Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

પોલાર્ડે ૬ બોલમાં ફટકારી ૬ સિકસર

યુવરાજનાં રેકોર્ડની કરી બરાબરી

એન્ટીગા,તા. ૪: એન્ટિગામાં શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટી-૨૦ મેચમાં વિન્ડિઝનાં કેપ્ટન કીરોન પોલાર્ડે એક ઓવરમાં ૬ સિકસર ફટકારીને ક્રિકેટ ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે. સાથ તે ટી-૨૦ મેચમાં ૬ સિકસર ફટકારનાર પ્રથમ કેરેબિયન ખેલાડી પણ બન્યો છે.

 

પોલાર્ડે શ્રીલંકાનાં સ્પિન બોલર  ધનંજયની એક ઓવરમાં સતત છ સિકસર ફટકારી છે. પરિણામે, તે આંતરરાષ્ટ્રીય ટી-૨૦ ક્રિકેટમાં એક ઓવરમાં ૬ સિકસર ફટકારનાર પ્રથમ કેરેબિયન ખેલાડી અને યુવરાજ સિંહ પછી ટી-૨૦ ક્રિકેટમાં આવું કરનાર બીજો ખેલાડી બની ગયો છે. આપને જણાવી દઇએ કે, યુવરાજ સિંહે ૨૦૦૭ માં ટી-૨૦ ક્રિકેટમાં આ પરાક્રમ કર્યો હતો. જો કે, તે પછી દક્ષિણ આફ્રિકાનાં હર્ષેલ ગિબ્સે પણ વર્ષ ૨૦૦૭ માં વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૬ સિકસર ફટકારી હતી. જે પછી પોલાર્ડનું નામ હવે આ સૂચિમાં ઉમેરવામાં આવ્યું છે.

વળી, જો આ મેચની વાત કરવામાં આવે તો, ત્રણ મેચની ટી-૨૦ સીરીઝની પહેલી મેચમાં શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા વિન્ડિઝને ૧૩૨ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં વિન્ડિઝે પોલાર્ડનાં ૬ સિકસરની મદદથી ૪ વિકેટે સરળતાથી મેચ જીતી લીધી છે.

(9:59 am IST)