈ છે. ગેલના કુલ ટી-૨૦ છગ્ગા ૨૨૭ થઈ ગયા છે અને પ્રત્યેક ઈનિંગમાં તેની છગ્ગાની સરેરાશ ૧૧ની છે. એલિમિનેટરમાં ૧૪ છગ્ગા સાથે ૧૨૬ રન ઝૂડયા હતા ગેલે ૮ ડિસેમ્બરે રમાયેલી બાંગ્લાદેશ પ્રીમિયર લીગની એલિમિનેટરમાં રંગપુર રાઈડર્સ તરફથી ખુલ્ના ટાઈટન્સ સામે ૧૪ છગ્ગા  અને ૬ ચોગ્ગા સાથે ૫૧ બોલમાં અણનમ ૧૨૬ રન ફટકાર્યા હતા. ગેલની મેચ વિનિંગ ઈનિંગને સહારે રંગપુર રાઈડર્સ ખુલ્ના ટાઈટન્સને હરાવીને સેમિ ફાઈનલમાં પ્રવેશ્યું હતુ.

 

(9:51 am IST)