Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

બ્રિસબેન ઈન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટનો ખિતાબ નિક કિર્ગીઓસેના નામે

નવી દિલ્હી:ઓસ્ટ્રેલિયાના યુવા ટેનિસ ખેલાડી નિક કિર્ગીઓસે બ્રિસબેન ઈન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટમાં મેન્સ સિંગલ્સ ટાઈટલ જીતી લીધું છે. આજે રમાયેલી ફાઈનલમાં કિર્ગીઓસે અમેરિકાના રાયન હેરિસનને સીધા સેટોમાં ૬-૪, ૬-૨થી હરાવીને સિઝનનું પ્રથમ ટાઈટલ પોતાના નામે કર્યું હતુ. નોંધપાત્ર છે કે, કિર્ગીઓસ ચાલુ વર્ષે કોચ વિના જ રમવાનો નિર્ણય જાહેર કરી ચૂક્યો છે. ઘુંટણની ઈજાથી પરેશાન કિર્ગીઓસે ક્વાર્ટર ફાઈનલમાં યુક્રેનના ડોલ્ગોપોલોવ સામે અને સેમિ ફાઈનલમાં બુલ્ગારિયાના ડિમિટ્રોવ સામે અત્યંત કંગાળ શરૃઆત કરતાં પ્રથમ સેટ ગુમાવી દીધો હતો. જોકે ત્યાર બાદ તેણે વળતો હૂમલો કરતાં જીત મેળવતા ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. જોકે ફાઈનલમાં કિર્ગીઓસે શરૃઆતથી જ પ્રભાવક દેખાવ કર્યો હતો અને સીધા સેટોમાં હેરિસનના પડકારનો અંત આણ્યો હતો. આ સાથે કિર્ગીઓસે તારીખ ૧૫મી જાન્યુઆરીથી શરૃ થઈ રહેલી ઓસ્ટ્રેલિયન ઓપનમાં અસાધારણ સફળતા મેળવવાની આશા જન્માવી છે. બ્રિસબેન ઈન્ટરનેશનલ જીત્યા બાદ કિર્ગીઓસે કહ્યું કે, અહી અમે ડેવિસ કપમાં અમેરિકાની ટીમને હરાવી હતી. આજની મેચ દરમિયાન મેં તે મેચની યાદો વાગોળી હતી. બ્રિસબેન ઈન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટે ૧૦ વર્ષ પુરા કર્યા હતા અને આ ૧૦ વર્ષમાં મેન્સ સિંગલ્સ ટાઈટલ જીતનારા બીજા ઓસ્ટ્રેલિયન ખેલાડી તરીકે કિર્ગીઓસે રેકોર્ડ બુકમાં નામ નોંધાવ્યું હતુ. અગાઉ ૨૦૧૪માં લેટન હ્યુઈટ્ટે બ્રિસબેન ઈન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટ જીતી લીધી હતી.
 

(4:42 pm IST)