Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

કોહલીને હજુ વધારે સમય આપવાની જરૂર : સુરેશ રૈના

વિરાટ કોહલીના નેતૃત્વ પર સવાલ : આવનારા સમયમાં બે ટી-૨૦ વિશ્વ કપ, વન ડે વિશ્વકપ રમાવાનો છે ત્યારે વિરાટને ચાલુ રાખવો જરૂરી : રૈના

નવી દિલ્હી, તા.૧૨ : ભારતીય ક્રિકેટ ટીમ જ્યારથી ન્યૂઝીલેન્ડ સામે આઈસીસીની ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ હારી છે ત્યારથી કોહલીને કેપ્ટન પદે ચાલુ રહેવા દેવો જોઈએ કે નહીં તે અંગે ક્રિકેટ ચાહકોમાં સામ-સામી દલીલો થઈ રહી છે. વિવાદની વચ્ચે આઈપીએલમાં ચેન્નાઈ સુપરકિંગ્સ તરફથી રમતા ધરખમ બેટસમેન સુરેશ રૈનાનુ માનવુ છે કે, વિરાટને કેપ્ટન તરીકે વધારે સમય આપવાની જરુર છે.

રૈનાએ કહ્યુ હતુ કે, ભારત વિરાટની કેપ્ટનશિપ હેઠળ ત્રણ વખત આઈસીસી ટ્રોફીની નજીક પહોંચી ગયુ હતુ.જેમાં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ, ૨૦૧૯ ક્રિકેટ વર્લ્ડ કપ સેમીફાઈનલ અને હાલમાં રમાયેલી આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ.એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં રૈનાએ કહ્યુ હતુ કે, મારુ માનવુ છે કે, તે નંબર એક કેપ્ટન છે અને તેમના રેકોર્ડથી ખબર પડે છે કે તેમની પાસે ઘણી ઉપલબ્ધી છે.તે દુનિયાના નંબર વન બેટસમેન પણ છે.

રૈનાએ આગળ કહ્યુ હતુ કે, વાત સાચી છે કે વિરાટે હજી એક પણ આઈસીસી ટ્રોફી જીતી નથી પણ મારુ માનવુ છે કે, તેમને વધારે સમય આપવાની જરુર છે.આવનારા સમયમાં બે ટી-૨૦ વિશ્વ કપ, એક ૫૦ ઓવરનો વિશ્વકપ રમાવાનો છે.

રૈનાએ તાજેતરમાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયશનશિપની ફાઈનલમાં મળેલી હાર અંગે કહ્યુ હતુ કે, બેટસમેનોના ખરાબ પ્રદર્શનના કારણે આપણે હાર્યા છેસિનિયર બેટસમેનોએ જવાબદારીપૂર્વક બેટિંગ કરવી પડશે.

(7:24 pm IST)