Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

શ્રીલંકાના ભવિષ્‍યને બચાવવા ઝડપથી પગલા લ્‍યોઃ જયવર્દને- સંગાકારા

અર્થવ્‍યવસ્‍થાને નિયંત્રીત કરતા કેટલાક લોકોએ લોકોનો વિશ્વાસ ગુમાવી દીધો

નવીદિલ્‍હીઃ આર્થિક સંકટના કારણે શ્રીલંકામાં સ્‍થિતિ ખરાબ છે.  મોંઘવારી ચરમસીમાએ પહોંચી ગઈ છે.  જેના કારણે દેશમાં અનેક જગ્‍યાએ રમખાણો થઈ રહ્યા છે.  લોકો સરકાર સામે વધુને વધુ અવાજ ઉઠાવી રહ્યા છે. તેમની સાથે ક્રિકેટરો પણ જોડાયા છે.  શ્રીલંકાના પૂર્વ કેપ્‍ટન અને આઈપીએલ ટીમ મુંબઈ ઈન્‍ડિયન્‍સના કોચ મહેલા જયવર્દનેએ કહ્યું છે કે દેશની અર્થવ્‍યવસ્‍થાને નિયંત્રિત કરતા કેટલાક લોકોએ લોકોનો વિશ્વાસ ગુમાવી દીધો છે.  આવા લોકોએ રાજીનામું આપવું જોઈએ.

 બીજી તરફ શ્રીલંકાના દિગ્‍ગજ ક્રિકેટર કુમાર સંગાકારાએ  સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્‍ટમાં કહ્યું કે લોકોની નિરાશા અને તેમના સંઘર્ષને જોઈને હૃદય તૂટી જાય છે. તેમણે શ્રીલંકાની સરકારને સમગ્ર દેશમાં વિરોધ વચ્‍ચે દેશ અને તેના લોકોના હિતમાં નિર્ણય લેવા જોઈએ અને શ્રીલંકાના ભવિષ્‍યને બચાવવા માટે ઝડપથી પગલાં લેવા જોઈએ.

 જયવર્દનેએ કહ્યું, શ્રીલંકામાં ઈમરજન્‍સી અને કફર્યુ જોઈને હું દુઃખી છું.  વિરોધ કરવાનો અધિકાર ધરાવતા લોકોની જરૂરિયાતોને સરકાર અવગણી શકે નહીં.  આવું કરનારા લોકોની અટકાયત સ્‍વીકાર્ય નથી અને મને શ્રીલંકાના બહાદુર વકીલો પર ખૂબ ગર્વ છે જેઓ તેમના બચાવમાં આગળ આવ્‍યા છે.  સાચા નેતાઓ ભૂલો સ્‍વીકારે છે.

(4:08 pm IST)