જુનાગઢમાં એડવોકેટના બાઇકમાંથી રૂ. ૧પ હજારની રોકડ સાથેની બેગની ઉઠાંતરી
ડબલ સવારીમાં આવેલ શખ્સોનું પરાક્રમ
(વિનુ જોશી) જુનાગઢ, તા. ૩૧ : જુનાગઢના નવા નાગરવાડા શેરી નં. ૩માં આવેલ રાજદર્શન એપાર્ટમેન્ટમાં રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતાં કપિલભાઇ વિનોદરાય મકાણી (ઉ.વ.૩૯) ગઇકાલે બપોરનાં તેમના મોટર સાયકલ પર જલારામ સોસાયટી તરફ જતા હતા.
ત્યારે તળાવ દરવાજા પાસે પાછળથી સીબીઝેડ મોટર સાયકલ પર ડબલ સવારીમાં આવેલ બે અજાણ્યા શખ્સો કપિલભાઇની મોટર સાયકલનાં હુકમાં ટીંગાડેલ રૂ. ૧પ હજારની રોકડ અને પેનડ્રાઇવ સાથેની બેગની ઉઠાંતરી કરીને નાસી ગયા હતા.
આ શખ્સોને એડવોકેટે પકડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બંને ઇસમો નાસી જવામાં સફળ થયા હતા.
જુનાગઢમાં ચાલુ મોટર સાયકલ દરમ્યાન બેગની તફડચી થતા હલચલ મચી ગઇ હતી.
બી-ડીવીઝન પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ચોરીનો ગુનો નોંધી. ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ પી.એસ.આઇ. કે.કે. મારૂ ચલાવી રહ્યા છે.