Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

છેલ્લી ઓવરમાં મુકેશ ચૌધરીએ વાઈડ નાખતા ધોની ગુસ્સે થયો

ધોનીએ ચેન્નાઈનું નેતૃત્વ સંભાળતાં જ ટીમનો વિજય : નિકોલસ પૂરને પ્રથમ બે બોલમાં છ અને ચાર રન લીધા, જ્યારે ચોથો બોલ ચૌધરીએ વાઈડ નાખતા ધોની ખિજાયો

મુંબઈ, તા.૨ : રવિવારના રોજ આયોજિત મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીના સુકાનીપદ હેઠળ ચેન્નાઈ સુપરકિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે જીત મેળવી હતી. પરંતુ આ મેચ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોની મુકેશ ચૌધરી પર ગુસ્સે થતા પણ જોવા મળ્યો હતો. જ્યારે મુકેશ ચૌધરીએ વાઈડ બોલ આપ્યો ત્યારે ધોની રોષે ભરાયો હતો. હૈદરાબાદને અંતિમ ઓવરમાં જીતવા માટે ૩૮ રનની જરૂર હતી અને કેરેબિયન બેટ્સમેન નિકોલસ પૂરને પ્રથમ બે બોલને છ અને ચાર રન માટે બાઉન્ડ્રીની બહાર મોકી લીધા. જ્યારે ચોથો બોલ વાઈડ હતો.

આ ટૂર્નામેન્ટમાં પ્રથમ વાર સુકાનીપદ સંભાળનાર માહી મુકેશ ચૌધરી પર રોષે ભરાયો હતો. ધોની મુકેશ ચૌધરી પાસે ગયો અને લાંબા સમય સુધી તેને કંઈક સમજાવ્યુ હતું. ધોની જાણતો હતો કે જો વાઈડ અને નો બોલ હશે તો બની શકે છે કે પૂરન મેચ જીતાડી દે. અને એવા આસાર જણાઈ પણ રહ્યા હતા. પૂરને લીગલ ચોથા અને પાંચમા બોલને છ રન માટે બોર્ડરની બહાર મોકલી હતી.

આ ઓવરમાં પૂરને કુલ ૨૪ રન કર્યા, આટલી તાબડતોબ બેટિંગ કરી હોવા છતાં તે ટીમને જીતાડી નહોતા શક્યા. જો અહીં ૩-૪ બોલ વધારાના મળી જતા તો મેચનું પરિણામ બદલાઈ શકતુ હતું. ધોની અને મુકેશ ચૌધરીની વાતચીતની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. એવુ માનવામાં આવે છે કે મહેન્દ્ર સિંહ ધોનીએ સુકાનીપદ સંભાળી લેતા જાણે ચેન્નાઈ સુપર કિંગ્સમાં જીવ રેડાઈ ગયો છે. પહેલા ટીમના ઓપનર્સે સીઝનની સૌથી મોટી પાર્ટનરશિપ કરીને સુનિશ્ચિત કર્યું કે સનરાઈઝર્સ હૈદરાબાદને ૨૦૦થી વધારે ટાર્ગેટ મળે. ત્યારપછી બોલર્સે પણ લાઈન-લેંથ પકડીને ટીમને જીત અપાવી. નવ મેચોમાં આ ટીમની ત્રીજી જીત છે.

૨૦૩ રનોના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમને ઓપનર અભિષેક શર્મા અને કેન વિલિયમસને સારી શરૂઆત અપાવી હતી. શર્માએ ૨૪ બોલમાં ૩૯ રન અને વિલિયમસને ૩૭ બોલમાં ૪૭ રન બનાવ્યા હતા. જો કે, ત્યારબાદ રાહુલ ત્રિપાઠી ૦ રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. જ્યારે માર્કરમ ૧૭ રન બનાવીને આઉટ થયો હતો. જો કે, ત્યારબાદ શશાંક સિંહ ૧૫ રન પર તો વોશિંગટન સુંદર ૨ રન બનાવીને આઉટ થયો હતો. નિકોલસ પૂરને પણ ૩૩ બોલમાં ૩ ચોગ્ગા અને ૬ સિક્સની મદદથી ૬૪ રન બનાવી અણનમ રહ્યો હતો.

(8:18 pm IST)