સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th September 2022

જુનાગઢમાં ખોડલધામ નવરાત્રી મહોત્સવ અંગે કોમેન્ટ કરવા સામે યુવાન ઉપર હુમલો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૩૦: ખોડલધામ નવરાત્રી મહોત્સવ અંગે કોમેન્ટ કરવા સામે ૪ શખ્સોએ યુવાન ઉપર હુમલો કરતાં આ યુવકને ગંભીર પ્રકારની ઇજા થઇ હતી.

ખામધ્રોળ રોડ સ્થિત યમુના પાર્ક સોસાયટીમાં રહેતા ર૭ વર્ષીય વત્સલભાઇ કિરીટભાઇ કાપડીયા નામના યુવાન ઝાંઝરડા ચોકડી પાસેનાં પાર્ટી પ્લોટ ખાતે આયોજીત ખોડલધામ નવરાત્રી મહોત્સવનાં પાસ લેવા માટે તા. ર૮નાં રોજ રાત્રે ૧૧ વાગ્યે સ્થળ પર ગયા હતા.

ત્યારે અમિત ભુવા નામનાં શખ્સે વત્સલને પાર્કીંગમાં બોલાવી અમિત તેમજ કેતન ધડુક તથા રમેશ વઘાસીયા અને એક અજાણ્યા શખ્સે જણાવેલ કે 'ફેસબુકમાં રોહિત રાણપરીયાએ ખોડલધામ નવરાત્રી મહોત્સવનાં સાઉન્ડ અને સિંગર સારા નથી' એવી પોસ્ટ મુકી હતી જેમાં તે કેમ કોમેન્ટ કરી તેમ કહીને ચારેય શખ્સોએ હુમલો કર્યો હતો.

લોખંડનાં પાઇપ તેમજ લાકડાનાં ધોકા વડે માર મારી ટાંટીયા ભાંગી નાખવા જેવી મહાવ્યથા કરવાની ધમકી આપી હોવાની ફરિયાદ વત્સલ કાપડીયાએ કરતાં તાલુકા પોલીસે ચારેય શખ્સો સામે કાર્યવાહી કરી હતી.આ બનાવથી ખેલૈયાઓ વગેરે લોકોમાં હલચલ મચી ગઇ હતી.

(1:28 pm IST)