Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

સ્પિનરો આફ્રિકન બેટ્સમેનો ઉપર હાવીઃ ભારતનો વિજય

સાઉથ આફ્રિકા ૨૬૯/૮ : ટીમ ઇન્ડિયા ૨૭૦/૪: વિરાટની સદીઃ કુલદિપને ૩ અને ચહલને ૨ વિકેટઃ બંને ટીમના કેપ્ટનોની સેન્યુરીઃ સીરીઝમાં ભારત ૧-૦થી આગળ

ડરબન, તા.૨, ડરબન ખાતે રમાયેલી ભારત-સાઉથ આફ્રિકા વન-ડે સીરીઝની પ્રથમ મેચમાં ભારતે કેપ્ટન વિરાટ કોહલીની સદીની મદદથી ૬ વિકેટે શાનદાર વિજય મેળવી લીધો છે. સાઉથ આફ્રિકા તરફથી મળેલા ૨૭૦ રનના સ્કોરને ભારતે ૨૭ બોલ બાકી રહેતા જ ૪ વિકેટ ગુમાવીને પાર કરી લીધો હતો.  ભારત તરફથી વિરાટ કોહલીએ ૧૧૨ રનની શાનદાર મેચ વિનિંગ ઈનિંગ રમી.  આ ઉપરાંત અજિંકય રહાણેએ પણ ઉપયોગી ૭૯ રનની ઈનિંગ રમી હતી.  આમ ભારતે ૫ મેચોની સીરીઝમાં ૧-૦ની સરસાઈ મેળવી લીધી છે. સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરતા  કેપ્ટન ફાફ ડુ પ્લેસિસના ૧૨૦ રનની મદદથી ૫૦ ઓવર્સમાં આઠ વિકેટે ૨૬૯ રન બનાવ્યા હતા. ભારતીય બોલર્સે શાનદાર પ્રદર્શન કરતા ડુ પ્લેસિસ સિવાયના અન્ય કોઈ બેટ્સમેનને વધારે સમય ક્રીઝ પર ટકવા દીધો નહોતો. ભારત તરફથી કુલદીપ યાદવે ૩ જયારે યઝુવેન્દ્ર ચહલે બે વિકેટ ઝડપી હતી.

૨૭૦ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે મક્કમ શરૂઆત કરી હતી. ઓપનર શિખર ધવન અને રોહિત શર્મા સારા ટચમાં દેખાઈ રહ્યા હતા. જોકે, રોહિત સેટ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું હતું  મોર્કેલના એક બહાર જતા બોલને કિનારો આપી બેઠો હતો. રોહિત ૨૦ રન બનાવી આઉટ થયો હતો. ત્રીજા ક્રમે બેટિંગમાં આવેલા કેપ્ટન વિરાટ કોહલીએ ઉછાળ લેતી પીચ પર ધીમી પણ મક્કમ શરૂઆત કરી હતી. બીજી તરફ શિખર ધવન પોતાના આગવા અંદાજમાં બેટિંગ કરી રહ્યો હતો. બંને વચ્ચે બીજી વિકેટ સારી ભાગીદારી થતી દેખાઈ રહી હતી પરંતુ એક ગેરસમજણને કારણે શિખર રનઆઉટ થઈ ગયો હતો. આ સમયે ભારત ભીંસમાં આવતું દેખાયું હતું.

ચોથા ક્રમે આવેલા અજિંકય રહાણે કોહલી સાથે મળીને ભારતીય ઈનિંગને મક્કમતાથી આગળ વધારી હતી. બીજી તરફ લય મેળવી રહેલો વિરાટ જોતજોતા સાઉથ આફ્રિકન બોલર્સ પર હાવી થઈ ગયો હતો. બંનેએ પોતપોતાની ફીફ્ટી પૂરી કરી હતી. અને એક મજબૂત ભાગીદારી નોંધાવી હતી.

વિરાટ કોહલીએ પોતાની વિશ્વસ નીયતાને ફરી એકવાર સાબિત કરતા વન-ડે કરિયરની ૩૩મી સદી નોંધાવી હતી. તેણે ૧૧૯ બોલમાં ૧૧૨ રનની શાનદાર ઈનિંગ રમી હતી. તેણે રહાણે સાથે મળીને ત્રીજી વિકેટ માટે ૧૮૯ રનની તોતિંગ ભાગીદારી નોંધાવી હતી જેના પરિણામે ભારત આસાનીથી વિજય સુધી ગયું હતું.

સાઉથ આફ્રિકાના તમામ બોલર્સ રહાણે અને કોહલી સામે ફીક્કા લાગ્યા અને કોઈ બોલર ખાસ પ્રદર્શન કરી શકયો નહોતો. ફેહલુકવાયોએ છેલ્લે-છેલ્લે બે વિકેટ ઝડપી હતી પરંતુ ત્યાં સુધી મેચ ભારતના પક્ષમાં આવી ગઈ હતી.

(11:50 am IST)