સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 31st October 2020

હજુ માત્ર મોડી રાત્રે-વહેલી સવારે જ ઠંડક

સુર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ હવામાન : બપોરે ગરમી

રાજકોટ, તા. ૩૧ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે-ધીમે શિયાળાની અસર વર્તાઇ રહી છે. મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડીની વધુ અસર અનુભવાય છે.

જો કે સવારે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ વાતાવરણ હુંફાળુ બની જાય છે અને ધીમે-ધીમે ગરમીની અસર વધવા લાગે છે.

બપોરના સમયે મહત્તમ તાપમાનમાં વધારો થતાં આકરા ઉનાળાનો અહેસાસ થવા લાગે છે. હવામાન ખાતાની આગાહી મુજબ આ વર્ષે શિયાળામાં તાપમાનનો પારો સીંગલ ડિજિટમાં પહોંચશે. જયારે આખો મહિનો પવનની એવરેજ ૧૦ કિલોમીટર પ્રતિ કલાક રહી છે. શિયાળાની ઠંડી પડવાની શરૂઆત થતાં સવારે અને સાંજે વોકીંગ કરવા વાળાની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. માસની શરૂઆત કરતા માસના અંતે ભેજનું પ્રમાણ પણ ઘટયું છે. શુક્રવારે ભેજનું પ્રમાણ માત્ર ર૯ ટકા હતું. જે સવારના સમયે પર ટકા હતું. ૧૪ ઓકટોબરની આસપાસ તાપમાનનો પારો ૪૦ ડીગ્રીએ પહોંચ્યો હતો.

ઓણ સાલ ચોમાસુ ચાર મહિનાથી વધુ રહ્યું હતું. શિયાળો હવે ધીમે ધીમે જમાવટ કરશે. દિવાળી બાદ લઘત્તમ તાપમાન ૧પ ડીગ્રીથી નીચે જાય તેવી સંભાવના હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. સૌરાષ્ટ્રમાં ગઇકાલે કેશોદમાં ૧૮.૪, મહુવામાં ૧૮.૭, ભાવનગરમાં ર૦.૪, પોરબંદરમાં ર૧.ર, વેરાવળમાં રર.૯, દ્વારકામાં ર૩.પ, ઓખામાં રપ.ર, સુરેન્દ્રનગરમાં ર૦.૯, અમરેલીમાં ર૦.ર, અને દીવમાં ર૦.ર ડીગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી સપ્તાહ સૌરાષ્ટ્રમાં એક-બે ડીગ્રી તાપમાન ઘટે તેવા અણસાર મળી રહ્યા છે.

(11:38 am IST)