સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 31st October 2020

સરકાર સામે 'મીઠા સત્યાગ્રહ' આવી પડવાની સંભાવના

ચૂંટણીઓમાં પણ માઠી અસર પડવાની સૌરાષ્ટ્ર વિકાસ અભિયાન સમિતિ દ્વારા ચેતવણી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા. ૩૧ : ભારતના કુલ મીઠા ઉત્પાદનના ૭ર% મીઠુ ઉત્પાદીત કરી, ગુજરાતના ૪૯૧ જેટલા મીઠા ઉદ્યોગકારો પ્રતિ વર્ષ ૧૮ કરોડ કરતા પણ વધારે રોયલ્ટી અને શેષની આમદાની કરાવતા મીઠા ઉદ્યોગકારોને, દાયકાઓ અગાઉ લીઝ પર આપેલ જમીનોનું ભાડુ અને રોયલ્ટી કર વસુલીને સરકારી તીજોરી ભરતી ગુજરાત સરકારે 'બીનખેતી આકારના મહેસુલી કાનુન ને અભેરાઇએ ચડાવી મીઠા ઉદ્યોગકારો પાસેથી તેમને ફાળવેલ જમીન ઉપર બીનખેતી આકાર વસુલવાનો પરિપત્ર બહાર પાડતા' પરિપત્ર સામેની મીઠા ઉદ્યોગકારોની કાનૂની લડાઇમાં સરકારે પરોઠના પગલા ભરવા પડશે તેવી ભીતીએ મીઠા ઉદ્યોગકારોનું 'નાક દબાવવા' જયાં સુધી બીનખેતી આકારનું પ્રકરણ ફાઇનલ ન થાય ત્યાં સુધી મીઠા ઉદ્યોગકારોને લીઝ પટ્ટે ફાળવેલ ગુજરાતના મીઠા ઉદ્યોગકારોની જમીનના લીઝ પટ્ટા રીન્યુ કરવા અંગેની કોઇ દરખાસ્ત ધ્યાને નહીં લેવાનો પરિપત્ર બહાર પાડી ગુજરાતના મીઠા ઉદ્યોગને મરણતોલ ફટકો મારેલ છે.

ભારતમાં વર્ષે દહાડે ૧૩પ લાખ ટન મીઠાનું ઉત્પાદન થાય છે તે પૈકી ૯૭,ર૦,૦૦૦ ટન મીઠાનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે. ગુજરાત સરકારને લીઝ ભાડા પટ્ટાની અને રોયલ્ટીની કરોડોની આમદાની આપતા ગુજરાતના મીઠા ઉદ્યોગમાં પ્રથમ નંબરે કચ્છ-ભુજના મીઠા ઉદ્યોગના ૩૦૦ યુનિટો, બીજા નંબરે મોરબી-માળીયાના ૭૬ યુનિટો, ત્રીજા નંબરે જામનગરના ૩ર મીઠા યુનિટો, ચોથા નંબર ભાવનગરના ૪ર યુનિટો અને પાંચમા નંબરે દક્ષિણ ગુજરાતના ૪૧ યુનિટો, મળી કુલ ૪૯૧ મીઠા ઉદ્યોગો વરસે દહાડે લાખો ટન મીઠાનું ઉત્પાદીત કરી ગુજરાતના લગભગ ૧,૧૭,૦૦૦ મીઠા ઉદ્યોગ સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સંકળાયેલા લોકોને રોજીરોટી પૂરી પાડે છે.

મીઠા ઉદ્યોગોને ફાળવેલ જમીનો સામાન્ય રીતે સરકાર પડતર જમીનો હોય છે. બીનખેતી આકારના મહેસુલી કાનુન મુજબ આ જમીનો પર બીનખેતી આકાર લઇ શકાય નહીં. મીઠા ઉદ્યોગ પ્રશ્ને પૂર્વ મુખ્ય મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ સાથે તા. ૧૮-૦પ-ર૦૧૧ ના રોજની બેઠકમાં ઠરાવ્યા મુજબ, અને આ સંદર્ભે રાજયના ઉદ્યોગ અને ખાણ વિભાગના સચિવ દ્વારા આપવામાં આવેલ અભિપ્રાય મુજબ લીઝ પટ્ટાવાળી મીઠા ઉદ્યોગની જમીન પર લીઝભાડુ, પંચાયત સેસ વગેરે વસુલાતો હોય તો બીનખેતી આકાર તેના પર લાદી શકાય નહીં.

એક તો પાછલા બે વર્ષથી અતિવૃષ્ટીના કારણે મીઠા ઉત્પાદન પર તેની માઠી અસરો પડીજ છે. ઉપરાંત છેલ્લા સાતેક માસથી કોરોના મહામારી, પર્યાવરણને કારણે મીઠુ પકવાની પ્રક્રિયા, ઉત્પાદન અને સપ્લાઇ બંધ રહેતા આ ઉદ્યોગો ભારે મોટી નાણાભીડ અનુભવી રહ્યા છે. આ સંજોગોમાં આ બીનખેતી આકાર વસુલીની જો લપડાક મારવામાં આવશે તો અસંખ્ય મીઠા ઉદ્યોગોને બંધ થવાની નોબત આવશે. હજારો કામદારો રોજીરોટી ગુમાવશે.

અન્ય રાજયોની સરખાણીમાં ગુજરાતમાં મીઠાની જમીન ઉપર ઘણાં ઉંચા દરે ભાડુ-કર વસુલાય છે. આ સંદર્ભે પાછલા નવ વર્ષથી ગુજરાતના મીઠા ઉદ્યોગકારો સરકારમાં રજૂઆતો કરતા આવ્યા છે, પણ આજ દિવસ સુધી સરકાર તરફથી કોઇ હકારાત્મક પ્રતિભાવ જોવા મળ્યો નથી.

માત્રને માત્ર મીઠા ઉદ્યોગકારો પાસેથી બીનખેતી આકાર નામે સરકારી તીજોરી ભરવાના કારસા બંધ કરી, આવા પરિપત્રો રદ નહી કરે તો આગામી દિવસોમાં હજારો મીઠા અગરીયાનો બેકારીનો રાફડો ફાટી નીકળશે. રોજી-રોટી વિહોણા મજૂરો આ સંદર્ભે સત્યાગ્રહ પર ઉતરી આવશે, તો ગાંધીજીના ગુજરાતમાં હવે અંગ્રેજો સામે ના ઐતિહાસીક સત્યાગ્રહ જેવો જ ગુજરાત સરકાર સામે મીઠા સત્યાગ્રહ આવી પડશે. એટલું જ નહી, પણ આગામી ચૂંટણીઓમાં પણ તેની માઠી અસરો પડશે. તેમ સૌરાષ્ટ્ર વિકાસ અભિયાન દ્વારા જણાવાયું છે.

(11:37 am IST)