Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

મલેશિયા ઓપન 2022 :વર્લ્ડ નંબર 1 ખેલાડી સામે પરાજય થતા પીવી સિંધુ ટુર્નમેન્ટમાંથી બહાર

પીવી સિંધુની યિંગ સામે આ સતત છઠ્ઠી હાર: અંતિમ રાઉન્ડમાં હરીફ ખેલાડીએ બાજી મારતા પીવી સિંધુની હાર થઇ

ભારતની દિગ્ગજ મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ ફરી એકવાર હારનો સામનો કરવો પડ્યો છે. મલેશિયા ઓપન 2022 ટુર્નામેન્ટમાં પીવી સિંધુ તેની કટ્ટર હરીફ ચીની તાઈપેઈની તાઈ ત્ઝુ યિંગ સામે ટકી શકી ન હતી અને તે મલેશિયા ઓપનની મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં 21-13, 15-21, 13- 21થી હાર્યા બાદ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. મહત્વનું છે કે બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ આ ટુર્નામેન્ટમાં પ્રથમ મેચ જીતવા છતાં ચીની તાઇપેઈની તાઈ ત્ઝુ યિંગને હરાવી શકી નથી.

પીવી સિંધુની યિંગ સામે આ સતત છઠ્ઠી હાર છે. પીવી સિંધુ સામેની આ જીત બાદ ચીની તાઇપેઈની તાઈ ત્ઝુ યિંગે ભારતની આ ટોચની ખેલાડી પર પોતાનું વર્ચસ્વ વધુ મજબૂત કર્યું છે. બંનેનો જીત અને હારનો રેકોર્ડ પણ 5-16ના મોટા માર્જિન સાથે યિંગના પક્ષમાં છે.

પીવી સિંધુ અને તાઈ ત્ઝુ યિંગ વચ્ચેની મેચમાં શરૂઆતની ગેમમાં 2-5 થી પાછળ રહ્યા બાદ ભારતની સ્ટાર મહિલા ખેલાડી પીવી સિંધુ (PV Sindhu) એ સતત 11 પોઈન્ટ સાથે શાનદાર વાપસી કરી હતી. જોકે ચાઈનીઝ તાઈપેની ખેલાડીએ લાંબી રેલીઓ રમીને સ્પર્ધામાં પરત ફરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પીવી સિંધુએ તેને ઘણી તકો આપી ન હતી.

વિશ્વની સાતમી ક્રમાંકિત ભારતની પીવી સિંધુએ બીજી ગેમમાં પણ સારી શરૂઆત કરી હતી. પરંતુ બીજી ક્રમાંકિત યિંગે મેચમાં શાનદાર પુનરાગમન કરીને બ્રેક સુધી તેની લીડ 11-3 સુધી વધારી દીધી હતી. ચીની તાઈપેઈ તાઈ ત્ઝુ યિંગે તેની લીડને 14-3 સુધી લંબાવી હતી. પરંતુ પીવી સિંધુએ 17-15ના સ્કોર સાથે પ્રતિસ્પર્ધીની લીડને બે પોઈન્ટ સુધી મર્યાદિત કરવા માટે બાઉન્સ બેક કર્યું હતું.

ચીની તાઈપેઇ ખેલાડી તાઈ ત્ઝુ યિંગે ત્યાર બાદ પીવી સિંધુને કોઈ તક આપી ન હતી અને મેચને નિર્ણાયક રમતમાં લઈ જવા માટે ચાર પોઈન્ટ એકત્રિત કર્યા હતા. ત્રીજી ગેમની શરૂઆતમાં બંને વચ્ચે 12 પોઈન્ટ સુધી રોમાંચક મુકાબલો જોવા મળ્યો હતો. પરંતુ પીવી સિંધુએ તે પછી ગતિ ગુમાવી દીધી હતી અને તાઈ ત્ઝુ યિંગ સેમિ ફાઈનલમાં પહોંચતા ટાઈટલ જીતવા તરફ પોતાની દોટ મુકી હતી.

(8:54 pm IST)