Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

સૌરવ ગાંગુલીએ તેની બાયોપિક પર ફિલ્મ માટે મંજૂરી આપી

અઝહર-ધોની બાદ વધુ એક ક્રિકેટર પર ફિલ્મ બનશે : ફિલ્મનું નિર્માણ માટે ફિલ્મ મેકર્સે ૨૦૦થી ૨૫૦ કરોડનું બજેટ નક્કી કર્યું, રણવીર સૌરવના પાત્ર માટે ફેવરિટ

નવી દિલ્હી, તા. ૧૩ : આખરે સૌરવ ગાંગુલીએ પોતાની બાયોપિક ફિલ્મ માટે મંજૂરી આપી દીધી છે. પૂર્વ ભારતીય સુકાનીના જીવન પર બનનારી આ બોલિવૂડ ફિલ્મ મેગા બજેટ હશે. સૂત્રો દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, આ ફિલ્મનું નિર્માણ એક મોટા બેનર હેઠળ થશે. ફિલ્મ મેકર્સે ૨૦૦થી ૨૫૦ કરોડ રુપિયાનું બજેટ નક્કી કર્યું છે.

ન્યુઝ પોર્ટલ સાથેની વાતચીતમાં સૌરવ ગાંગુલીએ કહ્યું કે, અત્યારે ડિરેક્ટરનું નામ જણાવી શકાય નહીં. તમામ વાતો નક્કી થવામાં હજી સમય લાગશે. પ્રોડક્શન હાઉસ સાથે ગૌરવ ગાંગુલીની ઘણી મુલાકાતો થઈ ચુકી છે. અત્યારે સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. આ વાંચીને તમારા મગજમાં પણ પહેલો વિચાર એવો જ આવ્યો હશે કે સૌરવ ગાંગુલીનું પાત્ર પડદા પર કોણ ભજવશે. રણવીર કપૂરનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વાત લગભગ નક્કી થઈ ગઈ છે. ગાંગુલીએ પણ રણબીરના નામનો ઉલ્લેખ કર્યો હતો. પરંતુ અન્ય બે અભિનેતાઓ પણ આ રેસમાં શામેલ છે. ક્રિકેટર બનવાથી લઈને કેપ્ટનશિપ અને પછી બીસીસીઆઈ અધ્યક્ષ બનવા સુધીના સફરને ફિલ્મમાં દર્શાવવામાં આવશે. ફિલ્મ ક્યાર સુધી રિલીઝ થશે, એવુ કંઈ કહેવાય તેમ નથી. ઉલ્લેખનીય છે કે એમએસ ધોની પર બનેલી બાયોપિક બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. તેણે કમાણીના ઘણાં રેકોર્ડ્સ તોડી નાખ્યા હતા. પૂર્વ સુકાની અઝહરુદ્દીનના જીવન પર પણ ફિલ્મ બની ચુકી છે. સચિન તેંડુલકરના જીવન પર પણ એક ડોક્યુમેન્ટ્રી આવી છે. અત્યારે ૧૯૮૩ વિશ્વ કપ વિજેતા ભારતીય ટીમ પર ફિલ્મ બનીને તૈયાર છે. આ ફિલ્મમાં રણવીર સિંહ કેપ્ટન કપિલ દેવની ભૂમિકામાં જોવા મળશે. કોરોનાને કારણે ફિલ્મ રિલીઝ નથી થઈ શકી. મિતાલી રાજ અને ઝૂલન ગોસ્વામી જેવી મહિલા ક્રિકેટર્સની બાયોપિક પર પણ કામ ચાલુ છે.

(9:17 pm IST)