Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

ભારત સામેની ટી20 અને વન-ડે સીરિઝ માટે ઈંગ્લેન્ડ ટીમની જાહેરાત: જોસ બટલર બંને શ્રેણીમાં ટીમનું સુકાનીપદ સંભાળશે

બેન સ્ટોક્સ અને જોની બેરસ્ટો જેવા દિગ્ગજ ખેલાડીઓ ટી20 શ્રેણીમાં ટીમમાં સામેલ નહીં

ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ ભારત સામેની મર્યાદિત ઓવરોની શ્રેણી માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝ અને ત્યારબાદ ત્રણ મેચોની ODI સિરીઝ રમવાની છે. જોકે હાલ ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે પાંચમી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે થોડા દિવસ પહેલા જ વિસ્ફોટક વિકેટકીપર બેટ્સમેન જોસ બટલરને મર્યાદિત ઓવરોની ટીમના સુકાની તરીકે નિયુક્ત કર્યો છે. જોસ બટલર ભારત સામેની આ બંને શ્રેણીમાં ટીમનું નેતૃત્વ કરશે. જોકે તે અગાઉ કાર્યવાહક સુકાની તરીકે ટીમનું નેતૃત્વ કરી ચૂક્યો છે.

એજબેસ્ટન ટેસ્ટ રમી રહેલા બેન સ્ટોક્સ અને જોની બેરસ્ટો જેવા દિગ્ગજ ખેલાડીઓ ટી20 શ્રેણીમાં ટીમનો ભાગ નથી. તેનું કારણ એ છે કે આ ટેસ્ટ 5 જુલાઈએ પૂરી થવાની છે. તો પ્રથમ T20 7 જુલાઈએ રમાશે. આવી સ્થિતિમાં આરામના કારણે આ ખેલાડીઓને ટી20 ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. પરંતુ તેઓ વનડે શ્રેણીમાં રમતા જોવા મળશે.

 

ટી20 સીરિઝ માટે ઈંગ્લેન્ડની ટીમઃ

જોસ બટલર, મોઈન અલી, હેરી બ્રુક, સેમ કુરાન, રિચાર્ડ ગ્લેસન, ક્રિસ જોર્ડન, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, ટાઇમલ મિલ્સ, મેટ પાર્કિન્સન, જેસન રોય, ફિલ સોલ્ટ, રીસ ટોપલી, ડેવિડ વિલી.

વન-ડે સીરિઝ માટે ઈંગ્લેન્ડની ટીમઃ

જોસ બટલર, જોની બેરસ્ટો, મોઈન અલી, હેરી બ્રુક, બ્રેડન કેર્સ, સેમ કુરાન, લિયામ લિવિંગસ્ટોન, ક્રેગ ઓવરટોન, મેટ પાર્કિન્સન, જેસન રોય, ફિલ સોલ્ટ, જો રૂટ, બેન સ્ટોક્સ, રીસ ટોપલી, ડેવિડ વિલી.

(9:22 pm IST)