સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 30th June 2022

મોરબીમાં પકડાયેલ ટોળકીએ મુન્‍દ્રામાંથી પ૦ લાખના કન્‍ટેનર ચોરી કર્યાનું ખુલ્‍યુ

મોરબી એલ.સી.બી.એ. કન્‍ટેનર ભંગારમાં વેચવાના કૌભાંડનો પદાર્ફાશ કર્યા બાદ કચ્‍છના મુન્‍દ્રા મરીન પોલીસમાં ગુન્‍હો નોંધાયો : વધુ બે ના નામો ખુલ્‍યા

તસ્‍વીરમાં પકડાયેલ ટોળકી નજરે પડે છે. (તસ્‍વીર : પ્રવિણ વ્‍યાસ, મોરબી)

મોરબી, તા. ૩૦ મોરબીના અમરેલી રોડ પર બાવળની કાંટમાં ગેરકાયદેસર રીતે કન્‍ટેનર કટિંગ કરી ભંગાર બનાવી વેચાણ કરનાર ચાર ઇસમોને ઝડપી લઈને એલસીબી ટીમે ૧૩.૮૨ લાખની કિમતનો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ ચલાવી હતી જેમાં આરોપીઓએ મુન્‍દ્રા ખાતેથી ૨૦ કન્‍ટેનર ચોરી કર્યાનું ખુલ્‍યું છે અને મુન્‍દ્રા મરીન પોલીસ મથકમાં પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન અમરેલી રોડ પર મહાકાલી માતાજી દેરી પાસે બાવળ કાંટમાં અને ખુલ્લી જગ્‍યામાં કેટલાક ઈસમો અનધીકળત રીતે કન્‍ટેનર બહારથી લાવી કટિંગ કરી ભંગાર કરી વેચાણ કરતા હોવાની બાતમી મળી હતી જેથી ટીમે સ્‍થળ પર દરોડો કરતા સ્‍થળ પરથી પોલીસને કેન્‍કોર કંપનીના કન્‍ટેનર નંગ ૦૪ કીમત રૂ ૧૦ લાખ, કન્‍ટેનર કટિંગ લોખંડ ભંગાર અંદાજીત ૮૩૭૦ કિલોગ્રામ વજન કીમત રૂ ૨,૯૨,૯૫૦, ગેસના નાના મોટા સિલેંડર નંગ ૨૪ કીમત રૂ ૬૯,૦૦૦ અને ગેસ કટરગન પાઈપ સાથે નંગ ૦૪ કીમત રૂ ૬૦૦૦ ઉપરાંત ૦૩ મોબાઈલ ફોન કીમત રૂ ૧૫,૦૦૦ મળીને કુલ રૂ ૧૩,૮૨,૯૫૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો

જે રેડ દરમિયાન આરોપી રવિ વિનોદ પંસારા (ઉ.વ.૨૭) રહે વિસીપરા મેઈન રોડ મોરબી, નકુલ કરશન મંદરીયા (ઉ.વ.૨૪) રહે ભીમસર વેજીટેબલ રોડ મોરબી, મહેન્‍દ્ર ભરત સોલંકી (ઉ.વ.૨૩) રહે શોભેશ્વર રોડ મોરબી અને ફિરોજ રહીમ મમાણી (ઉ.વ.૨૦) રહે સુરેન્‍દ્રનગર બસ સ્‍ટેન્‍ડ પાછળ એમ ચાર આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી હતી.

આરોપીઓએ મુન્‍દ્રા પોર્ટ ખાતે કોન્‍કોર કન્‍ટેનર યાર્ડમાંથી કુલ ૨૦ કન્‍ટેનર ચોરી કર્યાનું ખુલ્‍યું હતું અને મોરબી એલસીબી ટીમે ૧૧ કન્‍ટેનરનો ભંગાર અને સામાન મળી આવ્‍યો છે જે કટિંગ કરી ભંગાર વેચવાની પેરવી કરતા હતો. દરમિયાન આરોપીઓને ઝડપી લેવાયા હતા તો અન્‍ય આરોપી મહાવીરસિંહ ભાણુભા અને યાર્ડમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતા ભવ્‍યરાજસિંહ ઉર્ફે ભાનુભા એમ બે આરોપીના નામો ખુલ્‍યા છે આરોપી મહાવીરસિંહે કન્‍ટેનર કટિંગ કરવાની વ્‍યવસ્‍થા કરી આપી હતી તો સુપરવાઈઝર તરીકે નોકરી કરતા ઇસમેં ચોરી કરવામાં મદદ કરી હતી જે ઝડપાયેલા ચાર આરોપી અને અન્‍ય બે એમ છ ઈસમો વિરુદ્ધ મુન્‍દ્રા મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ ચલાવી છે.

(12:07 pm IST)