Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

ટી-૨૦ વર્લ્‍ડકપને બે મહિના બાકી, સિલેકશન માટે છે ૫૪ ક્રિકેટરો

છેલ્લા કેટલાક સમયમાં ટીમ ઈન્‍ડિયાએ ૭ કેપ્‍ટન અજમાવ્‍યાઃ પસંદગીકારો પાસે છે ઢગલાબંધ વિકલ્‍પોઃહાલમાં આપણી ટીમમાં જેટલા ખેલાડીઓને રમવાની તક મળી છે તેની ગણતરી કરીએ તો ચાર- ચાર ટીમ બની શકેઃ કોચ રાહુલ દ્રવિડની સ્‍ટ્રેન્‍થ બેન્‍ચ પણ પાવરફૂલઃ ૨૭ ઓગષ્‍ટથી શરૂ થનાર એશિયા કપમાં પ્રદર્શન કેવું રહેશે તેના પર મદ્દાર

નવીદિલ્‍હીઃ આગામી ઓકટોબરમાં ઓસ્‍ટ્રેલિયામાં ટી૨૦ વર્લ્‍ડ કપ શરૂ થાય એ પહેલાં ઝિમ્‍બાબ્‍વે સામે, એશિયા કપમાં તેમ જ ઓસ્‍ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામે સિરીઝ રમાશે એટલે એમાં કુલ કેટલા ખેલાડીઓને અજમાવવામાં આવશે એ તો આવનારો સમય જ બતાવશે, પણ વર્ષ ૨૦૨૨ના ૭ મહિનામાં અને ૨૦૨૧ પછીનાં દોઢ વર્ષમાં ભારતીય ટીમમાં જેટલા ખેલાડીઓને રમવાનો મોકો મળ્‍યો છે એની સંખ્‍યા પરથી ભારતની એક કે બે નહીં, પણ ચાર ટીમ બની શકે.

૧૬ ઓકટોબરે શરૂ થનારા ટી૨૦ વિશ્વકપને ૬૬ દિવસ બાકી છે. ૨૦૨૧ના વર્ષની શરૂઆતથી અત્‍યાર સુધીમાં ભારત વતી ત્રણેય ફૉર્મેટ મળીને કુલ ૭૪ મેચમાં રોહિત શર્મા, રિષભ પંત, હાર્દિક પંડ્‍યા, જસપ્રીત બુમરાહ, મોહમ્‍મદ શમી, રવીન્‍દ્ર જાડેજા, યુઝવેન્‍દ્ર ચહલ સહિત (રેગ્‍યુલર અને નવા મળીને) કુલ ૫૪ ખેલાડી રમી ચૂકયા છે. આ દોઢ વર્ષમાં ૩૩ ખેલાડીઓએ ભારત વતી ટેસ્‍ટ અથવા વન-ડે અથવા ટી૨૦માં ડેબ્‍યુ કર્યું છે.

એટલું જ નહીં, ૨૦૨૨ના પહેલા ૭ મહિના ગણીએ તો આ સમયગાળામાં ભારતે ૭ કેપ્‍ટન (વિરાટ, રોહિત, રાહુલ, હાર્દિક, શિખર, પંત અને બુમરાહ) અજમાવ્‍યા છે. ભારતે શ્રીલંકાના વર્લ્‍ડ રેકોર્ડની બરાબરી કરી છે. ૨૦૧૭માં શ્રીલંકાએ ૭  કેપ્‍ટન અજમાવ્‍યા હતા.

આ બધું જોતાં, ભારતીય સિલેક્‍ટરો પાસે અત્‍યારે ખેલાડીઓ ઉપરાંત કેપ્‍ટનની નિયુક્‍તિ વિશે પણ ઘણા વિકલ્‍પો છે. તેમના માટે આ સુખદ અનુભવ કહેવાશે. વર્લ્‍ડ કપની ટીમના સુકાની તરીકે રોહિત શર્મા હશે કે કે. એલ. રાહુલ હશે કે હાર્દિક પંડ્‍યા એ તો આવનારા થોડા દિવસમાં ખબર પડી જશે, પરંતુ દોઢ વર્ષમાં સૌથી વધુ ૫૪  મેચ રમનાર વિકેટકીપર-બેટર રિષભ પંત, ૪૬ મેચ રમનાર રોહિત શર્મા ઉપરાંત ૩૬-૩૬ મેચ રમનાર શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ અને ભુવનેશ્વર કુમાર પણ ટીમમાં હશે જ.

 બુમરાહ, હાર્દિક અને ચહલ પણ વર્લ્‍ડ કપની ટીમમાં સીધી એન્‍ટ્રી કરી લેશે. વિરાટ કોહલી ૨૭ ઓગસ્‍ટથી રમાનારા એશિયા કપમાં કેવું રમશે એના પર તેના ટી૨૦ ભાવિનો આધાર છે.

(12:55 pm IST)