Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

ટીમ ઈન્ડિયા ૨૦૧૯થી ૨૦૨૩ સુધી ૩૦૬ આંતરરાષ્ટ્રીય મેચો રમશે : BCCI

ભારતીય ક્રિકેટ બોર્ડનો દાવો : અમે અગાઉના કાર્યક્રમો કરતાં૮૪ મેચો ઘટાડી : હાલના ફ્યુચર ટૂર્સ પ્રોગ્રામ્સ કરતાં ભારતને ૩૦ મેચો વધુ રમવી પડશે

નવી દિલ્હી, : ભારતીય ક્રિકેટરોને વ્યસ્ત કાર્યક્રમને કારણે પરેશાનીનો સામનો કરવો પડતો હોવાની કેપ્ટન કોહલીની માગણીની ઐસી-તૈસી કરતાં ભારતીય ક્રિકેટ બોર્ડે આગામી પાંચ વર્ષ માટે ભરચક ક્રિકેટ કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. ભારતીય ક્રિકેટ બોર્ડે સ્પેશિયલ જનરલ મિટિંગ બાદ જાહેરાત કરી હતી કે, ભારતીય ક્રિકેટ ટીમ વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૩ દરમિયાન ત્રણેય ફોર્મેટમાં કુલ મળીને ૩૦૬ મેચો રમશે.

ભારતીય ક્રિકેટ બોર્ડે આ જાહેરાત સાથે એવી સ્પષ્ટતા કરી હતી કે, તાજેતરમાં કેપ્ટન વિરાટ કોહલી અને ટીમ મેનેજમેન્ટે વ્યસ્ત કાર્યક્રમ અંગે જે ફરિયાદ કરી હતી, તેને અમે ધ્યાનમાં લીધી છે અને મેચોની સંખ્યામાં અગાઉના વર્ષો કરતાં ૮૪ મેચો ઘટાડી દીધી છે. ભારતીય ક્રિકેટ બોર્ડના જણાવ્યા અનુસાર અગાઉના કાર્યક્રમ અનુસાર ભારતને પાંચ વર્ષમાં ૩૯૦ આંતરરાષ્ટ્રીય મેચો રમવી પડતી હતી, જે અમે ઘટાડીને ૩૦૬ કરી છે.

ભારતની આ ૩૦૬ મેચોમાં આઇસીસીવર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફીની મેચોને સામેલ કરવામાં આવી નથી. એક મીડિયા રિપોર્ટમાં એવો પણ ખુલાસો કરવામાં આવ્યો છે કે, બીસીસીઆઇ ભલે આંતરરાષ્ટ્રીય મેચોમાં ઘટાડો કરવાનો દાવો કરતું હોય પણ હકીકત જુદી છે. બોર્ડે જાહેર કરેલા કાર્યક્રમમાં તો ટીમ ઈન્ડિયાને હાલના ફ્યુચર ટૂર પ્રોગ્રામ કરતાં ૩૦ મેચો વધુ રમવી પડશે તેવું સ્પષ્ટ જોઈ શકાય છે.

વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૩ સુધીના ફ્યુચર ટૂર પ્રોગ્રામ અનુસાર ભારતને ૩૦૬ દિવસ જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવું પડશે. જે ૨૦૧૫ થી ૨૦૧૯  દરમિયાન ૩૯૩ દિવસ હતુ. વધુમાં બીસીસીઆઇએ જણાવ્યું છે કે, ભારત ૨૦૧૯ થી ૨૦૨૩ દરમિયાનના પાંચ વર્ષોમાં ઘરઆંગણે કુલ ૮૧ મેચો રમશે. જે અગાઉ ૫૧ જ હતી, જેમાં વધારો થયો છે, જોકે મેચના દિવસોમાં ઘટાડો થયો છે.

અગાઉ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ વ્યસ્ત કાર્યક્રમની ફરિયાદ કરતાં કહ્યું હતુ કે, સાઉથ આફ્રિકા જેવા મુશ્કેલ પ્રવાસ અગાઉ અમને એક મહિનાનો આરામ મળવો જોઈએ. આવા પ્રવાસ અગાઉ યોગ્ય પ્રેક્ટિસ કેમ્પનું આયોજન થાય તે પણ જરુરી છે. જોકે હાલમાં તો અમારે જે પ્રકારે કાર્યક્રમ ગોઠવાયો છે તેને જ અનુસરવું પડશે. ભારત ૨૦૨૧માં ચેમ્પિયન્સ ટ્રોફી, ૨૦૨૩માં વર્લ્ડ કપનું યજમાન ભારત વર્ષ ૨૦૨૧માં ચેમ્પિયન્સ ટ્રોફી અને ત્યાર બાદ ૨૦૨૩માં વર્લ્ડ કપની યજમાની કરશે. ભારત આ સાથે પહેલી વખત એકલા હાથે વન ડેના વર્લ્ડ કપની યજમાની કરશે. ભારત અગાઉ ૧૯૮૭, ૧૯૯૬ અને ૨૦૧૧માં વર્લ્ડ કપની સહ યજમાની કરી ચૂક્યું છે. ભારતીય ક્રિકેટ બોર્ડની મિટિંગમાં જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ દરમિયાન આ બાબત સ્પષ્ટ થઈ હતી.

