Gujarati News

Gujarati News

News of Sunday, 2nd October 2022

ટીમ ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે બીજી ટી-20 મેચ

ભારતે હવે સીરિઝ જીતવા માટે માત્ર એક વધુ મેચ જીતવી પડશેઃ જો ટીમ ઈન્ડિયા બીજી મેચ જીતશે તો ભારતીય ટીમ સીરિઝ પર કબજો કરી લેશેઃ બીજી મેચમાં વરસાદની શક્યતા વર્તાઇ રહી છે

મુંબઇઃ  ટીમ ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે બીજી ટી-20 મેચ રમાશે. ત્રણ મેચની T20 શ્રેણીમાં પ્રથમ મેચ જીતીને ટીમ ઈન્ડિયાએ સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ભારતે હવે સીરિઝ જીતવા માટે માત્ર એક વધુ મેચ જીતવી પડશે. જો ટીમ ઈન્ડિયા બીજી મેચ જીતશે તો ભારતીય ટીમ સીરિઝ પર કબજો કરી લેશે. જો કે દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચેની બીજી મેચમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મેચ દરમિયાન ગુવાહાટીમાં વરસાદની સંભાવના વધારે છે. રિપોર્ટ અનુસાર, દિવસ દરમિયાન ગુવાહાટીમાં 6 ટકા વરસાદની સંભાવના છે. સાંજે આ સંભાવના વધીને 40 ટકા થઈ જશે. દિવસભર આકાશ વાદળોથી ઘેરાયેલું રહેશે અને તાપમાન 35 ડિગ્રીની આસપાસ રહેશે. દિવસનું લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી રહેશે. આ ઉપરાંત 24 કિમીની ઝડપે પવન ફૂંકાશે.

ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયા ટી20 વર્લ્ડ કપ પહેલા દક્ષિણ આફ્રિકા સામે તેની છેલ્લી ટી20 સીરીઝ રમી રહી છે. આ સિરીઝમાં રમી રહેલા ખેલાડીઓનું પ્રદર્શન ઘણું મહત્વનું રહેશે. જસપ્રીત બુમરાહ ઈજાના કારણે આ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને મોહમ્મદ સિરાજને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જસપ્રીત બુમરાહ પહેલા મોહમ્મદ શમી કોવિડને કારણે ઓસ્ટ્રેલિયા શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો.

 

(12:02 pm IST)