સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 29th January 2022

મોરબી રોડ ઉપરની કરોડોની જમીનના લેન્‍ડ ગ્રેબીંગના ગુનામાં આગોતરા જામીન મંજુર

રાજકોટ,તા.૨૯: શહેરમાં પારકી જમીન પચાવી પાડી બાંધકામ કરી લેવાના કિસ્‍સાઓ પૈકી મોરબી રોડ પર રેલ્‍વે પુલ પાસે આવેલી ખાનગી માલીકીની જમીનમાં પેશકદમી કરતા નોંધાયેલ લેન્‍ડ ગ્રેબીંગની ફરીયાદના કામે મુખ્‍ય સુત્રધારના આગોતરા જામીન સ્‍પેશ્‍યલ અદાલત દ્વારા મંજુર કરવામાં આવેલ છે.
આ કેસની હકીકત એવી છે કે, રાજકોટના જુના માર્કેટીંગ યાર્ડમાં રાધેક્રિષ્‍ના એન્‍ટરપ્રાઈઝ નામની પેઢી ધરાવતા પ્રવિણભાઈ પટેલે રાજકોટ બી-ડીવીઝન પોલીસ સ્‍ટેશનમાં પોતાની ફરીયાદમાં જણાવેલ કે તેમની પેઢી દ્વારા જુલાઈ-ર૦૧૯ માં લક્ષ્મણભાઈ જીવરાજભાઈ તળાવીયા પાસેથી રાજકોટના રેવન્‍યુ સર્વે નં. પ૩/ર પૈકી ૧ પૈકી ર ની કુલ ૯ર૦૬ ચો.મી. જમીનમાંથી રહેણાંક હેતુ માટે બીનખેતી થયેલી ૬૬ર૦ ચો.મી. જમીન જે રાધેક્રિષ્‍ન રેસીડેન્‍સી નામથી ઓળખાય છે તે જમીનના પ્‍લોટ નં. ૧૧ થી ૬૮ ની ૩૬૭૮-૯૦ ચો.મી. જમીન રૂપીયા સવા ત્રણ કરોડમાં રજીસ્‍ટર્ડ વેંચાણ દસ્‍તાવેજથી ખરીદ કરેલ હતી. જે જમીન ઉપર જતા ફરીયાદી તથા તેના ભાગીદારોને ત્‍યાં અલગ અલગ ઓરડીઓ અને મકાનો ચણાય ગયેલ જણાતાં ઓરડી મકાન બાબતના દસ્‍તાવેજ માંગતા આરોપીઓ એકદમ ઉશ્‍કેરાઈ ગયેલ અને તેઓ પ્‍લોટ ખાલી નહી કરે અને હવે જમીનમાં પગ મુકતા નહી તેવી ધમકી આપતા ફરીયાદી તથા તેના સાથીદારો ગભરાઈને જતા રહેલ ત્‍યારબાદ લેન્‍ડ ગ્રેબીંગનો કાયદો અમલમાં આવતા ફરીયાદીએ હિમત ભેગી કરી જમીન પચાવી પાડનાર ભુમાફીયા (૧) વિનોદ જીવણભાઈ ટોળીયા (ર) હિતેશ જીવણભાઈ ટોળીયા (૩) સામંત જીવણ સિંધવ (૪) નાગજી જીવણ સિંધવ તથા તેના સાગરીતો વિરૂઘ્‍ધ કલેકટરશ્રીને અરજી આપેલ હતી જે અરજી સાથે રજુ થયેલ કાગળો કલેકટરની કમીટી દ્વારા નેકલક્ષ લઈ ગુન્‍હો બનતો હોવાનું જણાવી પોલીસ સ્‍ટેશનમાં ગુન્‍હો દાખલ કરવા અભિપ્રાય આપતા ફરીયાદીએ પોતાની ફરીયાદ બી-ડીવીઝન પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ.
 એફ.આઈ.આર. દાખલ થતાં પોલીસ દ્વારા આરોપી તરીકે દર્શાવાયેલ હિતેશ જીવણભાઈ ટોળીયાએ તેમના એડવોકેટ તુષાર ગોકાણી મારફતે રાજકોટની સ્‍પેશ્‍યલ અદાલતમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી.
કોર્ટે બન્‍ને પક્ષકારોની દલીલોના અંતે અરજદાર તરફે થયેલ દલીલો ગ્રાહય રાખી મુખ્‍ય સુત્રધાર આરોપીના આગોતરા જામીન મંજુર કરતો હુકમ કરેલ હતો.
આ કામમાં આરોપી તરફે જાણીતા એડવોકેટ તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્‍ણવ, ઈશાન ભટ્ટ, વિરમ ધ્રાંગીયા રોકાયેલ હતા.

 

(10:50 am IST)