સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 30th June 2022

મોરબીમાં બે વર્ષ બાદ મચ્‍છુ માતાના જયઘોષ સાથે અષાઢી બીજે કાલે રથયાત્રા

રાહડા, ટીટોડો, હુડોની રમઝટ બોલશે : અષાઢી બીજ પર્વને મચ્‍છુ માતાના પ્રાગટય દિન તરીકે વર્ષોથી ઉજવતા : મોરબી પંથકના રબારી ભરવાડ સમાજમાં શુક્રવારે નિકળનારી ભવ્‍ય મચ્‍છુ માતાની રથયાત્રાને લઇને ભારે હરખની હેલી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૩૦ : મોરબી પંથકના હજારો રબારી, ભરવાડ સમાજના લોકો દર અષાઢી બીજના પાવન પર્વને મચ્‍છુ માતાજીના પ્રાગટય દિન તરીકે ઉજવે છે અને વર્ષોથી આ મચ્‍છુ માતાના પ્રાગટય દીને એટલે અષાઢી બીજે મોરબી પંથકના સમસ્‍ત રબારી ભરવાડ સમાજના લોકો મચ્‍છુ માતાની ભવ્‍ય રથયાત્રા કાઢે છે. પણ વચ્‍ચે કોરોનાએ અવરોધ સજર્યો હતો. પણ એ વિઘ્‍ન પણ હવે દૂર થતાં હવે બે વર્ષ બાદ રાહડા, ટીટોડો, હુડોની રમઝટ વચ્‍ચે આગામી શુકવારે અષાઢી બીજના પાવન પર્વને મચ્‍છુ માતાજીના પ્રાગટય દિન નિમિતે ભવ્‍ય રથયાત્રા નીકળશે. જેને લઈને મોરબી પંથકના રબારી ભરવાડ સમાજમાં ભારે હરખની હેલી જોવા મળી છે.

મોરબી પંથકના સમસ્‍ત રબારી ભરવાડ સમાજ દ્વારા તા.૧ જુલાઈને શુકવારે સવારે ૯ વાગ્‍યાની આસપાસ મોરબીના મહેન્‍દ્રપરા વિસ્‍તારમાં આવેલ મચ્‍છુ માતાજીની જગ્‍યા ખાતેથી અષાઢી બીજના પાવન પર્વને મચ્‍છુ માતાના પ્રગટ્‍યા દિન તરીકે ઉજવણી કરવાના ભાગરૂપે ભવ્‍ય મચ્‍છુ માતાજીની ભવ્‍ય રથયાત્રા નીકળશે. જેમાં ૧૦૦૮ મહામંડલેશ્વર સમાજના ધર્મગુરુ ઘનશ્‍યામપુરી મહારાજના પાવન હસ્‍તે આ મચ્‍છુ માતાજીની રથયાત્રાનું પ્રસ્‍થાન કરાવશે. જેમાં હજારો રબારી ભરવાડ સમાજના લોકો પરંપરાગત વેશભૂષા સાથે જોડાશે.

રબારી ભરવાડ સમાજની સંસ્‍કૃતિ રાહડા, હુડો અને ટીટોડો જેવા લોકનૃત્‍યો હોવાથી આ રથયાત્રામાં રાહડા, હુડો અને ટીટોડો મુખ્‍ય આકર્ષણનું કેન્‍દ્ર રહેશે. બાપુની ગાડી રથયાત્રા સહિતનો વાહનોનો મોટો કાફલો તેમજ ખાસ જાણીતા કલાકાર બાબુ આહીર લાઈવ એટલે રથયાત્રામાં ગીત ગાતા ગાતા લોકોને ડોલાવશે. અને રબારી અને ભરવાડ સમાજના લોકો ડીજેના તાલે મન મૂકીને પરંપરાગત ગીતોના સથવારે રાહડા,ટીટોડો, હુડો જેવા લોકનૃત્‍યો રજૂ કરશે. ખરેખર તો આ રથયાત્રામાં આખું શહેર જોડાશે. એટલે રથયાત્રા જે જે રૂટ નહેરુગેઇટ ચોક, પરાબજાર, ગ્રીનચોક સહિતના માર્ગો પર કરશે ત્‍યારે ખરેખર આ માર્ગો ઉપર માનવ સાગર લહેરાશે.

રથયાત્રા મુખ્‍ય રૂટ ઉપર ઠેરઠેર ઠંડાપીણાં, શરબત, છાસ, લસ્‍સીનું વિતરણ કરવામાં આવશે અને મચ્‍છુ માતાજીની રથયાત્રા શહેરના મુખ્‍યમાર્ગો ઉપર ફરી દરબારગઢ પાસે મચ્‍છુ માતાજીની જગ્‍યા ખાતે પહોંચીને સંપન્ન થશે. જયાં હજારો ભાવિકો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ ઉપરાંત રાત્રે લોકડાયરો અને ભજનનો કાર્યક્રમ પણ યોજાશે.કુંવરબેન આહીર અને શામજીભાઈ આહીર સહિતના કલાકારો રંગત જમાવશે. જયારે મહેન્‍દ્રપરામાં મચ્‍છુ માતાનું મંદિર નવું બન્‍યું હોય એનું હવન વાસ્‍તુ પૂજન સહિતના કાર્યક્રમ યોજાશે. તેમજ હાલ મહંત ગાંડુભગત હવે નિવૃત થતા હોય તેમના પૌત્ર કીશન ભગતને મહંતની પદવી સોપાશે.

(10:39 am IST)