Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

IPLની હરાજી માટે ગંભીર, હરભજન અને યુવરાજે રાખી બે કરોડ રૂપિયા બેઝ - પ્રાઈસ

૨૭ અને ૨૮ જાન્યુઆરીએ થનારા ઓકશન માટે આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂકેલા ખેલાડીઓને ૫૦ લાખથી માંડી બે કરોડ રૂપિયાની બેઝ - પ્રાઈસ રાખવાની ભારતીય ક્રિકેટ બોર્ડે આપી છૂટ : ડોપીંગ વિવાદમાં ફસાયેલો યુસુફ પઠાણ ૭૫ લાખ રૂપિયામાં ઉપલબ્ધ

આઈપીએલની આગામી સીઝન માટે આઠ ટીમોની પોતાના જૂના ખેલાડીઓને ટીમમાં જાળવી રાખવાની પ્રક્રિયા પૂરી થયા બાદ હવે ક્રિકેટરોની હરાજી બોલાશે. આ મહિનાની ૨૭-૨૮ જાન્યુઆરીએ તમામ ખેલાડીઓની હરજી થશે, જેની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. જે ક્રિકેટરોને તેમની ટીમોએ જાળવી નથી રાખ્યા તેઓ પોતાની બેઝ પ્રાઈઝ નક્કી કરી રહ્યા છે. તાજેતરમાં જ ડોપીંગ વિવાદમાં ફસાયેલા યુસુફ પઠાણે પોતાની બેઝ પ્રાઈસ ૭૫ લાખ રૂપિયા નક્કી કરી છે.

બેઝ પ્રાઈસ એ રકમ હોય જે ખેલાડી પોતાના માટે નક્કી કરે છે અર્થાત્ એ નક્કી કરેલી રકમ કરતા ઓછી કિંમતમાં એ ખેલાડી વેચાતો નથી. જો એક કરતા વધુ ટીમોને એ ખેલાડીમાં રસ હોય તો પછી બોલી બોલાવાની શરૂઆત થાય છે. ઘણા ખેલાડીઓની બેઝ પ્રાઈસ ટીમોને વધુ લાગે તો તે ખેલાડી વેચાતો નથી. ભારતીય ક્રિકેટ બોર્ડે આંતરરાષ્ટ્રીય મેચો રમી ચૂકેલા ખેલાડીઓને પોતાની બેઝ પ્રાઈસ ૫૦ લાખથી માંડી બે કરોડ રૂપિયા સુધી રાખવાનું કહ્યુ છે.

કલકતાની ટીમે પોતાના કેપ્ટન ગૌતમ ગંભીરને જાળવ્યો નથી એવી હવે તેની પણ બોલી લાગશે. પ્રાપ્ય સમાચારો મુજબ ગંભીરે ોતાની બેઝ પ્રાઈસ બે કરોડ રૂપિયા રાખી છે. તો મુંબઈની ટીમના બોલર હરભજનસિંહે પણ પોતાની બેઝ પ્રાઈઝ બે કરોડ રૂપિયા રાખી છે. યુવરાજસિંહ, યુઝવેન્દ્ર ચહલ, ક્રિસ ગેઈલ અને બ્રેન્ડન મેકલમે પણ પોતાની બેઝ પ્રાઈસ બે કરોડ રૂપિયા રાખી છે.

(12:36 pm IST)