Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

સ્કીંઇગમાં ભારતને પ્રથમવાર મેડલઃ આંચલ ઠાકુરે મેળવ્યો બ્રોન્ઝ

તુર્કીમાં સ્કીંઇગની ઇન્ટરનેશનલ સ્પર્ધામાં જીત બદલ નરેન્દ્રભાઇએ ટવીટ દ્વારા શુભેચ્છા પાઠવી

નવી દિલ્હીઃ ભારતની આંચલ ઠાકુરે મંગળવારે ઇન્ટરનેશનલ સ્કીઇંગ કોમ્પિટીશનમાં  બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. તેની સાથે તે આ રમતમાં ભારતને મેડલ અપાવનારી પહેલી ખેલાડી બની ગઈ છે. ૨૧ વર્ષીય આંચલે આ મેડલ તુર્કીમાં ચાલી રહેલી અલ્પાઇન એજડર ૩૨૦૦ કપમાં જીત્યો. આ જીત પર ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ટ્વિટ કરી તેને શુભેચ્છાઓ પાઠવી છે. આ ઉપરાંત ખેલ રાજયમંત્રી રાજયવર્ધન રાઠોડે પણ આંચલને મેડલ જીતવા પર ખુશી જાહેર કરી છે. નરેન્દ્રભાઇ મોદીએ ટ્વિટમાં લખ્યું,  સ્કીઇંગમાં ઇન્ટરનેશનલ મેડલ જીતવા માટે અભિનંદન. સમગ્ર દેશ તમારી આ ઐતિહાસિક જીત પર ઉત્સાહિત છે. ભવિષ્ય માટે શુભેચ્છાઓ. આ ઉપરાંત ખેલ રાજયમંત્રીએ પોતાના ટ્વિટમાં લખ્યું, તુર્કીમાં  એફઆઇએસ  ઇન્ટરનેશનલ સ્કીઇંગ  કોમ્પિટીશનમાં બ્રોન્ઝ જીતવા માટે આંચલને અભિનંદન. આમેડલથી સ્કીઇંગમાં ભારતનું ખાતું ખુલ્યું. ખૂબ સરસ.

 આંચલ હિમાચલ પ્રદેશના મનાલીમાં એક નાનકડા ગામ બરૂઆની રહેવાસી છે. તેમના પિતા રોશન ઠાકુર વિન્ટર ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા(WGFI)ના સેક્રેટરી જનરલ છે. આંચલને પોતાની શરૂઆતની ટ્રેનિંગ પિતા પાસેથી જ મળી. તે પછી તેમની સ્કિલ્સને જોતા પૂર્વ ઓલિમ્પિયન હીરાલાલે તેને ટ્રેઇન કરી. આંચલ આ પહેલા ભારતને ઓસ્ટ્રિયાના ઇન્સબ્રકમાં ૨૦૧૨ વિન્ટર યુથ ઓલિમ્પિકસમાં પણ રિપ્રેઝન્ટ કરી ચૂકી છે. તેમાં તેમણે અલ્પાઇન સ્કીઇંગમાં હિસ્સો લીધો હતો.

 સ્કીઇંગ ભારતમાં બહુ પોપ્યુલર નથી. એટલે આંચલ માટે સ્પોન્સર શોધવું ઘણું મુશ્કેલ હતું. તેના મોટાભાગના કરિયરમાં તેના પિતા રોશન ઠાકુરે જ તેને સપોર્ટ કર્યો છે.

(4:15 pm IST)