Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

આપણા રાષ્ટ્રગાનના સમયે કરોડો દેશવાસીઓ ભાવુક બની ગયા હતા

બ્રોન્ઝ મેડલ જીતનારા પહેલવાન બજરંગ પુનિયાએ સમાપન સમારોહમાં તિરંગો ઉઠાવ્યો હતોઃ ભારતે ૧ ગોલ્ડ, ૨ સિલ્વર અને ૪ બ્રોન્ઝ મેડલ જીતી ઈતિહાસ રચ્યો,પોઈન્ટ ટેબલની યાદીમાં ૪૮માં ક્રમે રહ્યું

નવીદિલ્હીઃ કોવિડ-૧૯ મહામારી વચ્ચે  ટોક્યો ઓલિમ્પિકસની પૂર્ણાહુતી થઇ છે. ગઈકાલે રવિવારે સમાપન સમારોહ યોજાયો હતો. 

ભાલાફેંક એથ્લેટ નીરજ ચોપડાએ ઇતિહાસ રચતા દેશને ઓલિમ્પિકમાં એથ્લેટિકસમાં પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો છે. હરિયાણાના રહેવાસી નીરજની જીત પછી જ્યારે ભારતનું રાષ્ટ્રગાન વાગ્યું તો કરોડો દેશવાસીઓ ભાવુક થઇ ગયા હતા.

બ્રોન્ઝ મેડલ જીતનાર રેસલર બજરંગ પૂનિયાએ સમાપન સમારોહમાં તિરંગો ઉઠાવ્યો હતો. તેની સાથે કેટલાક બીજા ભારતીય ખેલાડીઓ પણ હાજર હતા. જે સેલ્ફી લેતા જોવા મળ્યા હતા.

અંતિમ અધ્યાયની શરૂઆત સ્ટેડિયમમાં આતશબાજી સાથે થઇ હતી. જેમાં આયોજકોએ ઘણા વ્યકિતઓનો આભાર વ્યકત કર્યો હતો. જેમણે ઓલિમ્પિક ગેમ્સને સમાપન સમારોહ સુધી પહોંચાડવામાં મદદ કરી છે. આ પછી જાપાનના ક્રાઉન પ્રિન્સ અકિશિનો અને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ થોમસ બાક આધિકારિક સ્ટેન્ડમાં ઉપસ્થિત હતા.

સમાપન સમારોહના શરૂઆતના વીડિયોમાં ફોકસ રેકોર્ડ અને સ્કોર પર નહીં પણ તે બધા ખેલાડીઓના સાહસિક પ્રયત્ન પર હતો. જેમણે રોજ કોવિડ-૧૯ની તપાસ કરાવતા સખત બાયો-બબલમાં ભાગ લીધો હતો. સમારોહનો મુખ્ય સંદેશ હતો કે ગેમ્સ એક ઉજ્જવળ  ભવિષ્યના દરવાજા ખોલશે.

ભારત સાત મેડલ સાથે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને નિશ્ચિત ઉજ્જવળ ભવિષ્ય તરફ જોઈ શકે છે. જેમાં ભાલા ફેંક એથ્લેટ નીરજ ચોપડાએ ૧૩ વર્ષ પછી પ્રથમ ગોલ્ડ અપાવ્યો જે ટ્રેક અને ફિલ્ડ સ્પર્ધામાં દેશનો પ્રથમ મેડલ પણ છે. ટોક્યોમાં ભારતે આ ગોલ્ડ સિવાય ૨ સિલ્વર અને ૪ બ્રોન્ઝ મેડલ પણ જીત્યા છે.

(4:29 pm IST)