Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd January 2018

એસીઝ શ્રેણી : વનડે ટીમથી સ્ટાર ગ્લેન મેક્સવેલ આઉટ

વનડે ટીમમાં ક્રિસ લિન અને પેનેનો સમાવેશ : ૧૪ જાન્યુઆરીથી ઓસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડ વચ્ચે વનડે શ્રેણી

મેલબોર્ન,તા. ૩ : ઇંગ્લેન્ડની સામે પાંચ વનડે મેચોની શ્રેણી માટે આજે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા વનડે ટીમની જાહેરાત કરી દેવામાં આવી હતી. આ ટીમમાં ગ્લેન મેક્સવેલને સામેલ કરવામાં આવ્યો નથી. ક્રિસ લીન અને ટીમ પેનેનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના કેપ્ટન સ્ટિવ સ્મિથે મેક્સવેલને તેના દેખાવમાં સુધારો કરવા માટે કહ્યું છે. વર્ષ ૨૦૧૯માં યોજાનાર વર્લ્ડકપમાં રાષ્ટ્રીય ટીમના તેને સામેલ કરી શકાય તે માટે ફોર્મ મેળવી લેવા કહેવામાં આવ્યું છે. મેક્સવેલની જગ્યાએ વનડે ટીમમાં ટ્વેન્ટી ક્રિકેટ ટીમના ખેલાડી ક્રિસ લિનનો સમાવેશ કરાયો છે. જો કે, તમામ લોકો વાકેફ છે કે, મેક્સવેલ ફિટનેસને લઇને પણ પરેશાન થયેલો છે. મેક્સવેલને હજુ વધારે સુધારો કરવાની જરૂર છે. મેક્સવેલ ખુબ સારો પ્લેયર હોવાની કબૂલાત સ્મિથે પણ કરી છે.

ટીમ પેને એસીઝ શ્રેણીમાં સારો દેખાવ કરવાના કારણે સામેલ થયો છે. વનડે ટીમમાં તેનો સમાવેશ મેથ્યુ વેડની જગ્યાએ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે વનડે શ્રેણીની શરૂઆત ૧૪મી જાન્યુઆરીથી થનાર છે. ઓસ્ટ્રેલિયન ટીમ સ્ટિવ સ્મિથના નેતૃત્વમાં મેદાનમાં ઉતરનાર છે. આ ટીમમાં મિચેલ માર્શનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કેટલાક યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. વર્લ્ડકપ ૨૦૧૯ને ધ્યાનમાં લઇને ટીમની પસંદગી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્ટિવ સ્મિથના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયન ટીમ હાલમાં ખુબ સારો દેખાવ કરી રહી છે. એસીઝ શ્રેણીમાં ૩-૦ની લીડ ધરાવે છે. એક ટેસ્ટ હજુ બાકી છે. ઓસ્ટ્રેલિયન વનડે ટીમ નીચે મુજ છે.

સ્ટિવ સ્મિથ (કેપ્ટન), ડેવિડ વોર્નર, પેટ કમિન્સ, ફિન્ચ, હેઝલવુડ, ટ્રેવિસ હેડ, ક્રિસ લિન, મિચેલ માર્શ, ટીમ પૈને, રિચર્ડસન, મિચેલ સ્ટાર્ક, સ્ટોઇનીસ ટાઈ, એડમ ઝંપા

(7:34 pm IST)