સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th October 2020

માનવજાતના મુકિતદાતા હઝરત મુહમ્મદ સાહેબ (સ.અ.વ.)નું ઐતિહાસિક પ્રદાન

અરબસ્થાનએ કોઇ દેશનું નામ નથી. પરંતુ આરબ પ્રજા જયાં રહે છેતે સમગ્ર વિસ્તારને અરબસ્થાન કહેવામાં આવે છે એવી આરબ ભૂમિ ખાસ કરીને મકકા, તાઇફ, મદીના, પન્બુઅ અને દુમતુલ જેદ વગેરેનો સંપર્ક ભારત, ચીન, ઇરાન, રોમ અને આફ્રિકાના સઘળા દેશો સાથે હતો. તેમજ ત્યાં આંતર -માનવીય આમત્રણનંુ કેન્દ્ર અન્ય કોઇ પણ સ્થળ કરતા વધુ પ્રમાણે સફળ થઇ શકતું હતું. એ ઉપરાંત આરબ ભૂમિમાં આવેલ મકકા અને મદીનાના સ્થળોએ મહત્વ ધરાવતા હતા કે ધાર્મિક અને વ્યાપારીક તેમજ સાંસ્કૃતિક રીતે પણ એમના અગ્રણ્યતા સર્વમાન્ય હતા.

ધાર્મિક દ્રષ્ટિએ જોઇએ તો એ ભૂમિની ચારે તરફ અગાઉ થઇ ગયેલ પયગમ્બરો જ્ઞાનનો પ્રકાશ ફેલાવી ચુકયા હતા. જયાં એમની પ્રજાના ચિંહનો ઠેર ઠેર જોવા મળતા હતા. ઉપર દિશામાં હઝરત ઇબ્રાહિમ (અલૈ.) નો ઇલાકો હતો. તે બાદ લૂત (અલૈ.) નું નિમંત્રણ સ્થળ હતું. તે પછી મદાઇને સાલેહ હતું અને ફલસ્તીના તેમજ યરૂશલમના સ્થાનો હતા, જયાં ઇસ્માઇલી વંશોએ ચઢતી પડતીના રંગો અવલોકયા હતા. અને ઇસા. (અલૈ.), ઇસુ ખ્રિસ્તે સત્ય અને નેકીનો સંદેશ આપ્યો હતો.

સમુદ્રના સામા કિનારે મિસરની ભૂમિ હતી જયા યુસુફ (અલૈ.) અને મુસા (અલૈ.) એ માન્યતાને પ્રકાશ પ્રચુર કરી હતી. આ રીતે જ મકકા હતું. જયાં હઝરત ઇબ્રાહિમ અને હઝરત ઇસ્માઇલે તૌહિદના કેન્દ્રને મજબૂત કર્યું હતું. અને બંદગી તથા આજ્ઞાપાલનની ચિર સ્થાયી યાદગારો પ્રકાશતી મુકી હતી. આ એ સ્થળ હતું કે જયાંથી તૌહિદ (એકેશ્વર) અને ખુદા પરસ્તીનો અવાજ ગુંજતો કરવામાં આવે તો આગળ થઇ ગયેલા પયગમ્બરોએ મુકેલા ધુંધળા નિશાનોની યાદ સમગ્ર માનવજાતને આપી શકાય. અરબની ભૂમિમાં મળી શકતો શ્રેષ્ઠ સમાજ પણ ત્યાંજ હ્યુમન મટીરીયલ હતો.

આવા વિવિધ કારણોને લીધે સમગ્ર માનવજાતના મુકિતદાતા હઝરત મુહમ્મદ (સ.અ.વ.) સાહેબનો જન્મ એ વિસ્તારમાં થયો રબીઉલ અવ્વલની બારમી તારીખે સુબ્હા સાદિકે સુરજ ઉગ્યા પૂર્વે સોમવારે હઝરત આમિનાને ત્યાં પુત્રનો જન્મ થયો. નવજાત શીશુ અત્યંત સુંદર હતો. આમિનાએ પોતાના સસુરજી અબ્દુલ મુતલિબને સમાચાર કહેવડાવ્યા કે પૌત્રને આવીને જોઇ જાય.

