Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

એશિયન ટીમ બેડમિંટન ચેમ્પિયનશીપમાં ભારતની મેન્સ અને વિમેન્સ ટીમોનો ક્વાર્ટરફાઇનલમાં પ્રવેશ

નવી દિલ્હી: મલેશિયામાં ચાલી રહેલી એશિયન ટીમ બેડમિંટન ચેમ્પિયનશીપમાં ભારતની મેન્સ અને વિમેન્સ ટીમોને આખરી ગુ્રપ મેચમાં હારનો સામનો કરવો પડયો હતો. આમ છતાં, બંને ટીમોને અગાઉની બંને ગુ્રપ મેચ જીતી હોવાથી ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મળ્યો હતો. હવે ક્વાર્ટર ફાઈનલમાં મેન્સ ટીમનો મુકાબલો ચીન સામે , જ્યારે વિમેન્સ ટીમની ટક્કર ઈન્ડોનેશિયા સામે થશે. આજે વિમેન્સ ઈવેન્ટમાં ભારતને જાપાન સામે ૧-૪થી હારનો સામનો કરવો પડયો હતો. ભારતની પી.વી. સિંધુએ વિજયી પ્રારંભ કરતાં જાપાનની યામાગુચીને ૨૧-૧૯, ૨૧-૧૫થી હરાવી હતી. જોકે જાપાનની સાયાકા સાટોએ ૨૧-૧૨, ૨૧-૧૨થી ભારતની શ્રીક્રિષ્નપ્રિયાને હરાવી હતી. આ પછી ભારતની અશ્વિની પોનપ્પા ત્રીજી સિંગલ્સમાં હારી હતી. ભારતે ત્યાર બાદ બંને ડબલ્સ મેચ પણ ગુમાવી હતી. મેન્સમાં ઈન્ડોનેશિયાના જોનાથન ક્રિસ્ટીએ ૨૧-૧૭, ૨૧-૧૭થી ભારતના કિદામ્બી શ્રીકાંતને હરાવ્યો હતો. ભારતના સાત્વિકસાઈરાજ અને ચિરાગની જોડીએ ઉલટફેર કરતાં અહસાન અને કેવિનને ૧૮-૨૧, ૨૧-૧૮, ૨૪-૨૨થી હરાવ્યા હતા. આ પછી સાઈ પ્રણીતે ૨૧-૧૮, ૨૧-૧૮થી એન્થોનીને હરાવતા ભારતને સરસાઈ અપાવી હતી. જોકે અર્જુન અને શ્લોકની જોડી તેમજ બી.સુમીથ રેડ્ડી હારી જતાં ભારતનો પરાજય થયો હતો.

(5:42 pm IST)