Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

ભારત-આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ મેચનો તખ્તો ગોઠવાયો

૧૩મીથી સેન્ચુરિયન ખાતે બીજી ટેસ્ટ મેચ શરૂ : પ્રથમ ટેસ્ટ મેચને ગુમાવી દીધા બાદ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ ઉપર તીવ્ર દબાણ : ઝડપી બોલરો છવાશે

નવીદિલ્હી,તા. ૧૨ : ફ્રીડમ સિરિઝની બીજી ટેસ્ટ મેચ આવતીકાલથી શરૂ થઇ રહી છે. ભારત અને આફ્રિકા વચ્ચે સેન્ચુરિયન  ખાતે શરૂ થતી આ ટેસ્ટમાં પણ ઝડપી બોલરો છવાયેલા રહે તેવી શક્યતા છે. પ્રથમ ટેસ્ટમાં હાર ખાધા બાદ  ભારતીય ટીમ પર દબાણ વધી ગયુ છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ શાનદાર દેખાવ કરવા માટે સજ્જ દેખાઇ રહી છે.  ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાની સાથે પોતાના ૨૫ વર્ષની દ્વિપક્ષીય ટેસ્ટ શ્રેણીના ઇતિહાસમાં માત્ર એક જ મેચ સેન્ચુરિયનમાં રમી છે. આ ટેસ્ટ મેચ ડિસેમ્બર ૨૦૧૦માં રમાઈ હતી. આ ટેસ્ટ મેચમાં પણ ભારતને ઇનિંગ્સ અને ૨૫ રને હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ ઇનિંગ્સમાં ભારતીય બેટ્સમેનો પેસ અને બાઉન્સની સામે ઉભા રહી શક્યા ન હતા. ૨૫ વર્ષના મોર્કેલે ૧૨.૪ ઓવરમાં ૨૦ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી જ્યારે ડેલ સ્ટેઇને ત્રણ વિકેટ ઝડપી હતી. સ્ટેઇન ભલે ઇજાના કારણે સિરિઝથી બહાર થઇ ગયો છે પરંતુ મોર્ની મોર્કેલ ઝડપી આક્રમણનું નેતૃત્વ કરશે. પ્રથમ ટેસ્ટ મેચમાં તરખાટ મચાવનાર ફિલાન્ડર પાસેથી જોરદાર દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. ફિલાન્ડરે કેપટાઉન ટેસ્ટમાં બીજી ઇનિંગ્સમાં છ વિકેટ ઝડપી હતી અને ટેસ્ટ મેચમાં કુલ નવ વિકેટ ઝડપી હતી. તેની મેન ઓફ દ મેચ તરીકે પસંદગી કરવામાં આવી હતી. સેન્ચુરિયનમાં અલગ પ્રકારની વિકેટ છે. રબાડા સેન્ચુરિયનમાં વધારે સફળ રહ્યો છે. તેનાથી સૌથી વધારે ખતરો રહેલો છે. ૨૨ વર્ષના આ ઝડપી બોલરે હાલના વર્ષોમાં ૧૪૫ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે બોલ ફેંક્યા છે. તેના મુશ્કેલીમાં મુકનાર બાઉન્સર ચિંતા ઉપજાવે તેવા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેપટાઉન ખાતે રમાયેલી પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની શરમજનકરીતે હાર થતાં ક્રિકેટ ચાહકોમાં આક્રોશનું મોજુ ફરી વળ્યું હતું. મેચમાં જીતવા માટેની પુરતી તક હોવા છતાં ભારતીય બેટ્સમેનોએ કોઇપણ જવાબદારી વગરની બેટિંગ કરીને વિકેટો ફેંકી હતી અને જીતવા માટેના માત્ર ૨૦૮ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ૧૩૫ રનમાં ઓલઆઉટ થઇ ગઈ હતી. મુરલી વિજય, શિખર ધવન, પુજારા, કોહલી, રોહિત શર્મા જેવા સ્ટાર ગણાતા બેટ્સમેનો સસ્તામાં પેવેલિયન ભેગા થયા હતા અને ભારતીય ટીમ આ ટેસ્ટ મેચ હારી ગઈ હતી. ફિલાન્ડરે તરખાટ મચાવીને ૪૨ રન આપીને છ વિકેટ ઝડપી હતી. ભારતીય બોલરોએ બાજી રાખીને જીતવાની તક સર્જી હતી પરંતુ બેટ્સમેનોએ નૌકા ડુબાડી દીધી હતી અને એક પછી એક બેટ્સમેનો સસ્તામાં પેવેલિયન ભેગા થયા હતા. વિરાટ કોહલી બંને ઇનિંગ્સમાં નિષ્ફળ રહેતા ચાહકોમાં રોષ છે. બીજી બાજુ પુજારા અને મુરલી વિજય તથા શિખર ધવન પણ જવાબદારી વગરની બેટિંગ કરીને આઉટ થયા હતા. ટીમમાં કેપ્ટન ડુ પ્લેસીસ સિવાય ડિવિલિયર્સ, હાસીમ અમલા જેવા આધારભુત બેટ્સમેનો રહેલા છે. જો કે પ્રથમ ટેસ્ટમાં આ ખેલાડી અપેક્ષા મુજબનો દેખાવ કરી શક્યા ન હતા.  દુનિયામાં સૌથી ઘાતક બોલિગ હાલમાં આફ્રિકા પાસે જ છે . તે બાબતની સાબિતી પ્રથમ ટેસ્ટમાં મળી ગઇ હતી. કોહલી, પુજારા, મુરલી વિજય, રહાણે જેવા ખેલાડીઓ કોઇપણ બોલરોને મુશ્કેલીમાં મુકી શકે છે. લાંબા સમય સુધી પીચ ઉપર રહીને લાંબી ઇનિંગ્સ રમવામાં આ બેટ્સમેનો સક્ષમ છે. આફ્રિકામાં વિકેટ ઉછાળવાળી હોવાથી ઝડપી બોલરોને મદદ મળશે. ભુવનેશ્વર કુમાર, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ અને મોહમ્મદ સમી ટીમ ઇન્ડિયાની જવાબદારી સંભાળશે. હાર્દિક પંડ્યા મોટા ઓલરાઉન્ડર તરીકે ઉભરી રહ્યો છે. અશ્વિન સ્પીનર તરીકેની જવાબદારી સંભાળશે.પ્રથમ ટેસ્ટ ગુમાવી દીધા બાદ ભારતીય ટીમ પર દબાણ વધી ગયુ છે. મેચને લઇને તમામ તૈયારી કરી લેવાઇ છે. બંને ટીમો નીચે મુજબ છે.