અબ્દુલ મુતલિબ દોડતા આવ્યા, જોતા જ ખીલી ઉઠયા એક તો પુત્ર અને એ પણ અબ્દુલ્લાહનો, એથી તો રાજીના રેડ થઇ ગયા બાળકને ગોદમાં લીધો, છાત્રી સરસો ચાંપ્યો, કપાળે ચુંબન કયું હતુંે એને લઇ કા'બામાં ગયા, કાબાનો તવાફ કરી તવાફ (પ્રદદિક્ષા) કર્યા અને બાળકનું નામ મુહમ્મદ (સ.અ.વ.) રાખ્યું, મુહમ્મદ (સ.અ.વ.)નો અર્થ થાય છે. કે દરેક રીતે પ્રશંસનીય, જેને બધા પસંદ કરે એવો, ધા જેના વિશે સારૂ  બોલે તે વખતે કુરૈશીઓમાં મોટા ઘરની સ્ત્રીઓ પોતાના બાળકોને સ્તનપાન કરાવતી નહોતી. ગ્રામ્ય વિસ્તારોમાંથી દાયણોની ટોળકીઓ આવતી, એ બાળકોને પોતાને ત્યાં લઇ જતી એમને ધવડાવતી અને લાલન-પાલન કરતી જયારે બાળકો સહેજ મોટા થતા ત્યારે પાછા સોંપી જાતી અને બીજા બાળકો લઇ જતી, આના લીધે બાળકો ખુબ સ્વસ્થ રહેતા, શુદ્ધ અરબી ભાષા શીખતા દાયણોના આવવાની મોસમ નિશ્ચિત હતી. હલીમા નામની દાયક બાળકને પોતાની સાથે લઇ ગયેલ પાંચ વર્ષ સુધી લાલન પાલન કરી ફરીથી બાળકને એમની માને સોંપણી કરી.

હવે માની મમતા અને દાદાની દેખભાળ બંને હતા બંનેને હઝરત મુહમ્મદ સાહેબ (સ.અ.વ.) પર ખૂબ હેતુ હતું. હંમેશા એમને પોતાની નજર સામે જ રાખતા, દરેક બાબતે એમનું ધ્યાન રાખતા, આપની વય છ વર્ષની થઇ ત્યારે આપની અમ્મીજાનનું અવસાન થઇ ગયું.

આપના દાદા અબ્દુલ મતલિબ કુરેશીઓના સરદાર હતા પરંતુ અફસોસ કે અબ્દુલ મુતલિબ પણ વધુ વખત જીવતા રહ્યા નહી. આપની વય આઠ વર્ષની થઇ ત્યાં તો દાદાનું પણ અવસાન થઇ ગયું. દાદાના મૃત્યુનો આપના મનને ખુબ આઘાત લાગ્યો.

દાદાના અવસાન બાદ કાકા અબુતાલિબે આપ (સ.અ.વ.) ને પોતાની દેખરેખ હેઠળ લીધા. કાકાની છત્રછાયામાં ચાર વર્ષ વીતી ગયા. શરી વધતું ગયું, બુદ્ધિનું ફલક વિસ્તરતું ગયું અને સ્વભાવિક ગુણોનો વિકાસ થતો ગયો. એ દિવસોમાં જયારે આપ (સ.અ.વ.) ની વય બારેક વર્ષની થઇ એ જ વખતમાં અબુ તાલિબે સીરિયા તરફ એક વેપારી પ્રવાસ ગોઠવ્યો આપ (સ.અ.વ.) ને પણ સાથે લઇ ગયા. આ કાફલો વિવિધ વિસ્તારોમાંથી પસાર થયો અનેક શહેરોમાં રોકાણ કર્યું. છેવટે સિરિયાની ધરતી પર પગ મુકયો અને ત્યાંના એક પ્રખ્યાત નગર બસરામાં પડાવ નાખ્યો. ત્યાં બુહેરા નામે પાદરી હતો, તેના દેવળ પાસે જ એક મઝાનું સ્થાન હતું જયાં હંમેશની માફક કાફલાએ પડાવ નાખ્યો હતો. તે વખતે આ પાદરીએ પોતાને ઘેર સાથે જમવા બોલાવ્યા, ત્યારે હઝરત મુહમ્મદ સાહેબ (સ.અ.વ) ને જોતા જ આ પાદરીએ આગાહી કરી હતી કે આ ભવિષ્યમાં મહાન માણસ થશે.

