સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th November 2022

ભાજપના સંકલ્‍પ પત્રમાં પ્રજા હિત સાથે પ્રજાના સૂચનોનો પડઘોઃ સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી વિનોદ ચાવડા

‘અગ્રેસર ગુજરાત' પ્રદેશ ઉપપ્રમુખ મહેન્‍દ્ર પટેલ, જિલ્લા પ્રમુખ, મહામંત્રી, મીડિયા ઈન્‍ચાર્જની હાજરીમાં સંકલ્‍પ પત્રની ઘોષણા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૮: પ્રદેશ ભાજપ દ્વારા કમલમ સહિત રાજયના ૭ સ્‍થળોએથી પત્રકાર પરિષદ યોજીને વિધાનસભા ચુંટણીનો ઢંઢેરો જાહેર કરવામાં આવ્‍યો છે. તે પૈકી સરહદી જિલ્લા કચ્‍છમાં ભુજ મધ્‍યે સંકલ્‍પ પત્ર ‘અગ્રેસર ગુજરાત' ને સૌરાષ્ટ્ર કચ્‍છ ઝોન પ્રભારી, પ્રદેશ મહામંત્રી અને સાંસદ વિનોદ ચાવડા દ્વારા ઘોષણા કરાઈ હતી. ભુજમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પત્રકારોને સંબોધતાં ઝોન પ્રભારી, પ્રદેશ મહામંત્રી, સાંસદ વિનોદ ચાવડાએ કહ્યું કે, પક્ષ દ્વારા જાહેર કરાયેલ ‘અગ્રેસર ગુજરાત' ના ભાજપના આ સંકલ્‍પ પત્રમાં પ્રજામાંથી આવેલા સૂચનો ધ્‍યાને લેવાયા છે. ગુજરાતની પ્રજા ઈચ્‍છે છે એવા મુદાઓનેᅠ પ્રાથમિકતા આપીને પુરા કરવાનું વચન અપાયું છે. પ્રજાના મુદ્દાઓને અગ્રતા આપીને સંકલ્‍પ પત્રમાં સમાવાયા છે, આમ આ સંક્‍લ્‍પ પત્રમાં પ્રજાની લાગણીના પડઘાને ઝીલવામાં આવ્‍યો છે. શ્રી ચાવડાએ વધુમાં જણાવ્‍યું હતું કે, યુવાવર્ગ, મહિલાઓ, આરોગ્‍ય, ખેતી, આદિજાતિ, સમરસ વિકાસ, સાંસ્‍કૃતિક ધરોહર, આર્થિક વિકાસ અને માળખાકીય સુવિધાના વિકાસને સંકલ્‍પ પત્રમાં સમાવી લેવાયા છે. ભાજપ દ્વારા પોતાના ચુંટણીના ઢંઢેરા સંકલ્‍પ પત્ર માટે પ્રજાજનો પાસેથી અલગ અલગ જગ્‍યાએ બોક્‍સ મૂકીને, વોટસએપ સહિતના સોશિયલ મીડિયાના માધ્‍યમથી સૂચનો મંગાવવામાં આવ્‍યા હતા. શ્રી ચાવડાએ કચ્‍છની તમામ છ બેઠક ઉપર કમળ ખીલશે તેવો વિશ્વાસ દેખાડ્‍યો હતો. આ સંકલ્‍પ પત્રમાં કચ્‍છની વોટર ગ્રીડ ઉપર વધુ ધ્‍યાન આપવાની સાથે આયુષ્‍માન ભારત યોજનામાં નિઃશુલ્‍ક તબીબી સારવારમાં વાર્ષિક આવકમર્યાદા ૧૦ લાખ કરવાનું વચન અપાયું છે. પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ મહેન્‍દ્ર પટેલે પત્રમાં જે વચનો અપાયાં છે તેને પૂર્ણ કરવા રાજયના અંદાજપત્રમાં પુરતા ભંડોળની જોગવાઈ રાખવામાં આવશે એવું જણાવ્‍યું હતું. પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપના કાર્યકારી પ્રમુખ વલમજી હુંબલ, મહામંત્રી શીતલ શાહ, મીડિયા ઈન્‍ચાર્જમા સાત્ત્વિકદાન ગઢવી, સહ ઈન્‍ચાર્જ અનવર નોડે ઉપસ્‍થિત રહ્યા હતા.

(12:24 pm IST)