સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 31st January 2023

શાપર-વેરાવળમાં ૧૦ કારખાનામાં ચડ્ડી બનીયાનધારી ટોળકી ત્રાટકી

કારખાનાના શટર અને તાળા તોડી ઓફીસમાંથી લાખોની રકમની ચોરી : ચડ્ડી બનીયાનધારી ગેંગના ૮ શખ્‍સો સીસીટીવી કેમેરામાં કેદ : કેટલી મતા ગઇ છે તે હવે જાહેર થશે : પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ : છેલ્લા ૧ મહિનામાં ઇન્‍ડસ્‍ટ્રીઝ એરીયામાં ચડ્ડી બનીયાનધારી ટોળકી ત્રીજી વખત ત્રાટકી : અગાઉ ફરીયાદ થઇ નહોતી : રૂરલ એલસીબી અને એસઓજીનો કાફલો પણ દોડી ગયો

તસ્‍વીરમાં ઘટના સ્‍થળે પોલીસ કાફલો અને એકત્ર થયેલ લોકોના ટોળા, બીજી તસ્‍વીરમાં કારખાનાના તુટેલ શટર અને છેલ્લે ચડ્ડી બનીયાનધારી ગેંગના સાગ્રીતો સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા તે નજરે પડે છે. (તસ્‍વીરઃ કમલેશ વસાણી-શાપર-વેરાવળ)

રાજકોટ, તા., ૩૧: રાજકોટ શહેરની ભાગોળે આવેલ ઔદ્યોગીક વસાહત શાપર-વેરાવળમાં ગત મધરાત્રે ચડ્ડી બનીયાનધારી   ટોળકી ત્રાટકી હતી અને ૧૦ કારખાનાના શટર અને તાળા તોડી લાખોની મતા ચોરી કરી ગયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ શાપર-વેરાવળમાં  શાપરમાં પોલાઇટ ઇન્‍ડસ્‍ટ્રીઝ વિસ્‍તારમાં ગત મધરાત્રે ચડ્ડી બનીયાનધારી ટોળકી ત્રાટકી હતી અને આ વિસ્‍તારમાં આવેલ ૧૦ કારખાનાના શટર અને તાળા તોડી ઓફીસમાંથી રોકડ રકમ ચોરી કરી ગયા હતા. આજે સવારે કારખાનાના શટર અને તાળા તુટેલા જણાતા કારખાનેદારોએ સ્‍થાનીક પોલીસને જાણ કરતા શાપર-વેરાવળના પીએસઆઇ એસ.જે.રાણા તથા સ્‍ટાફ ઘટના સ્‍થળે દોડી ગયો હતો.

પોલાઇટ ઇન્‍ડસ્‍ટ્રીઝ એરીયામાં આવેલ  એપી વાયર પ્રોડકટસ, સમુદ્રા સ્‍ટીલ, એચ.જે. એન્‍ટરપ્રાઇઝ, બાલાજી ઇન્‍ડસ્‍ટ્રીઝ, પાયલ મેટલ, ગુડલક, ઓલટેક, ક્રિષ્‍ના મેટલ તથા  સેમ્‍પલ પેપર પ્રોડકટસ સહીત ૧૦ કારખાનામાં ચડ્ડી બનીયાનધારી ટોળકી ત્રાટકી હતી અને આ તમામ કારખાનાની ઓફીસમાંથી રોકડ રકમ ચોરી કરી ગયા હતા. આ કારખાનામાંથી કેટલી મતાની ચોરી થઇ છે તે જાહેર થયું નથી પણ લાખોની મતાની ચોરી થયાનું મનાય છે.

શાપર-વેરાવળ વિસ્‍તારમાં ૧પ દિ' પહેલા પણ ચડ્ડી બનીયાનધારી ટોળકી બંધ કારખાનાને નિશાન બનાવી રોકડ રકમ ચોરી કરી ગયા હતા. જો કે આ અંગે પોલીસમાં ફરીયાદ થઇ નથી. છેલ્લા એક મહિનામાં શાપર-વેરાવળ વિસ્‍તારના કારખાનામાં ત્રીજી વખત ચડ્ડી બનીયાનધારી ટોળકી ત્રાટકી હોવાનું વેપારીઓએ જણાવ્‍યું હતું.

ગત મધરાત્રે ૧૦ કારખાનામાં ચોરી કરનાર ચડ્ડી બનીયાનધારી ગેંગના ૮ સાગ્રીતો સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા છે. પોલીસે આ સીસીટીવી ફુટેજના આધારે ચોરી કરનાર ચડ્ડી બનીયાનધારી ગેંગ અંગે તપાસ હાથ ધરી છે.

બનાવની જાણ થતા રૂરલ એલસીબીના પીઆઇ વિજય ઓડેદરા, પીએસઆઇ એચ.સી.ગોહીલ, પીએસઆઇ ડી.જી. બડવા, રૂરલ એસઓજીના પીઆઇ કે.બી.જાડેજા, પીએસઆઇ બી.સી.મિયાત્રા તેમજ શાપર-વેરાવળના પીએસઆઇ એસ.જે.રાણા સહીતના સ્‍ટાફે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

(1:33 pm IST)