નાનપણની અવસ્થાએ રમતગમત અને ખેલકુદ કરવાની ઉંમર ગણાય, પણ આપ (સ.અ.વ.) આવા ખેલ તમાશાથી દુર રહેતા હતા નકામી વાતો અને વ્યર્થ પ્રવૃતિઓમાં કોઇ રસ દાખવતા નહોતા. અમેને હંમેશ સત્યની શોધની જાણે લગની લાગી હતી કે કોઇ એવો અણસાર મળી જાય કે સત્ય સુધી પહોંચવાનો માર્ગ ચીંધી આપે.

આપ (સ.અ.વ) ખૂબ શરમાળ અને પવિત્ર મનના તથા ચારિત્રયવાન હતા. પોતાની સત્યપ્રિયતા માટે કોમમાં ખ્યાતનામ હતા. પ્રમાણીકતામાં તો અદ્વિતીય હતા. મકકાવાસીઓએ આપને 'અમીન'નો ખિતાબ આપ્યો હતો એમાં કોઇ નવાઇ પામવા જેવું નથી. આપને એ જ બિરૂદ શોભતું હતું.

આપે કિશોરાવસ્થામાં તીર-કામઠાનું કૌશલ્ય પ્રાપ્ત કયુંર્. યુવાવસ્થામાં યુદ્ધની કામગીરી પણ શીખી અને પ્રત્યક્ષ એમાં ભાગ લીધો જંગે કુજજારમાં પોતાના કાકાઓ સાથે ખભેખભા મિલાવી લડયા, આ લડાઇ કુરૈશીઓ અને હવાઝિન વચ્ચે થઇ હતી. અત્યંત ભયાનક અને વિનાશકારી એવી એ લડાઇ એક ઐતિહાસિક લડાઇ હતી. અરબસ્તાનની ભૂમિ પર કયારેય આવડી મોટી લડાઇ નહોતી થઇ વર્ષો સુધી ચાલી હતી. આપ (સ.અ.વ) એમાં સામેલ તો થયા પણ કોઇના પર હાથ ઉગામ્યો નહી.

આ લડાઇમાં આખાને આખા ખાનદાનો બરબાદ થઇ ગયા. કેટલીક સંવેદનશીલ વ્યકિતઓને આનું બહુ દુઃખ થયું એમણે સુલેહની વાત મુકી, છેવટે બંને પક્ષો વચ્ચે સંધીકરાર થયો આને 'હિલ ફુલ ફુઝુલ'ના નામે ખ્યાતિ મળી. આ સંઘી કરારમાં આપ પણ સામેલ થયા. એ વખત આપની વય સોળ વર્ષની હતી.

આ લડાઇથી પરવાર્યા બાદ આરબોનું જીવન એ જ જુની ઢબે વિતવા લાગ્યું એ જ ભોગવિલાસ અને આનંદ પ્રમોદની મહેફીલો જામવા લાગી. આ વિલાસિતાએ લજ્જા અને શરમની સઘળી હદો વટાવી દીધી અને બદમાશી તથા સંસ્કારિતા વચ્ચેની ભેદરેખા જ જાણે ભુસાઇ ગઇ જુગાર અને શરાબ જેવા અનિષ્ટોએ રોજ-બરોજની પ્રવૃતિઓ તરીકે સ્થાન લીધું પણ આપ (સ.અ.વ.) તો પહેલાની માફક જ ઘેટા, બકરા લઇ મેદાનો તરફ ચાલ્યા જતા એ જ મુકત વાતાવરણ હતું. આંખો એના દર્શનમાં મૃગ્ધ રહેતી અને આત્મા અગમનિગમના રહસ્યોનો તાગ મેળવવા અણદીઠી સૃષ્ટિઓમાં વિહરતો હતો. એમાં જ આપને મનની શાંતિ મળતી એકલા રહેવું સૃષ્ટિની સુવ્યવસ્થાનું  નિરિક્ષણ કરવું અને ધાંધલ-ધમાલથી અલિપ્ત રહેવું. આપને તો રણના મુકત વાતાવરણમાં જ લિજજત મળતી, એકાંતમાં આપના વિચારો કેળવાતા જતા હતા અને આપનું મન અનેહૃદય અલ્લાહના અલૌકિકપણાને ઝીલતું જતું હતું અને સૃષ્ટિના રહસ્યો પ્રગટ થતા જતા હતા. બીજી તરફ અબુ તાલિબ રોજીરોટી રળવાની ચિંતામાં રહેતા, જેથી એમનું તથા એમના ભત્રીજાનું ગુજરાન થઇ શકે તથા એમના સંતાનોનું ભરણ-પોષણ થઇ શકે, જેમની સંખ્યા પણ અલ્લાહની કૃપાથી ઓછી નહોતી.

