Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

ટીમ ઈન્‍ડિયાનો ઐતિહાસીક વિજયઃ ગિલે કોહલીનો રેકોર્ડ તોડયો

હાર્દિકની યુવા ટીમે વધુ એક ટી-૨૦ સિરીઝ કબ્‍જે કરીઃઆપણા બેટરોએ બોલરોને ખૂબ ધોયા બાદ કિવિ ટીમનું માત્ર ૬૬ રનમાં ફીંડલું, ચોથી વખત સિરીઝ હરાવી

અમદાવાદઃ ભારત અને ન્‍યૂઝીલેન્‍ડ વચ્‍ચે ત્રીજી અને અંતિમ   ટી-૨૦ અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્‍દ્ર મોદી સ્‍ટેડિયમમાં ફાઇનલ  ટી-૨૦ મેચમાં ભારતનો શાનદાર વિજય થયો હતો. ભારતે ન્‍યુઝીલેન્‍ડને ૧૬૮ રને કારમો પરાજય આપ્‍યો હતો. ભારતે પહેલા તો બેટિંગમાં જ એક જંગી સ્‍કોર ખડકી દીધો હતો. જેમાં શુભમન ગિલની સદીનો સમાવેશ પણ થાય છે.  કેપ્‍ટન હાર્દિક પંડ્‍યાએ ટોસ જીતી લીધો હતો અને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં ઇન ફોર્મ બેટ્‍સમેન શુભમન ગિલે વધુ એક સદી ફટકારી દીધી છે. ભારતની ટીમને સારી શરૂઆત અપાવનાર શુભમન ગિલે એક છેડો સંભાળીને ટીમના સ્‍કોરને પણ ૨૦૦ ને પાર પહોંચાડી દીધો હતો.

અમદાવાદના મોદી સ્‍ટેડિયમમાં રમાયેલી સિરિઝની અંતિમ ટી૨૦માં પહેલા બેટિંગ કરીને ભારતે મહેમાન ટીમને ૨૩૫ રનનો ટાર્ગેટ આપ્‍યો હતો. ટીમ ઈન્‍ડીયાના યુવા ક્રિકેટર શુભમન ગીલે શાનદાર સદી ફટકારીને ટીમ ઈન્‍ડીયાનો સ્‍કોર પહાડી કરવામાં મોટો ફાળો આપ્‍યો હતો. સિરિઝ જીતવા પૂરો દાવો લગાવી દેનાર  શુભમન ગીલે અંતિમ ટી૨૦માં તેની ટી-૨૦ કરિયરની પહેલી સદી ફટકારી હતી. ગીલ ૬૩ બોલમાં ૧૨૬ રન કરીને નોટઆઉટ રહ્યો હતો. તેણે વિરાટની ૧૨૨ રનની સદીનો રેકોર્ડ તોડયો હતો.

 હાર્દિક પંડ્‍યાએ ન્‍યૂઝીલેન્‍ડના ચાર મોટા ખેલાડીઓને આઉટ કરાવીને તેમની જીત અશકય કરી મૂકી હતી. ભારતીય બોલર્સની ધુઆધાર બોલિંગને કારણે ન્‍યૂઝીલેન્‍ડની ટીમ પત્તાના મહેલની માફક ખરી પડી હતી. ભારતીય બોલર્સે એટલી ટાઈટ બોલિંગ નાખી કે ન્‍યૂઝીલેન્‍ડની ટીમ ૧૨.૧ ઓવરમાં ૬૬ રનમાં પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. આ રીતે ભારતને ૧૬૮ જેટલા મોટા સ્‍કોરથી જીત મળી. જ્‍યારે અર્શદીપ સિંઘ, ઉમરાન મલિક અને શિવમ માવીને ૨-૨ સફળતા મળી હતી.

(1:08 pm IST)