સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 31st October 2020

રાપર ફરજ બજાવતા સુરેન્દ્રનગરના ગ્રામ સેવકનો કોરોનાએ ભોગ લીધો : કચ્છમાં ૯, મોરબી -૧૭, ભાવનગરમાં ૧૪ કેસ

રાજકોટ,તા. ૩૧: સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના કહેર યથાવત રહેતા પામ્યો હોય તેને રોજ દર્દીઓની સંખ્યામાં વધ ઘટ થતી રહી છે. જ્યારે આજે કોરોનાએ કચ્છમાં એકનો ભોગ લીધો છે.

કચ્છમાં સરકારી ચોપડે કેસ ઘટ્યા

ભુજ :તંત્રના લુકાછૂપીના ખેલ વચ્ચે કચ્છમાં સરકારી ચોપડે કોરોનાના કેસનો આંકડો ઘટીને એકી સંખ્યામાં આવ્યો છે. સરકારી ચોપડે ૯ કેસ નોધાયા છે. જોકે, કોરોનાના કારણે રાપરના ખેતીવાડી શાખામાં ફરજ બજાવતાં મૂળ સુરેન્દ્રનગરના ગ્રામસેવક દિનેશ પરમારનું કોરોનાથી મોત નિપજયું છે. મૃતક દિનેશભાઈ કોરોનાગ્રસ્ત થયા બાદ સારવાર માટે વતન સુરેન્દ્રનગર ગયા હતા. ત્યાં તેમનું મોત નિપજયું હતું. કચ્છમાં કોરોનાના ૯ કેસ સાથે કુલ કેસ ૨૭૪૬ થયા છે. અત્યારે સારવાર હેઠળ ૨૩૭ દર્દીઓ છે. સાજા થનારની સંખ્યા ૨૩૯૨ છે. તો, સરકારી ચોપડે ૭૦ મોત દર્શાવાયા છે. બિનસતાવાર મોતનો આંક ૧૨૦ ની નજીક હોવાની આશંકા છે.

મોરબી અને વાંકાનેર તાલુકામાં ૧૦ દર્દીઓ ડીસ્ચાર્જ

મોરબી અને વાંકાનેર તાલુકામાં કોરોનાના નવા ૧૭ કેસો નોંધાયા છે તો વધુ ૧૦ દર્દીઓ કોરોના સામેનો જંગ જીતી ચુકયા છે

નવા કેસોમાં મોરબી તાલુકાના ૧૬ કેસમાં ૦૬ ગ્રામ્ય અને ૧૦ શહેરી વીસ્તારમાં જયારે વાંકાનેરનો ૦૧ કેસ શહેરી વિસ્તારમાં મળીને કુલ ૧૭ કેસો નોંધાયા છે તો જીલ્લામાં કુલ ૧૦ દર્દીઓ સ્વસ્થ થયા છે નવા કેસો સાથે જીલ્લામાં કુલ કેસનો આંક ૨૨૦૩ થયો છે જેમાં ૧૩૯ એકટીવ કેસ છે તો ૧૯૩૯ દર્દીઓ સ્વસ્થ થયા છે.

ભાવનગરમાં ૫૬ દર્દીઓ સારવાર હેઠળ

ભાવનગર : જિલ્લામા વધુ ૧૪ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૪,૭૭૧ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૭ પુરૂષ અને ૨ સ્ત્રી મળી કુલ ૯ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમા દ્યોદ્યા તાલુકાના મોટા ખુટવડા ગામ ખાતે ૧, દ્યોદ્યા તાલુકાના વાળુકડ ગામ ખાતે ૨, દ્યોદ્યા ખાતે ૧ તેમજ પાલીતાણા તાલુકાના સોનાપારી ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૫ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જયારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૧૧ અને તાલુકાઓના ૬ એમ કુલ ૧૭ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૪,૭૭૧ કેસ પૈકી હાલ ૫૬ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૪,૬૪૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૮ દર્દીઓના અવસાન થયેલ છે.

(11:24 am IST)