એક દિવસ અબુ તાલિબ આપની પાસે આવ્યા અને કહ્યું 'ભત્રીજા તમે જાણો છો આપણી આર્થિક સ્થિતિ કંઇ બહુ સારી નથી, આપણી મુશ્કેલીઓ ખૂબ વધી ગઇ છે. હઝરત ખદીજા બીજાઓને પોતાનો માલ-સામાન આપી વેપાર કરે છે, તમારી મરજી હોય તો હું તમારી પણ ભલામણ કરું છું. ...'' એ વખતે આપની ઉમર ર૩ કે ર૪ વર્ષની હતી આપે કહયું 'કાકા'  આપ જે કહેશો એ માથે ચઢાવીશ.

હઝરત ખદીજા ઉચ્ચ કુળના મહિલા હતાં. એમની પાંચમી પેઢી કુસ્સા સાથે મળતી હતી. એમના લગ્નો બની મખઝૂમના બે ધનવાનો સાથે એક પછી એક થયા પણ એ બંને પતિઓ મોટી સંપતિ મુકી જગત છોડી ગયા પાછળથી કેટલાય કુરૈશી ધનવાનોએ એમના હાથની માગણી કરી પણ બધાને ના પાડી દેવામાં આવી. હવે એ એકલા જ રહેતા હતાં. પોતાનું ધન વેપારમાં રોકતા, ખૂબ નફો કમાતા અને આરામથી રહેતા હતાં. અબુ તાલિબ એમને ત્યાં પહોંચ્યા, ત્યારે પણ તે કોઇ માણસની શોધમાં જ હતાં. અબુ તાલિબે પુછયું: 'ખદીજા, મુહમ્મદ (સ.અ.વ.) મારફત વેપાર કરવાનું પસંદ કરશો?' ખદીજાએ કહયું 'આપ કો  અણગમતા વ્યકિત વિશે ભલામણ કરતા તો પણ હું ના પાડતી નથી, આ તો આપણા જ માણસ છે અને એ પણ 'અમીન' છે.'

અબુ તાલિબ ઘરે પાછા ફર્યા 'મુહમ્મદ (સ.અ.વ.) લો, ભાઇ તમારી રોજી રોટીની વ્યવસ્થાતો અલ્લાહે સરસ રીતે કરી આપી.'

આ રીતે સીરિયા તથા તેની આસપાસના વિસ્તારોમાં વેપારી કાફલા સાથે જવા લાગ્યા, તેઓની સાથે હઝરત ખદીજાનો ગુલામ પસાર પણ આવવા લાગ્યો તે પાછળથી હઝરત ખદીજાને વેપાર કઇ રીતે કર્યો અને એમાં કેવા પ્રકારની પ્રમાણિકતા અને સૌમ્યતા દાખવી, માલ સામાનની કેટલી કાળજી તથા સંભાળ રાખી, પાદરી નસ્તુરનો પ્રસંગ કહયો, જેણે આગાહી કરી કે આ નબી થવાના છે આ બધી વાતો સાંભળી હઝરત ખદીજા આશ્ચયમાં ડૂબી ગયા....!!  હવે હઝરત ખદીજા આપને વિસરી જાય એ અશકય હતું આપ (સ.અ.વ.) ને માટે એના મનમાં પ્રેમ જાગ્યો અને સાથે  જ એ ઝંખના પણ કે આ 'અમીન' અને સ્વસ્થ યુવાનને પોતાનો જીવનસાથી બનાવી લે. એમની એ ઇચ્છા એટલી તીવ્ર બની શકે તેઓએ ભેદને છૂપાવી ના શકયા અને એની જાણ પોતાની નિકટની સ્ત્રીઓને પણ થઇ ગઇ. એમાં એક નફીસા નામે સ્ત્રીએ તો પ્રથમ ખદીજા સાથે તથા તે બાદ મુહમ્મદ (સ.અ.વ.) સાથે રૂબરૂ મળી પોતાની વાત કરી. આથી (સ.અ.વ.) પોતાના કાકા અબુ તાલિબને તમામ માહિતી આપી. આથી કાકાને ભારે નવાઇ લાગી ! અબુ તાલિબ પોતાના ભાઇઓને લઇ ખદીજાના કાકા અમરવ બીન અસદ પાસે પહોંચ્યા, એમના ભાઇ અમર બીન ખુદયલિદને પણ મળ્યા આપ (સ.અ.વ.)ના તરફથી ખદીજા સાથે લગ્નનો પ્રસ્તાવ મુકયો બંને ભાઇઓએ એ જ ઘડીએ હા પાડી દીધી હતી. આથી લગ્નનો દિવસ પણ ઝડપભેર નકકી થઇ ગયો. અબુ તાલિબે નિકાહનો ખુત્બો આપ્યો તે વખતે આપની ઉમર પચ્ચીસ વર્ષ અને ખદીજાની ઉમર ચાલીસ વર્ષ હતી.

