સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th October 2020

પત્નીને દુબઈ મૂકી આવનારા પતિની સામે પોલીસ ફરિયાદ

છોકરીઓને વિદેશ મોકલનારાઓ સાવચેત : રાજકોટની યુવતી દુબઈ એમ્બેસીની મદદથી વતન પાછી પહોંચી, પતિ અને સાસરિયાઓની સામે ફરિયાદ નોંધાવી

તલાલા, તા. ૨૮ : પિતાની તબિયત થોડી ખરાબ છે અને કોરોના વાઈરસના લીધે હું મારા પિતાની ખબર અંતર કાઢી આવું અને જરૂર પડશે તો તને તેડાવીશ નહીં તો ત્રણ-ચાર દિવસમાં પાછો આવી જઈશ તેમ કહી રાજકોટની યુવતીને પતિ દુબઈ મુકી યુવતીના વિઝા, મેડિકલ કેન્સલ કરાવી ફોન બંધ કરી પતિ તેના વતન તલાલા ચાલ્યો જતા યુવતી એમ્બેસીની મદદ માંગી રાજકોટ આવી દહેજ અને પૈસાની માંગણી કરનાર પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ કરતા મહિલા પોલીસે ગીર સોમનાથના તલાલા ગીરની પરિણીતાની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટના જામનગર રોડ પર નાગેશ્વરના માવતના ઘરે રહેતી મુળ તાલાલાની બિજલબેન પુનિતકુમાર કાનાબાર (ઉ.વ.૩૦) નામની પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી તરીકે પતિ પુનિતકુમાર સુરેશ કાનાબાર, સસરા સુરેશ ધનજી, સાસુ દક્ષા, જેઠ રવિ, જેઠાણી ઉર્ષીના નામો આપ્યા હતા.

ફરિયાદમાં જણાવ્યું હતું કે, બી.કોમ. સી.એ.ના અભ્યાસ બાદ તને લગ્ન છ વર્ષ પહેલા પ્રાઈવેટ નોકરી કરતો અને તાલાલા રહેતો પુનિત કાનાબાર સાથે થયા હતા. લગ્ન બાદ સાસુ, સસરા, જેઠ, જેઠાણી વધુ દહેજ માટે પૈસાની માંગણી કરી ત્રાસ આપતા હતા અને કામવાળી આવી ગઈ છે તેમ કહી મેણા મારતા હતા. તેમજ પતિને દુબઈ કમાવવા જવું હોય જેથી માવતરેથી પૈસા લઈ આવવા માટે દબાણ કરી મારકૂટ કરતી હતી.

દરમિયાન પતિ પુનિત સાથે બરોડા રહેવા ચાલ્યા ગયા હતા જ્યાં ફોન કરી સસરા સહિતના સાસરિયાઓ ચડામણી કરતા હોય પતિ ઝઘડો કરતો અને પૈસા લઈ આવવાનું કહી મારકૂટ કરતા ત્યારબાદ સાસરિયાઓ રોકાવા માટે આવ્યા ત્યારે પૈસા બાબતે મારકૂટ કરતા હતા.

ત્યારબાદ ૨૦૧૭ના રોજ પતિ દુબઈ નોકરી માટે ગયો હતો અને એક માસ બાદ તેને પણ બોલાવી લીધી હતી. છ માસ બાદ બન્ને તાલાલા આંટો મારવા ગયા ત્યારે પતિ સહિતના સાસરિયાઓએ ઝઘડો કરી મારકૂટ કરી હતી અને ફરી બન્ને દુબઈ ગયા હતા. ત્યાં પતિ પૈસાની માંગણી કરતા હોય મેં ના પાડતા મારા પિતાની તબિયત થોડી ખરાબ હોય અને કોરોના વાયરસના લીધે હું મારા પિતાની ખબર અંતર કાઢી આવું અને જરૂર પડશે તો તને તેડાવીશ નહીં તો ત્રણ-ચાર દિવસમાં પાછો આવી જઈશ તેમ કહી ગયા બાદ પુનિતે પત્ની બિજલબેનના પિતાને ફોન કરી કહેલ કે મને ઓફિસમાંથી ડિસમીસ કરી દીધેલ છે તો તમે તમારી પુત્રીને તમારા ખર્ચે ભારત પાછી તેડાવી લેજો જેથી પિતાએ પુત્રીને જાણ કરતા પતિની ઓફિસમાં તપાસ કરી હતી. જેમાં પતિએ છેલ્લા એક માસથી રાજીનામું આપી દીધું હોવાની જાણ થઈ હતી. બિજલબેને તપાસ કરતાં તેનુ વિઝા તથા મેડિકલ કાર્ડ પણ પતિએ કેન્સલ કરાવી દીધું હોય એમ્બેસીમાં મદદ માંગી ત્યાંની વંદે ભારત મિશનની ફ્લાઈટમાં ભારત આવી પિતાના ઘરે રાજકોટ આવી પતિને ફોન કર્યો હતો. પરંતુ નંબર બ્લોક કરી દીધા હોય કોન્ટેક્ટ નહીં થતાં ફરિયાદ કરી હતી.

(9:12 pm IST)