Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

કોહલી પાકિસ્તાન સામેની મેચમાં ૧૦૦મી ટી૨૦ રમશે

એશિયા કપમાં ૨૮ ઓગસ્ટે ભારત-પાક. મુકાબલો : ૧૦૦ ટી૨૦ મેચ રમનારો કોહલી બીજો ખેલાડી બનશે

મુંબઈ, તા.૯ : એશિયા કપ ૨૦૨૨ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ૨૮ ઓગસ્ટે પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયા પહેલી મેચ રમશે. ટીમમાં પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનું આ મહત્વની ટ્રોફી માટેની ટુર્નામેન્ટમાં કમબેક થયું છે. પાછલા કેટલાક સમયથી સતત પોતાના નબળા ફોર્મના કારણે ચર્ચા રહેલા કોહલીને વેસ્ટઈન્ડિઝ સામેની સિરીઝમાં આરામ આપવામાં આવ્યો હતો. આ પહેલા ઈંગ્લેન્ડ સામે તેનું બેટ એકદમ શાંત રહ્યું હતું. જોકે, આ બધાની વચ્ચે પાકિસ્તાન સામેની મેચ રમવા માટે ઉતરનારો કોહલી બેટિંગ કર્યા વગર જ એક રેકોર્ડ બનાવી લેશે. વિરાટ કોહલી અત્યાર સુધી ભારત માટે ૯૯ ટી૨૦ ઈન્ટરનેશનલ મેચ રમી ચુક્યો છે. પાકિસ્તાન સામે થનારી મેચ કોહલીની ૧૦૦મી મેચ હશે. હવે ૧૦૦ ટી૨૦ મેચ રમનારો કોહલી બીજો ખેલાડી બની જશે. રોહિત શર્મા દુનિયામાં સૌથી વધારે ૧૩૨ ટી૨૦ મેચ રમનારો ખેલાડી છે. જ્યારે મહિલા ખેલાડીઓમાં ભારતની હરમનપ્રીત કૌર સૌથી વધારે ૧૨૯ મેચ રમી છે. હવે વિરાટ કોહલી પણ આ લિસ્ટમાં આવી જશે.

વિરાટ કોહલી ક્રિકેટના ત્રણે ફોર્મેટમાં ૧૦૦ કે તેનાથી વધારે મેચ રમનારો ભારતનો પહેલો ખેલાડી હશે. વિરાટે હજુ સુધી ભારત માટે ૧૦૨ ટેસ્ટ અને ૨૬૨ વનડે મેચ રમી છે. તેણે ૨૦૦૮માં વનડે ઈન્ટરનેશનલમાં ડેબ્યુ કર્યું હતું. ૨૦૧૦માં વિરાટે ટી૨૦ અને ૨૦૧૧માં ટેસ્ટ માટે ડેબ્યુ કર્યું હતું. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વિરાટ સિવાય માત્ર ન્યૂઝીલેન્ડનો રોસ ટેલર જ ત્રણે ફોર્મેટમાં ૧૦૦થી વધારે મેચ રમ્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમને વધારે મજબૂત બનાવવા માટે વિરાટ કોહલીનું ફોર્મમાં આવવું ઘણું જ જરુરી છે. એશિયા કપમાં ભારતની સામે પાકિસ્તાનના મુશ્કેલ પડકારો હશે. ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં ટી૨૦ વર્લ્ડકપ રમાવાનો છે. એવામાં વિરાટ જલદી ફોર્મમાં આવે તે જરુરી છે. નવેમ્બર ૨૦૧૯ પછી વિરાટ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સદી લગાવી નથી. ટી૨૦ ઈન્ટરનેશનલમાં પણ કોહલીની સદી વાગી નથી.

(7:32 pm IST)