ખદીજા સાથેનું આપ (સ.અ.વ.) નું જીવન અત્યંત સુખમય અને આનંદમય હતું એમનો સાથ આપ (સ.અ.વ.) ના માટે પરમ શાંતિ અને સુખાકારી સમાન હતો. તે અત્યંત બુધ્ધિશાળી, સમજુ અને અનુભવી સ્ત્રી હતાં. એમણે આપ (સ.અ.વ.)ના સ્વભાવને તથા આપના ગમા-અણગમાને બરાબર ઓળખી લીધા અને હંમેશ એ વાતોનું બરાબર ધ્યાન રાખ્યું એમણે હઝરત મુહમ્મદ (સ.અ.વ.) ની લાગણીઓ, મનોવલણો, તથા મહત્વકાંક્ષાઓ અને રસના વિષયોને સારી પેઠે સમજી લીધા અને એ સંબંધે એમણે પુરેપુરો સહકાર આપ્યો અને આપ (સ.અ.વ.) ની સુખસગવડો સાચવવા કટિબધ્ધ રહ્યાં.

આપ (સ.અ.વ.)ના મનોવલણો કયાં હતાં, હંમેશા સાચુ બોલવું, દરેક કાર્યને પ્રમાણીક પણે પાર પાડવું. ઘોંઘાટ ભર્યા સમારંભોથી દૂર રહેવું અને એકાંતવાસમાં ચિંતન મનન કરવું. ખદીજાએ આ બધી વાતોની ખાસ કાળજી રાખી એટલે આપ (સ.અ.વ.)ના નિત્યક્રમમાં કોઇ દખલગીરી થઇ નહીં. વધુ મોકળાશર્યા વાતાવરણમાં પહોંચી જતાં હવે ઘેટા-બકરાની દેખરેખ રાખવાની નહોતી, એટલે વધુ એકાગ્રતા અને શાંતિ મળતી, મનફાવે ત્યાં સુધી આપ પ્રકૃતિનાં દ્રશ્યો પર મનન કરતા, અલ્લાહની નિશાનીઓ પર ચિંતન કરતા અને સત્યને ઓળખવાનો પ્રયત્ન કરતાં.

મકકાથી છ માઇલના અંતરે હિરા નામનો પર્વત છે, તેમાં એક ગુફા છે, 'ગારે હિરા' ના નામે ઓળખાય છે. હઝરત મુહમ્મદ (સ.અ.વ.) એ જ ગુફામાં ચાલ્યા જતાં કેટકેટલી રાત્રીઓ અને દિવસો સુધી ત્યાં જ રોકાતા. જે વાસ્તવિકતા માટે આપ (સ.અ.વ.), બેચેન હતાં, એની શોધ કરી રહ્યા હતા જે જાતની આપ (સ.અ.વ.) ને તલાશ હતી, એના વિશે આપ (સ.અ.વ.) મનોમંથન ચલાવી રહ્યા હતાં. આપણે જે જગતમાં રહીએ છીએ એની વાસ્તવીકતા શી છે ? આ એક પ્રશ્ન એમની સમક્ષ હતો જેનો ઉતર મેળવવા આપ (સ.અ.વ.) ખુબ બેચેન હતાં.

