સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 30th June 2022

રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતજી જૂનાગઢમાં : પ્રાકૃતિક પ્‍લાસ્‍ટીક કાફેનું લોકાર્પણ

કલેકટર કચેરી ખાતે લાઇબ્રેરીની મુલાકાત : પ્રાકૃતિક ખેતી વર્કશોપમાં ઉપસ્‍થિતિ

(વિનુ જોશી) જૂનાગઢ તા. ૩૦ : રાજ્‍યપાલશ્રી આચાર્ય દેવવ્રત આજે જૂનાગઢ ખાતે આવ્‍યા હતા. તેઓએ તેમના જૂનાગઢ પ્રવાસની શરૂઆત દેશના સૌ પ્રથમ પ્રાકૃતિક પ્‍લાસ્‍ટીક કાફેને ખુલ્લુ મુકીને કરી હતી.

ગુજરાતના રાજ્‍યપાલશ્રી આચાર્ય દેવવ્રત સવારે ગાંધીનગરથી હેલિકોપ્‍ટર મારફત જૂનાગઢ ખાતે આવી પહોંચતા અત્રે પીટીસી ગ્રાઉન્‍ડ પર હેલિપેડ ખાતે તેઓને કલેકટર રચિત રાજ, ડીડીઓ મીરાંત પરીખ, કમિશનર રાજેશ તન્‍ના સહિત અધિકારીઓ તેમજ મેયર ગીતાબેન પરમાર, જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટ પટેલ, સાંસદ રાજેશ ચુડાસમા, શહેર પ્રમુખ પુનિત શર્મા વગેરેએ આવકાર્યા હતા.

રાજ્‍યપાલશ્રી હેલિપેડ ખાતેથી મનોરંજન સર્કિટ હાઉસ થઇને શહેરમાં આઝાદ ચોક સ્‍થિત પ્રાકૃતિક પ્‍લાસ્‍ટીક કાફે પર પહોંચ્‍યા હતા અને ઉદ્‌ઘાટન કર્યું હતું.

શ્રી આચાર્ય દેવવ્રતજીએ કલેકટર રચિત રાજ અને વહીવટી તંત્રના પ્રાકૃતિક પ્‍લાસ્‍ટીક કાફેના નવતર પ્રયોગની પ્રશંસા કરી હતી અને કાફે ખાતેની નાસ્‍તો, ભોજન વગેરેની વ્‍યવસ્‍થા નિહાળી હતી.

પ્રાકૃતિક પ્‍લાસ્‍ટીક કાફેના લોકાર્પણ બાદ રાજ્‍યપાલશ્રીએ કલેકટર કચેરી ખાતેની હ્યુમન લાયબ્રેરીની મુલાકાત લીધી હતી અને જિલ્લા સમાહર્તા રચિત રાજના લાયબ્રેરી અંગેના પ્રયાસને બિરદાવ્‍યો હતો.

આ પછી રાજ્‍યપાલશ્રી આચાર્ય દેવવ્રતે જૂનાગઢ કૃષિ યુનિ.માં ઓડિટોરીયમ ખાતે આયોજીત પ્રાકૃતિક ખેતી વર્કશોપમાં હાજરી આપી હતી.

આ સેમિનારમાં ઉપસ્‍થિત કૃષિ વૈજ્ઞાનિકો, પ્રગતિશીલ ખેડૂતોને રાજ્‍યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપ્‍યું હતું.

વર્કશોપ બાદ રાજ્‍યપાલશ્રી હેલિકોપ્‍ટર મારફત પરત ગાંધીનગર જવા રવાના થયા હતા.

શ્રી આચાર્ય દેવવ્રતના જૂનાગઢ પ્રવાસ દરમિયાન ડીઆઇજી મન્‍નીંદર પ્રતાપસિંહ પવારના માર્ગદર્શનમાં એસપી રવિ તેજા વાસમ સેટ્ટી, ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા વગેરેએ સુરક્ષા બંદોબસ્‍ત જાળવ્‍યો હતો.

 

ભોજનનો એક નવો અહેસાસ થશે જૂનાગઢના પ્રાકૃતિક પ્‍લાસ્‍ટિક કાફેમાં

પ્રાકૃતિક પ્‍લાસ્‍ટિક કાફેની આકર્ષક અને યુનિક ડિઝાઇન : ઓર્ગેનિક ફૂડ ખાવા માટે એકવાર તો પ્રાકૃતિક પ્‍લાસ્‍ટિક કાફેમાં અચૂક જવું જોઇએ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૩૦ : પ્રાકૃતિક પ્‍લાસ્‍ટિક કાફેની ડિઝાઇન યુનિક અને આકર્ષક તો છે જ. સાથે જ અહીં આવનારને પ્રકૃતિથી નજીક આવ્‍યા નો એક નવો અહેસાસ પણ થશે. અહીં તમને ઓર્ગેનિક ફૂડ આરોગવા મળશે જ. એ પણ તમને માટીના વાસણોમાં પીરસવામાં આવશે. આમ, એક સંપૂર્ણપણે ઓર્ગેનિક ફૂડ ખાવા અને એક નવા અનુભવ માટે એકવાર તો પ્રાકૃતિક પ્‍લાસ્‍ટિક કાફેમાં અચૂક ભોજન લેવું જોઈએ...

આ પ્રાકૃતિક પ્‍લાસ્‍ટિક કાફેની વિશેષતા જણાવતા પ્રાંત અધિકારી સુશ્રી ભૂમિ કેશવાલા જણાવે છે કે, કલેકટર રચિત રાજના માર્ગદર્શન હેઠળ આ કાફેની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને લોકોનું પ્રકૃતિ સાથે અનુસંધાન કેળવાય તેની કાળજી લેવામાં આવી છે. સાથે લોકો પ્રકૃતિ પ્રેમ વિકસે અને પ્‍લાસ્‍ટિકનો વપરાશ નહીંવત્‌ પ્રમાણમાં કરવા પ્રેરાય તેને ધ્‍યાનમાં રાખીને આ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે.ᅠ

પ્રાકૃતિક પ્‍લાસ્‍ટિક કાફેની છતને આકર્ષક બનાવવા માટે તેમાં વાંસની સુંડલીઓનો ઉપયોગ કરવામાં આવ્‍યો છે. ઉપરાંત કાફેની દીવાલો પર પણ આકર્ષક પેઇન્‍ટિંગ અને ફૂલઝાડને કંડારવામાં આવ્‍યા છે.ᅠઆ કાફેની ડિઝાઇન વખતે તેમાં ઓછામાં ઓછી કોસ્‍ટમાં વધુ આકર્ષક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો છે. વુડન બેઈઝડ ફર્નિચર તૈયાર કરવામાં આવ્‍યું છે. આમ, અહીં આવતા લોકોને ભોજનમાં એક નવો અહેસાસ થાય તેવા પ્રયત્‍નો કરવામાં આવ્‍યા છે.

આ પ્રાકૃતિક પ્‍લાસ્‍ટિક કાફેની ડિઝાઇન તૈયાર કરવામાં કલેકટર  રચિત રાજના સીધા માર્ગદર્શન હેઠળ મહિલા અને બાળ વિકાસ અધિકારી જીગર જસાણી, પ્રોટેકશન આફિસર મુકેશ વાજસુર માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર એ.જી. સોલંકી અને તેમની સમગ્ર ટીમ સહિતના અધિકારીઓએ જહેમત ઉઠાવી છે.

(11:47 am IST)