Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

જૂનમાં વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે પહેલી ડે-નાઈટ ટેસ્ટ મેચ

છેલ્લા ૧૦ વર્ષમાં પહેલી વાર શ્રીલંકા કેરિબિયન ટાપુઓમાં રમવા જશે

શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ૨૩ થી ૨૭ જૂન દરમિયાન યોજાનારી ત્રીજી ટેસ્ટ કેન્સિંગ્ટન ઓવલમાં ડે-નાઈટ રમાશે અને આ વેસ્ટ ઈન્ડિઝમાં રમાનારી પહેલી ડે-નાઈટ ટેસ્ટ મેચ બની રહેશે. ૧૦ વર્ષ બાદ શ્રીલંકા વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જશે. છેલ્લે ૨૦૦૮ના માર્ચમાં તેઓ વેસ્ટ ઈન્ડિઝમાં આવ્યા હતા અને ટેસ્ટ સીરીઝ ૧-૧થી બરાબર રહી હતી. આ સિરીઝમાં શ્રીલંકાએ પહેલી વાર વેસ્ટ ઈન્ડિઝમાં ટેસ્ટ મેચમાં જીત મેળવી હતી.

ત્રણ ટેસ્ટની સિરીઝ ૬ જૂને શરૂ થશે. ૬ થી ૧૦ જૂન વચ્ચે પહેલી ટેસ્ટ મેચ ટ્રિનિડેડના કવીન્સ પાર્ક સ્ટેડિયમમાં યોજાશે. બીજી ટેસ્ટ ૧૪ થી ૧૮ જૂન વચ્ચે સેન્ટ લુસીયામાં ડેરેન સેમી ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાશે. બાર્બેડોઝના કેન્સિંગ્ટન ઓવલમાં ત્રીજી ટેસ્ટ મેચ ડે-નાઈટ રહેશે. અત્યાર સુધીમાં ૮ ટેસ્ટ મેચો ડે-નાઈટ રમાઈ છે. ૨૦૧૫માં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે પહેલી વાર ડે-નાઈટ ટેસ્ટ મેચ રમાઈ હતી. વેસ્ટ ઈન્ડિઝે બે ડે-નાઈટ ટેસ્ટ મેચ રમી છે, પણ હજી સુધી એમાં જીત નથી મેળવી, જયારે શ્રીલંકાએ એક ડે-નાઈટ ટેસ્ટ પાકિસ્તાન સામે રમીને એમાં વિજય મેળવ્યો છે.

(12:40 pm IST)