Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

મહિલા વન-ડે રેન્કિંગમાં ભારતની બે ક્રિકેટર્સને સ્થાન

આઈસીસીના વિમેન્સ વન-ડે રેક્નિંગ જાહેર થયો : ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્મૃતિ મંધાના આઈસીસી વન-ડે રેક્નિંગમાં બે ક્રમ નીચે ધકેલાતા છઠ્ઠા ક્રમે સરકી

દુબઈ, તા. ૨ : ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓપનર સ્મૃતિ મંધાના આઈસીસી વીમેન્સ વન-ડે રેક્નિંગમાં બે ક્રમ નીચે ધકેલાતા છઠ્ઠા ક્રમે સરકી છે. બીજીતરફ ભારતીય ટીમની ઝડપી અને અનુભવી બોલર જુલન ગોસ્વામીએ પાંચમો ક્રમ યથાવત્ રાખ્યો છે.

ઈન્ડિયા વીમેન્સ ટીમની પીઢ ખેલાડી મિથાલી રાજ ૬૮૭ પોઈન્ટ સાથે ૯માં ક્રમે યથાવત્ રહી છે. સ્મૃતિ મંધાનાના ૭૩૨ પોઈન્ટ છે. આઈસીસી દ્વારા જાહેર કરવામાં આવેલા વીમેન્સ વન-ડે રેક્નિંગમાં ટોપ ૧૦માં ભારતની બે બેટ્સવુમનને સ્થાન મળ્યું છે.

ઈંગ્લેન્ડની ઓપનર ટી બ્યુમોન્ટ પાંચ ક્રમ આગળ વધીને ટોચના ક્રમે રહી છે. તેણે ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચની શ્રેણીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું જેને પગલે ટીમનો ૨-૧થી વિજય થયો હતો. બ્યુમોન્ટે વેસ્ટ ઈન્ડિઝની સ્ટેફની ટેલર તેમજ ન્યુઝીલેન્ડની એમી સેટ્ટરથ્વેઈટને પછાડીને મોખરાનો ક્રમ મેળવ્યો છે. ઓસ્ટ્રેલિયાની કેપ્ટન મેગ લેનિંગ કરતા પણ તે ૧૬ પોઈન્ટની લીડ ધરાવે છે.

વન-ડે ટોપ ૧૦ બોલર્સની યાદીમાં ભારતની ઝડપી બોલર જુલન ગોસ્વામી ૬૯૧ પોઈન્ટ, પૂનમ યાદવ ૬૭૯ પોઈન્ટ, શિખા પાંડે ૬૭૫ પોઈન્ટ અને દીપ્તિ શર્મા ૬૩૯ પોઈન્ટનો સમાવેશ થાય છે. પ્રથમ ક્રમે ૮૦૪ પોઈન્ટ સાથે ઓસ્ટ્રેલિયન બોલર જેસ જોનાસન છે.

ઓલરાઉન્ડર્સની યાદીમાં ભારતની દીપ્તિ શર્માએ ૩૫૯ પોઈન્ટ સાથે ચોથું સ્થાન જાળવી રાખ્યું છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયન મહિલા ખેલાડી એલીસી પેરી ૪૬૦ પોઈન્ટ સાથે ટોચના ક્રમે છે.

(8:03 pm IST)