આફ્રિકાની ટીમઃ પ્લેસિસ (કેપ્ટન), અમલા, બાવુમા, બ્રુયન, કોક, ડિવિલિયર્સ, એલ્ગર, મહારાજ, મારક્રમ, મોર્કેલ, મોરિસ, ફેલુકવાયો, ફિલાન્ડર, રબાડા અને સ્ટેઇન.

ભારતની ટીમ : કોહલી (કેપ્ટન), રહાણે, અશ્વિન, બુમરાહ, ધવન, ભુવનેશ્વર, સમી, હાર્દિક પંડ્યા, પાર્થિવ પટેલ, પુજારા, લોકેશ રાહુલ, સહા, ઇશાંત, રોહિત શર્મા, મુરલી વિજય, ઉમેશ યાદવ....

ક્રિકેટ શ્રેણીનો વિસ્તૃત કાર્યક્રમ

શનિવારે બપોરે ૧.૩૦ વાગ્યાથી પ્રસારણ થશે

        સેન્ચુરિયન, તા. ૧૨ : ફ્રીડમ સિરિઝની બીજી ટેસ્ટ મેચ આવતીકાલથી શરૂ થઇ રહી છે. ભારત અને આફ્રિકા વચ્ચે સેન્ચુરિયન  ખાતે શરૂ થતી આ ટેસ્ટમાં પણ ઝડપી બોલરો છવાયેલા રહે તેવી શક્યતા છે. પ્રથમ ટેસ્ટમાં હાર ખાધા બાદ  ભારતીય ટીમ પર દબાણ વધી ગયુ છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ શાનદાર દેખાવ કરવા માટે સજ્જ દેખાઇ રહી છે.  ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાની સાથે પોતાના ૨૫ વર્ષની દ્વિપક્ષીય ટેસ્ટ શ્રેણીના ઇતિહાસમાં માત્ર એક જ મેચ સેન્ચુરિયનમાં રમી છે.બન્ને દેશો વચ્ચે રમાનાર ટેસ્ટ, વનડે અને ટ્વેન્ટી મેચોનો કાર્યક્રમ નીચે મુજબ છે.

*      ૧૩ જાન્યુઆરી : સેન્ચ્યુરિયનમાં બપોરે ૧.૩૦થી બીજી ટેસ્ટ મેચ

*      ૨૪-૨૮મી જાન્યુઆરી : જ્હોનિસબર્ગમાં ૧.૩૦ વાગ્યાથી ત્રીજી ટેસ્ટ મેચ

*      પહેલી ફેબ્રુઆરીના દિવસે ડર્બનમાં ૪.૩૦ વાગ્યાથી પ્રથમ વનડે

*      ૪થી ફેબ્રુઆરીના દિવસે સેન્ચુરિયનમાં બપોરે ૧.૩૦ વાગ્યાથી બીજી વનડે

*      ૭મી ફેબ્રુઆરીના દિવસે કેપટાઉનમાં ૪.૩૦ વાગ્યાથી ત્રીજી વનડે

*      ૧૦મી ફેબ્રુઆરીના દિવસે જ્હોનિસબર્ગમાં ૪.૩૦ વાગ્યાથી ચોથી વનડે

*      ૧૩મી ફેબ્રુઆરીના દિવસે પોર્ટએલિઝાબેથમાં ૪.૩૦ વાગ્યાથી પાંચમી વનડે

*      ૧૬મી ફેબ્રુઆરીના દિવસે ૪.૩૦ વાગ્યાથી સેન્ચુરિયનમાં છ્ઠી વનડે

*      ૧૮મી ફેબ્રુઆરીના દિવસે સાંજે છ વાગ્યાથી જ્હોનિસબર્ગમાં પ્રથમ ટ્વેન્ટી

*      ૨૧મી ફેબ્રુઆરીના દિવસે સેન્ચુરિયનમાં ૯.૩૦ વાગ્યાથી બીજી ટ્વેન્ટી

*        ૨૪મી ફેબ્રુઆરીના દિવસે કેપટાઉનમાં ૯.૩૦થી ત્રીજી ટ્વેન્ટી

(12:38 pm IST)