સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 29th January 2022

વ્‍હાલસોયા પૌત્રના લગ્નની જીજીવીસાએ જીવતીમાને જીવતા રાખ્‍યા

ચોરીના ચાર ફેરા પૂર્ણ થયાનો વિડીયો જોઇ જીવતીમા એ અનંતની વાટ પકડી : સુપેડીનો અજીબોગરીબ કિસ્‍સો

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૨૯ : માનવી જો ધારે તો તેની જીજીવીસા દ્વારા મોતને પણ થોભાવી દે છે.
ધોરાજીનાᅠ સુપેડી રહેતા ૯૦ વર્ષના જીવતીમા એ પોતાના લાડકવાયા પૌત્રના લગ્ન નિહાળવાના અભરખા સાથે આંગણે આવેલા મોતને થોડી કલાકો થોભાવી લગ્ન વિધી સંપન્ન થતા જ અનંતની વાટ પકડતા પરીવારમા ‘કભી ખુશી કભી ગમ'નો માહોલ સર્જાયો હતો.
અજીબોગરીબ ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ સુપેડી રહેતા નિવૃત શિક્ષક ભીખુભાઇ મકવાણાના કેમીકલ એન્‍જીનીયર પુત્ર પાર્થના લગ્ન ઉના રહેતા રસિકભાઈ કામલીયાની પુત્રી સાથે નિર્ધાર્યા હતા.
ભીખુભાઇના વૃધ્‍ધ માતા જીવતીમા છેલ્લા થોડા સમયથી બિમાર અવસ્‍થામા હતા. પણ લાડથી ઉછેરેલા પૌત્ર પાર્થના લગ્ન જોવાની જીવતીમાને તિવ્ર જીજીવીસા હતી.પોતે જીવતા જીવ પૌત્રના લગ્નનો લ્‍હાવોᅠ ઇચ્‍છતા હતા. પરીવારે પણ જીવતીમાની લાગણી અને નાંદુરસ્‍ત પરિસ્‍થિતિ જોઈ પાર્થના ઘડીયા લગ્ન લીધા હતા.
એક બાજુ જીવતીમા અને મૃત્‍યુ વચ્‍ચેનુ અંતર ટુંકુ હતુ.બીજી બાજુ જીવતીમાની હાજરી વચ્‍ચે ગત તા.૨૨ ના રાત્રે પીઠી, દાંડીયાની વિધી રંગેચંગે પુરી કરી પાર્થની જાન રાત્રીના એક વાગ્‍યે ઉના જવા રવાના થઈ. સવારે સાડા છ કલાકે જાન સુપેડી પહોંચી અને સાડા અગીયારે લગ્નના ફેરા શરૂ થયા.
જીવતીમા બિમારી અને અવસ્‍થાની અશક્‍તિથી જાનમા જઇ શક્‍યા ન હતા. પણ પૌત્રના લગ્નને જાણે મનભરી માણવા હોય તેમ સુપેડી ઘરે બેઠા વિડીયો કોલથી હરખાતા હૈયે લગ્નને માણ્‍યા હતા. લગ્ન સંપન્ન કરી ઉનાથી જાન સાંજે ચાર કલાકે સુપેડી જવા રવાના થઈ.
ᅠ પૌત્રના લગ્નને મનભરી માણ્‍યા બાદ જાન સુપેડી પહોચે તે પહેલા જ જાણે મન ની મનોકામના પુરી થયા ના આત્‍મ સંતોષ સાથે જીવતીમા એ સાંજે સાડાચારે અનંતની વાટ પકડી હતી. પરમાત્‍મામા વિલીન થયેલા તેમના દેહ પર જાણે સંતોષનુ સ્‍મિત ચમકતું હતુ.
ભીખુભાઇના પત્‍નિનો વર્ષ ૨૦૦૦મા દેહાંત થયા બાદ ભીખુભાઇ તથા દાદી જીવતીમા એ પાર્થ સહીત નાના ભાઇ ધ્રુવનો વ્‍હાલભર્યો ઉછેર કર્યો હતો. જીવતીમા અને ભીખુભાઇ એ જીવનમા ઘણો સંઘર્ષ કરી બન્ને બાળકોને શિક્ષણ અને સંસ્‍કારનુ સિંચન કર્યુ હતુ.
જીવતીમાની અંતિમયાત્રામા ભીખુભાઇની ત્રણ બહેનો તથા નવ પરણિત પુત્રવધુ એ કાંધ આપી જીવતીમાનાં વાત્‍સલ્‍ય અને મોતને થોભાવનારી જીજીવિષા ને ખરાઅર્થમા શ્રધ્‍ધા સુમન અર્પણ કર્યા હતા.

 

(10:24 am IST)