ભારત આવતા વર્ષે સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડશે ભારતીય ક્રિકેટ ટીમ આવતા વર્ષે સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડશે. ચાલુ વર્ષના અંત ભાગમાં જ ભારતીય ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસે રવાના થશે અને બંને દેશો વચ્ચેની ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ આવતા વર્ષે થવાનો છે. આ પછી ભારતીય ટીમ આવતા વર્ષે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા પણ જવાની છે. ભારતીય ટીમ જુન,૨૦૧૮માં ઈંગ્લેન્ડના પ્રવાસે જશે. જ્યારે નવેમ્બર,૨૦૧૮માં ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ યોજાશે. જાન્યુઆરી, ૨૦૧૯માં ભારતીય ક્રિકેટ ટીમ ન્યુઝીલેન્ડ જશે. ભારતીય ક્રિકેટ ટીમ માટે આવનારૃ વર્ષ પડકારજનક બની રહેશે. ચાલુ વર્ષે મોટાભાગની મેચો હોમગ્રાઉન્ડ પર રમનારા ભારતના યુવા ખેલાડીઓ પાસે વિદેશની ભૂમિ પર જબરજસ્ત દેખાવ કરતાં સફળતા મેળવવાની તક છે.

ભારતની સરેરાશ છ દિવસે એક આંતરરાષ્ટ્રીય મેચ ભારતીય ક્રિકેટ બોર્ડે ભલે આગામી પાંચ વર્ષના ફ્યુચર ટૂર પ્રોગ્રામમાં ખેલાડીઓ પરનું ભારણ ઘટાડવા માટે મેચોની સંખ્યામાં કાપ મૂકવાનો દાવો કર્યો હોય. જોકે વાસ્તવિકતામાં તેવું લાગતું નથી. પાંચ વર્ષમાં ભારતને કુલ ૩૦૬ આંતરરાષ્ટ્રીય મેચો રમવાની છે, જેમાંની ૮૧ મેચો ભારતની ભૂમિ પર રમાવાની છે. વધુમાં આ તમામ મેચોમાં આઇસીસી વર્લ્ડ કપ કે ચેમ્પિયન્સ ટ્રોફીની મેચોનો સમાવેશ થતો નથી, જેના કારણે મેચોની સંખ્યામાં નિશ્ચિતપણે વધારો થશે જ. એક અંદાજ મુજબ ભારતને ૧૮૨૬ દિવસોમાં ૩૦૬ મેચો રમવાની થાય છે અને આ પ્રકારે જોતા ભારતને સરેરાશ છ દિવસે એક આંતરરાષ્ટ્રીય મેચ રમવી પડશે તેવું લાગી રહ્યું છે. વધુમાં જો મેચો વિદેશમાં હોય તો ભારતને તૈયારી માટે પુરતી તૈયારી મળશે કે નહિ તે હજુ નક્કી નથી. ભારતીય ક્રિકેટ બોર્ડ ઘણી વખત હરિફ બોર્ડ સાથે સહમતીથી અચાનક નવી શ્રેણી ગોઠવી દેતું હોય છે, આવી મેચોને પણ ફ્યુચર ટૂર પ્રોગ્રામમાં સામેલ કરવામાં આવતી નથી. ટૂંકમાં ભારતીય ક્રિકેટ બોર્ડ હાલમાં જે પ્રકારે મેચો ઘટાડવાનો દાવો કરી રહ્યું છે, તેવું હકીકતમાં થાય તેવી શક્યતા ઓછી હોવાનું ક્રિકેટ વર્તુળોમાં ચર્ચાય છે.

ઘરઆંગણાની મેચો વધી પણ મેચના દિવસો ઘટયા! નવા કાર્યક્રમમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ભારતે ટેસ્ટ મેચ રમવામાં ઘટાડો કરવાનું અને વધુને વધુ ટ્વેન્ટી-૨૦ રમવાનું આયોજન કર્યું છે.બીસીસીઆઇએ ઘરઆંગણાની મેચો ૫૧થી વધારીને ૮૧ કરી છે. જોકે મેચના દિવસો ઘટી ગયા છે, જે દર્શાવે છે કે, બોર્ડને હવે ટેસ્ટને બદલે ટી-૨૦માં વધુ રસ છે. બોર્ડે બચાવમાં કહ્યું છે કે, અમે મેચો વધારી છે, પણ ખેલાડીઓ પરનું ભારણ ઘટાડવા મેચના દિવસોની સંખ્યા ઘટાડી છે.  ભારતીય ક્રિકેટ બોર્ડે જાહેર કરેલો આ ફ્યુચર ટૂર પ્રોગ્રામ હજુ પ્રસ્તાવિત છે અને તેને સૌપ્રથમ તો સુપ્રીમ કોર્ટની નિમેલી વહિવટદારોની સમિતિ સમક્ષ મંજૂરી માટે મૂકવામાં આવશે અને આ પછી હરિફ ટીમના બોર્ડની સમક્ષ તે અંગેનો પ્રસ્તાવ રજુ કરી તેમની સાથએ હસ્તાક્ષર કરીને કરાર કરવામાં આવશે.

(11:41 am IST)