Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

આખરે રોહિત શર્માનો ટેસ્ટ ટીમમાં સમાવેશ કરાયો : ઓસ્ટ્રેલિયન પ્રવાસ માટે ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર

સ્પિનર વરુણ ચક્રવર્તી ટીમમાંથી બહાર: ટી-20માં ટી. નટરાજનને ટીમમાં સામેલ : સંજૂ સેમસનને વનડે સીરીઝ માટે વધારાના વિકેટ કીપર તરીકે લેવાયો

મુંબઈ : ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પસંદ થયેલી ટેસ્ટ, વનડે અને ટી-20માં કેટલાક ફેરફાર થયા છે, જેની જાહેરાત ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ સોમવારે કરી. અગાઉ રોહિતને ટીમમાંથી બહાર કરતા ઘણો વિવાદ થયો હતો જેનો હવે અંત આવ્યો છે. રોહિત શર્માને ટેસ્ટ ટીમમાં સામેલ કરાયો છે, જ્યારે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પ્રથમ વખત ભારતીય ટી 20માં જગ્યા બનાવનારો સ્પિનર વરુણ ચક્રવર્તી ટીમમાંથી બહાર થઇ ગયો છે. તેની જગ્યા ટી-20માં ટી. નટરાજનને ટીમમાં જગ્યા મળી છે.

સંજૂ સેમસનને વનડે સીરીઝ માટે વધારાના વિકેટ કીપર તરીકે સામેલ કરાયો છે. તે સિવાય વિરાટ કોહલી પ્રથમ ટેસ્ટ પછી ટીમમાંથી બહાર થઇ જશે. બીસીસીઆઈએ ભારતીય કેપ્ટનને પેટરનલ લીવ આપી છે. તે એડિલેડમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ રમી પરત ફરશે. રોહિત શર્મા પર BCCI મેડિકલ ટીમ નજર રાખી રહી છે. સેલેક્ટરોએ રોહિત શર્મા સાથે લાંબી વાતચીત કરી અને તેમની સંતુષ્ટિ પછી તેને વનડે અને ટી-20 ટીમમાંથી આરામ આપવાનો નિર્ણય કરાયો છે. રોહિત શર્મા વનડે અને ટી-20 સીરીઝ દરમિયાન ઓસ્ટ્રેલિયામાં રહી પોતાની ફિટનેસ પર વર્ક કરશે. તેની સાથે-સાથે ભારતીય ફાસ્ટ બોલર ઇશાંત શર્મા બેંગ્લુરુમાં રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીમાં પોતાની ફિટનેસને લઇને વર્ક કરી રહ્યો છે. સંપૂર્ણ રીતે ફિટ થયા પછી તેને ટેસ્ટ ટીમમાં સામેલ કરાશે.

(7:38 pm IST)