Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

એક દિવસમાં ચાર ટીમ પહોંચી પ્રી-કવોર્ટર ફાઇનલમાં

ફિફા વર્લ્‍ડકપમાં સેનેગલ, નેધરલેન્‍ડસ, અમેરિકા અને ઇંગ્‍લેન્‍ડ છેલ્‍લી ગ્રુપ મેચ જીતીને નોકઆઉટમાં પહોંચી ગયાઃ ગ્રુપ એમાં કતાર, ઇકવાડોર અને ગ્રુપબીમાં ઇરાન, વેલ્‍સ ટુર્નામેન્‍ટની બહાર થઇ ગયા

કતારના ફિફા વર્લ્‍ડકપમાં મંગળવાર પહેલા ઉપરાઉપરી ત્રણ દિવસમાં ત્રણ દેશ(ફ્રાન્‍સ, બ્રાઝિલ, પોર્ટુગલ)ની ટીમ ૧૬ ટીમના પ્રી-કવાર્ટર ફાઇનલ રાઉન્‍ડમાં પહોંચી ગઇ હતી, પરંતુ મંગળવારે એક દિવસમાં ગ્રુપ-સ્‍ટેજમાંૅ એકસાથે ચાર ટીમે પ્રી-કવોર્ટરમાં એન્‍ટ્રી કરી લીધી હતી. ગ્રુપ એમાં સેનેગલે ઇકવાડોરને ૨-૧થી અને નેધરલેન્‍ડને યજમાન કતારને ૨-૦થી હરાવીને પ્રી-કવાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. ગ્રુપ બીમાં ઇંગ્‍લેન્‍ડે વેલ્‍સને ૩-૦થી અને અમેરિકાએ ઇરાનને ૧-૦થી પરાજિત કરીને લાસ્‍ટ ૧૬ના ગ્રુપમાં એન્‍ટ્રી મેળવી લીધી હતી.

આઠમાંના દરેક ગ્રુપમાંથી બે ટીમ પ્રી-કવોર્ટરમાં જાય છે અને બાકીની બે ટીમ સ્‍પર્ધાની બહાર થઇ જાય ેછે એ મુજબ ગ્રુપ એમાંથી કતાર અને ઇકવાડોરે અને ગ્રુપ બીમાંથી ઇરાન અને વેલ્‍સે આ વખતના વર્લ્‍ડકપમાંથી વહેલી વિદાય લઇ લીધી છે.

આફ્રિકન ચેમ્‍પિયનની રોચક જીત

સેનેગલ આફ્રિકન ચેમ્‍પિયન છે અને એણે મંગળવારે ઇક્‍વાડોરને ૨-૧થી હરાવીને પોતાના વર્લ્‍ડ કપના ઇતિહાસમાં બીજી જ વખત નોકઆઉટમાં પ્રવેશ કર્યો હતો. આ મેચમાં ત્રણ ગોલ કરનાર ત્રણેય ખેલાડી ઇંગ્‍લેન્‍ડમાંથી આવ્‍યા છે ૪૪મી મિનિટે ઇસ્‍માઇલા સારે ગોલ કરીને સેનેગલને ૧-૦થી સરસાઇ અપાવી હતી. ૬૭મી મિનિટે ઇક્‍વાડોરે મોઇઝેઝ કેઇસેડોના ગોલથી સ્‍કોર ૧-૧થી લેવલ કર્યો હતો. જોકે ત્‍યારબાદ ત્રીજી જ મિનિટમાં સેનેગલના કેપ્‍ટન કેલિડોઉ કોઉલીબાલીએ આ મસ્‍ટ-વિન મેચમાં ગોલ કરીને સેનેગલને ૨-૧થી સરસાઇ અપાવી હતી. અને પછી ઇક્‍વોડોરને મેચ ડ્રો કરાવવાનો કોઇ મોકો નહોતો મળ્‍યો.

