Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

૧૮મીએ ખેલાડીઓએ ફીટનેસ ટેસ્‍ટ પાસ કરવો પડશે, ત્‍યારબાદ દુબઈ જવા રવાના થશે

વાતાવરણમાં સેટ થવા ટીમ ઈન્‍ડિયા એક સપ્‍તાહ અગાઉ પહોંચી જશે: દપક હુડ્ડા અને અવેશ ખાન ઝિમ્‍બાબ્‍વેથી સીધા દુબઈ જશેઃ ૨૦૧૮માં ટીમ ઈન્‍ડિયા ચેમ્‍પિયન બનેલું

નવીદિલ્‍હીઃ ચાર વર્ષની રાહ જોયા બાદ આખરે એશિયા કપ થવા જઈ રહ્યો છે.  આ ટુર્નામેન્‍ટ ૨૭ ઓગસ્‍ટથી સંયુક્‍ત આરબ અમીરાતમાં યોજાવાની છે. ટૂર્નામેન્‍ટનું શેડ્‍યૂલ જાહેર થઈ ગયું છે અને ૨૮ ઓગસ્‍ટે ભારત અને પાકિસ્‍તાન બીજી મેચમાં ટકરાશે, જેના પર તમામની નજર ટકેલી છે.  ટીમોની જાહેરાત કરવામાં આવી છે અને હવે માત્ર ટીમો યુએઈ પહોંચીને તૈયારી કરવાની રાહ જોઈ રહી છે.  ટીમ ઈન્‍ડિયા કયારે જશે, કેવી તૈયારી કરશે, તે નકકી થઈ ગયું છે અને તેની શરૂઆત ફિટનેસ ટેસ્‍ટથી થશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ એશિયા કપ ૨૦૨૨ માટે ૧૫ સભ્‍યોની ટીમની જાહેરાત કરી છે, જેમાં ૩ ખેલાડીઓ સ્‍ટેન્‍ડબાય તરીકે રહેશે.  ભારતીય ટીમ શ્‍ખ્‍ચ્‍ની પરિસ્‍થિતિઓને અનુરૂપ બનવા અને ટૂર્નામેન્‍ટની તૈયારી કરવા માટે એક સપ્તાહ અગાઉ યુએઈમાં કેમ્‍પ કરશે.  રોહિત શર્માના નેતળત્‍વમાં ટીમ ઈન્‍ડિયા ૨૦ ઓગસ્‍ટે જ યજમાન દેશ માટે રવાના થશે અને પછી ત્‍યાં કેમ્‍પ કરીને તૈયારીઓ હાથ ધરશે.

૧૮ ઓગસ્‍ટે એનસીએમાં મેળાવડો થશે

જોકે, રવાના થતા પહેલા કેપ્‍ટન રોહિત શર્મા, વિરાટ કોહલી સહિત સમગ્ર ટીમ ઈન્‍ડિયાનો ફિટનેસ ટેસ્‍ટ કરાવવો પડશે.  મનમાં કોઈ શંકા આવે તે પહેલા અમે તમને જણાવી દઈએ કે આ ફિટનેસ ટેસ્‍ટ પ્રક્રિયાનો એક ભાગ છે અને કોઈપણ વિરામ પછી ખેલાડીઓએ નવા પ્રવાસ પહેલા તેમાંથી પસાર થવું પડશે. 

ભારતીય ટીમ ૧૮ ઓગસ્‍ટના રોજ નેશનલ ક્રિકેટ એકેડમી, બેંગ્‍લોર ખાતે એસેમ્‍બલ થશે અને ફિટનેસ ટેસ્‍ટમાંથી પસાર થશે, જે પ્રોટોકોલ મુજબ બ્રેકમાંથી પરત ફરવા પર ફરજિયાત છે.  ખેલાડીઓ ૨૦ ઓગસ્‍ટે દુબઈ જવા રવાના થશે.

 એશિયા કપની ૧૦ મેચ દુબઈમાં રમાશે. તમામ મેચો ભારતીય સમય અનુસાર સાંજે ૬ વાગ્‍યે અને સાંજે ૭:૩૦ વાગ્‍યે શરૂ થશે.

એશિયા કપ માટે ભારતીય ટીમમાં પસંદ કરાયેલા દીપક હુડા અને અવેશ ખાન ઝિમ્‍બાબ્‍વેથી સીધા દુબઈ જશે.  આ બંને ખેલાડીઓ ટ્રેનિંગ કેમ્‍પમાં પણ ભાગ લેશે નહીં.

ટીમ ઈન્‍ડિયા ટાઈટલ બચાવવા  મેદાનમાં ઉતરશે

ભારતીય ટીમ એશિયા કપની વર્તમાન ચેમ્‍પિયન છે.  અગાઉ ૨૦૧૮માં જ્‍યારે ટૂર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું હતું, તે સમયે પણ ભારતે રોહિત શર્માની કપ્તાનીમાં ખિતાબ જીત્‍યો હતો.  હવે ફરી એકવાર રોહિતની કેપ્‍ટન્‍સીમાં ટીમ ઈન્‍ડિયા મેદાનમાં ઉતરશે અને ખિતાબનો બચાવ કરશે.  જો કે, ટાઈટલનો બચાવ કરવા કરતાં વધુ ધ્‍યાન એ વાત પર રહેશે કે ટીમ ઈન્‍ડિયા તેની નવી વિચારસરણી અને વ્‍યૂહરચનાનો સતત અમલ કેવી રીતે કરી શકે છે. વિરાટ કોહલી જેવા બેટ્‍સમેન કેવું પ્રદર્શન કરે છે, કારણ કે અહીંના પ્રદર્શનના આધારે ટી-૨૦ વર્લ્‍ડ કપનો રસ્‍તો પણ ખુલશે.

(3:33 pm IST)