આપ (સ.અ.વ.) ચાલીસમી વર્ષ ગાંઠ નજીક આવી પહોંચી. હવે આપ (સ.અ.વ.) ની ઉપર એ વાસ્તવિકતા પ્રગટ થવા લાગી, જેની ઝંખનામાં આપ (સ.અ.વ.) જીવી રહ્યા હતાં. જેની વર્ષોથી શોધ કરી રહ્ય હતા અને જેના માટે વ્યાકુળ હતાં, વર્ષોની ઇબાદત અને તપના લીધે આપની રૂહ (આત્મા) માં પ્રકાશ ફેલાયો આપ (સ.અ.વ.)નું દિલ અરિસાની જેમ સ્વચ્છ થઇ ગયું. અંતરાત્મા ઝળહળી ઉઠયો અને આપ વહી વારંવાર આવવા લાગી, જેના લીધે કુઆર્ન શરીફનું અવતરણ થયુ જેને લીધે દુનિયાનો ઇતિહાસ બદલાઇ ગયો.

હઝરત મુહમ્મદ સાહેબ (સ.અ.વ.) એવા સમયમાં જન્મ્યા જયારે સઘળી માનવતા ગાઢ તિમીરમાં ડુબેલી હતી. કયાંક જંગલીયત  હતી. આપ (સ.અ.વ.)ની અસલ સિધ્ધી એ છે કે આપના ઇસ્લામના આમંત્રણે માનવની   સમસ્ત જીવન સરણીને ભીતરથી પલ્ટાવી દીધી અને એક માત્ર અલ્લાહનો રંગ મસ્જીદથી લઇ બજારો સુધી, શિક્ષણ ગૃહોથી લઇ ન્યાયાલયો સુધી, ઘરો-શેરીઓથી લઇ યુધ્ધના મેદાનો સુધી પથરાઇ ગયો. એ સમસ્ત અલ્લાહના રંગે રંગાઇ ગયા, વિચારસણી પલટાઇ ગઇ, ચિંતનની દિશા ફરી ગઇ, દ્રષ્ટિબિંદુ ફરી ગયું. રીતભાત અને ટેવો - આદતો પરિવર્તિત થઇ ગયા, રસ્મો અને પ્રણાલિકાઓમાં પરિવર્તન આવી ગયું. હકકો અને ફરજોની વહેચણી બદલાઇ ગઇ, સારા નરસાના ધોરણો અને હલાલ - હરામના માપદંડ બદલાઇ ગયા. નૈતિમ મુલ્યો અને કાયદા કાનૂનો બદલાઇ ગયા.

યુધ્ધ અને સુલેહની શૈલીઓ પલટાઇ ગઇ,  અર્થવ્યવસ્થા અને સ્ત્રી-પુરૂષ સંબંધોની કાયા પલટ થઇ ગઇ. આ જ રીતે સમાજ સંસ્કૃતિના દરેક ક્ષેત્રે અને સંસ્થાઓની કાયા પલટ થઇ ગઇ. એ સંપૂર્ણ પરિવર્તન જેવું વર્તુળ સમસ્તને આરી લેતું બની રહ્યું. એક છેડાથી બીજા છેડા સુધી ભલાઇ વિના કેઇ જ દેખાતું નથી. કોઇ ખુણે ખાંચરે પણ ખરાબી નથી, કોઇ જગ્યાએ પણ બુરાઇ નથી, કયાંય કોઇ બગાડ નથી. દરેક બાજુએ જ સુધાર... સર્જન જ સર્જન અને પ્રગતિ છે. વાસ્તવમાં હઝરત મહમ્મદ પગમ્બર સાહેબના હાથે માનવ જીવનને નવજીવન પ્રાપ્ત થયું. આપ (સ.અ.વ.) એ સત્ય વ્યવસ્થાની પ્રકાશિત ઉષા દ્વારા સંસ્કૃતિના ઉગમ સ્થાનને ચેતનવંતુ બનાવી આંતર રાષ્ટ્રીય ઇતિહાસ યુગનું ઉદઘાટન કર્યુ. આ એટલું મહાન કાર્ય છે કે એનું ઉદાહરણ કોઇ અન્ય સ્થળે જડતું નથી.

લેખન

અબ્દુલ કાદર કાસમભાઇ મેતર

જામનગર

(12:45 pm IST)