કતારનો પર્ફોર્મન્‍સ સૌથી ખરાબ

કતાર યજમાન દેશ હોવાથી આ વખતે પહેલી વાર વર્લ્‍ડ કપમાં રમવા મળ્‍યું હતું અને એમાં ઇક્‍વાડોર સામે ૦-૨થી, સેનેગલ સામે ૧-૩થી અને મંગળવારે નેધરલેન્‍ડ્‍સ સામે ૦-૨થી  હારવાની સાથે કતારની ટીમે વિશ્વકપમાંથી વિદાય લીધી હતી. વર્લ્‍ડ કપના ઇતિહાસમાં યજમાન ટીમ ગ્રુપ-સ્‍ટેજની ત્રણેય મેચ હારીને સ્‍પર્ધાની બહાર થઇ હોય એવો કતારનો સૌથી ખરાબ પર્ફોમેન્‍સ રેકાર્ડ-બુકમાં કાળા અક્ષરે લખાશે.

અમેરિકાને જિતાડનાર હોસ્‍પિટલમાં

ગ્રુપ ‘બી'માં અમેરિકાએ ઇરાનને અંતિમ ગ્રુપ-સ્‍ટેજ મેચમાં ૧-૦થી હરાવીને પ્રી-ક્‍વોર્ટરમાં પ્રવેશ કર્યો હતો. રાજકીય ક્ષેત્રે અમેરિકા અને ઇરાન એકમેકના દુશ્‍મન છે અને મંગળવારની જીતથી અમેરિકી ખેલાડીઓનો નૈતિક જુસ્‍સો ઘણો વધી ગયો હશે. ૩૮મી મિનિટે અમેરિકાના ક્રિસ્‍ટિયન પુલિસિકે બોલને કિક મારી, બોલ સીધો ગોલપોસ્‍ટમાં ગયો અને પુલિસિક ઇરાનના ગોલકીપર સાથે એવો ટકરાયો કે પુલિસિકને ગંભીર ઇજા થઇ અને તેને સીધો હોસ્‍પિટલ લઇ જવાયો. જોકે તેની ટીમ વર્લ્‍ડ કપના નોકઆઉટ રાઉન્‍ડમાં પહોંચી ગઇ. એક ક્‍લાક પછી પુલિસિકે કમ્‍પ્‍યુટર પ્રોગ્રામ ‘ફેસટાઇમ' મારફત સાથી-ખેલાડીઓનો સંપર્ક કર્યો હતો અને જીતનું સેલિબ્રેશન કર્યુ હતું.

ઇંગ્‍લેન્‍ડ જીતીને પ્રી-ક્‍વોર્ટરમાં

ગ્રુપ ‘બી' માં વેલ્‍સે પ્રી-ક્‍વોર્ટરમાં પહોંચવા મંગળવારે પાડોશી દેશ ઇંગ્‍લેન્‍ડને હરાવવાનું હતું અને અમેરિકાને ઇરાન હરાવે એવી કરવાની હતી. જોકે બેમાંથી કંઇ જ નહોતું બન્‍યું. પહેલા તો ઇરાનને અમેરિકાએ ૧-૦થી હરાવી દીધું અને પછી વેલ્‍સે ઇંગ્‍લેન્‍ડ સામે ૦-૩થી પરાજય જોવો પડયો. બ્રિટિશ ટીમને આ શાનદાર વિજય માર્કસ રેશફર્ડે અપાવ્‍યો હતો. તેણે ૫૦મી મિનિટે ફ્રી કિકથી ગોલ કરીને ઇંગ્‍લેન્‍ડને ૧-૦થી લીડ અપાવી અને ૫૧ મી મિનિટે ફિલ ફોડેનના ગોલથી સરસાઇ ૨-૦ની થઇ હતી. ૬૮મી મિનિટે રેશફર્ડે દૂરથી દોડી આવીને બીજો ગોલ કર્યો હતો. હાફ-ટાઇમ વખતે વેલ્‍સના ગારેથ બેલને ઇજાને લીધે મેદાનની બહાર લઇ જવાયો હતો.

(5:42 pm IST)