Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

રજનીશ ગુરબાનીએ ટેસ્ટ મેચમાં બનાવી અનોખી સિદ્ધિ: વિકેટની હેટ્રિક સાથે આ ખેલાડી સાથે નામ નોંધાવ્યું

નવી દિલ્હી:વિદર્ભના ઝડપી બોલર રજનીશ ગુરબાની (૬/૫૯)ની બોલિંગનો કહેર ઈન્દૌરના હોલ્કર સ્ટેડિયમમાં પણ જોવા મળ્યો. ગુરબાનીએ ગૌતમ ગંભીર, ઋષભ પંત જેવા દિગ્ગજ ખેલાડીઓથી ભરેલ દિલ્હીની ટીમ વિરુદ્ધ હેટ્રીક લીધી છે. તેના ધમાકેદાર પ્રદર્શનના કારણે રણજી ફાઈનલમાં દિલ્હીની પ્રથમ ઈનિંગ માત્ર ૨૯૫ રનમાં સમેટાઈ ગઈ. 
કોલકત્તામાં કર્ણાટક સામેના મુકાબલામાં ૧૬૨ રન આપી ૧૨ વિકેટ લેનાર ગુરબાનીએ સતત ત્રણ બોલમાં ૩ ખેલાડીઓને બોલ્ડ કર્યા. તેણે વિકાસ મિશ્રા (૭), નવદીપ સૈની (૦) અને શોરે (૦)ને બોલ્ડ કરી પોતાની હેટ્રીક પુરી કરી. આ સાથે જ રણજી ફાઈનલમાં હેટ્રીક લેનાર તે બીજો બોલર બન્યો છે. આ પહેલા તમિલનાડુના બી કલ્યાણસુંદરમે ૧૯૭૨/૭૩માં બોમ્બે સામે ચેન્નાઈમાં હેટ્રીક લીધી હતી. રજનીશ ગુરબાનીએ પોતાની ૨૩મી ઓવરના છેલ્લા બે બોલ અને ૨૪મી ઓવરના પ્રથમ બોલે વિકેટ લઈને હેટ્રીક પુરી કરી. 
ઉલ્લેખનીય છે કે, વિદર્ભની ટીમ આ વર્ષે પોતાની પ્રથમ રણજી ફાઈનલ મેચ રમી રહી છે. આ પહેલા વિદર્ભની ટીમ બે વખત સેમીફાઈનલમાં પહોંચવામાં સફળ રહી છે. ૨૦૦૨-૦૩માં અને ૨૦૧૧-૧૨માં વિદર્ભે સેમીફાઈનલ માટે ક્વોલીફાઈ કર્યુ હતું, પરંતુ ટૂર્નામેન્ટ જીતી શકી નહતી. જ્યારે આ ઉપરાંત વિદર્ભની ટીમ બે વખત ક્વાર્ટર ફાઈનલમાં પહોંચવામાં સફળ રહી હતી. પ્રથમ વખત ૧૯૭૦-૭૧માં આ ટૂર્નામેન્ટના ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી હતી, જ્યારે બીજી વખત ૧૯૯૫-૯૬માં પહોંચી હતી.

(4:55 pm IST)