સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 29th January 2022

લીંબડીના લક્ષ્મીસર ગામની પાણીની ટાંકી પાસેથી બે આરોપીઓ ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપાયા

દાદા અને નાનાએ બંદુક આપી હોવાની અને સીમમાં રોઝ અને ભુંડ ભગાડવા રાખતા હોવાની પોલીસ સમક્ષ કબુલાત

વઢવાણ,તા. ૨૯ : લીંબડી તાલુકાના લક્ષ્મીસર ગામની પાણીની ટાંકી પાસે ઉભેલા બે શખ્‍સો પાસે ગેરકાયદેસર હથીયાર હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે રેડ કરી હતી.જેમાં લક્ષ્મીસર અને જાંબુના શખ્‍સને રૂપીયા ૪ હજારની કિંમતના ૨ ગેરકાયદેસર હથીયાર સાથે પકડી લેવાયા હતા. આ શખ્‍સોના દાદા અને નાનાએ બંદુક આપી હોવાની અને સીમમાં રોઝ અને ભુંડ ભગાડવા તેઓ રાખતા હોવાની પોલીસ સમક્ષ કબુલાત કરી હતી. બન્ને સામે ગુનો નોંધી વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.
સુરેન્‍દ્રનગર જિલ્લામાં ખાનગી ફાયરીંગના બનાવો વધતા જિલ્લા પોલીસ વડાએ ગેરકાયદેસર રીતે હથિયારો રાખતા શખ્‍સોને ઝડપી લેવા કડક સુચના આપી છે. આ દરમીયાન એલસીબી પીઆઇ એમ.ડી.ચૌધરીની સુચનાથી લીંબડી તાલુકાના પાણશીણા પોલીસ મથક વિસ્‍તારમાં પેટ્રોલીંગ કરી રહેલી એલસીબી ટીમના પીએસઆઈ વી.આર.જાડેજા, જે.જે. પરમાર, હીતેશ જોગરાણા, ઋતુરાજસીંહ સહીતનાઓને લક્ષ્મીસર ગામની પાણીની ટાંકી પાસે હાજર બે શખ્‍સો પાસે ગેરકાયદેસર હથીયાર હોવાની બાતમી મળી હતી. આથી પોલીસે દરોડો કર્યો હતો. જેમાં સૌ પ્રથમ ઝડપાયેલા લક્ષ્મીસરના ઈમરાન રહેમાન મોરી પાસેથી રૂપિયા ૨ હજારની કિંમતની દેશી હાથ બનાવટની સીંગલ બેરલ મઝરલોડ બંદુક મળી આવી હતી.
આ બંદુક તેણે તેના દાદા બાબુભાઈ જુમાભાઈ ડફેરે ત્રણ વર્ષ પહેલા અવસાન પામતા પહેલા આપી હોવાનું જણાવ્‍યુ હતુ. જયારે બીજા શખ્‍સ લીંબડી તાલુકાના જ જાંબુ ગામના આચાર હાજીભાઈ મોરી પાસેથી પણ રૂપીયા ર હજારની કિંમતની દેશી હાથ બનાવટની સીંગલ બેરલ મઝરલોડ બંદુક મળી આવી હતી. આ હથીયાર આચારને તેના નાના બાબુભાઈ જુમાભાઈ ડફેરે અવસાન પામતા આપી હોવાની કબુલાત કરી હતી.
આ હથીયારનો ઉપયોગ બન્ને મામા-ફઈના દીકરા ભાઈઓ સીમમાં રોઝ અને ભુંડ ભગાડવા કરતા હોવાનું પણ પોલીસને જણાવ્‍યુ હતુ. બન્ને શખ્‍સો સામે પાણશીણા પોલીસ મથકે આર્મસ એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પાણશીણા પીએસઆઈ આર.જે.જાડેજા ચલાવી રહ્યા છે.

 

(10:52 am IST)