સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 28th November 2020

પ્રતિકાત્મક પરિક્રમા પરંપરા જાળવવા સાથે પર્યાવરણીય પહેલ પ્રતિકાત્મક પરિક્રમાની ઇતિહાસમાં નોંધ લેવાશે

પરિક્રમા પથની ચોપાસનો વિસ્તાર ઔષધીય છોડ-વૃક્ષોનો ભંડાર : પૌરાણીક પરિક્રમા અને પરંપરાગતની પરિક્રમા

 જૂનાગઢ,તા.૨૮ : દેવ ઉઠી અગિયારસ અર્થાત દરવર્ષે કારતક સુદ અગિયારસથી દેવદિવાળી પુનમ સુધી યોજાતી પરંપરાગત પરિક્રમામાં એક અંદાજ સુધી ૧૦ થી ૧૨ લાખ શ્રધ્ધાળુઓ પૂણ્યનું ભાથુ બાંધે છે. ૧૮૨ ચોરસ કી.મી.માં વિસ્તરેલા ગિરનાર પર્વત ફરતે યોજાતી પરિક્રમા એક માન્યતા મુજબ ભગવાન શ્રી કૃષ્ણએ પર્વતને ઇશ્વરનું સ્વરૂપ માની તેની પ્રદક્ષીણા કરી પરિક્રમાની શરૂઆત કરી તેમ કહેવાય છે. વર્તમાનમાં ગિરનાર ફરતે યોજાતી પરિક્રમાં જૂનાગઢ પાસેના બગડુ ગામના અજા ભગતે ૧૩૮ વર્ષ પહેલા શરૂ કરી હોવાનું માનવામાં આવે છે.

ગ્રામ્ય વિસ્તારના લોકો ગિરનારની પરિક્રમાને લીલી પરકમ્મા કહે છે. પરિક્રમાના સમય દરમિયાન ભવનાથમાં માનવ મહેરામણ ઉપડી પડે છે. જંગલમાં ઠેર-ઠેર અન્નક્ષેત્રો ધમધમવા સાથે ભજન, ભકિતનો સંગમ જામે છે. પરંતુ કોવિડ-૧૯ના લીધે પરિક્રમા બંધ રાખવાનો નિર્ણય થતા સૌ ભકતો-શ્રધ્ધાળુઓએ આ નિર્ણયને શિરોમાન્ય ગણી પરંપરા જાળવવા પ્રતિકાત્મક પરિક્રમાનો વિકલ્પ સ્વીકાર્યો.

જ્ઞાતિ સમાજ ઉતારા મંડળ દ્વારા જિલ્લા વહીવટી તંત્રને રજૂઆત કરાતા ૨૫ વ્યકિતઓની મંજુરી સાથે તા.૨૫-૧૧-૨૦ના રાત્રે ૧૨ કલાકે ભવનાથ ખાતે ઇન્દ્રભારતીબાપુના ગેઇટ પાસે પુજન વિધી બાદ પ્રતિકાત્મક પરિક્રમાનો વિધિવત પ્રારંભ થયો. પરંતુ દર વર્ષે ૧૦ થી ૧૨ લાખ શ્રધ્ધાળુઓના જય ગિરનારીના નાદ સાથે યોજાતી આ પ્રતિકાત્મક પરિક્રમાની ઇતિહાસમાં હંમેશા નોંધ લેવાશે. વૈશ્વિક મહામારી કોરોનાના કહેર સામે પણ ગિરનાર મંડળના સાધુઓ જિલ્લા વહીવટીતંત્ર, વન વિભાગ અને જ્ઞાતિ સમાજના ઉતારા મંડળોએ પરંપરા જાળવી.

પ્રતિકાત્મક પરિક્રમામાં જોડાયેલા સૌ શ્રધ્ધાળુઓએ  પર્યાવણીય પહેલ કરી પરીક્રમા સાથે ગિરનારની ઔષધીય વનસ્પતીઓની પણ જાણકારી મેળવી હતી. પરિક્રમા પથનો ચોપાસનો વિસ્તાર ઔષધિય છોડ-વૃક્ષોનો ભંડાર છે. નિવૃત ફોરેસ્ટર અને ગિરનારના ભોમીયા આર.કે.દેથળીયાએ કહ્યુ કે, ગિરનારની અંદર ખાય શકાય તેવી ૫૧ જાતની વનસ્પતિ છે. જેના પાન, ફુલ, ફળ કે કંદ ઔષધિય ગુણ ધરાવે છે. જેમાં ટીમરૂ, રાણ, કરમદા, ઉંબ, ગુંદા, નકટી, કાળી ચંપો, આમળા, કંથારીયો ઉપરાંત વિવિધ જાતના ગળો જેને આયુર્વેદ અમૃતા તરીકે ઓળખે છે. ઉપરાંત સૌરાષ્ટ્રમાં ગિરનાર સીવાય કયાંય ન થતી નાની હરડે આમ ગિરનાર પરિક્રમા પથનો ચોપાસનાં વિસ્તાર ઔષધિય ખજાનાથી ભરપુર છે.

જ્ઞાતિ સમાજ ઉતારા મંડળમાંથી ભાવેશ વેકરીયા, પ્રવિણભાઇ સોજીત્રા, લાલજીભાઇ અમરેલીયા, હરેશભાઇ ઠુંમર, હરેશભાઇ દ્યોડાસરા, મુળુભાઇ દિવરાણીયા ઉપરાંત ડો.કરંગીયા, ડો.હાપલીયા તેમજ અન્ય લોકોએ પરિક્રમા સાથે ઔષધિય છોડ-વૃક્ષોનો પરિચય પણ કેળવ્યો હતો તથા તેની ઉપયોગિતાની વિગતો પણ પરસ્પર આદાન-પ્રદાન કર્યુ હતું. તેમજ લીલી વનરાઇઓ વચ્ચે ખળ ખળ વહેતા ઝરણાઓનો પણ લાભ મેળવ્યો હતો. નળ પાણીની ઘોડી તથા માળવેલા ખાતે કઠીન ચઢાણ પર વન વિભાગ દ્વારા બનાવેલ સીડી શ્રધ્ધાળુઓ માટે પરિક્રમાને આસાન બનાવે છે. જ્ઞાતિ ઉતારા મંડળના કિશોરભાઇ વાડોદરીયાએ ૨૫ વખત પરિક્રમા કરી છે તેમણે પ્રતિકાત્મક પરિક્રમાને અનોખી પરિક્રમા ગણાવી ઇતિહાસમાં તેની નોંધ લેવાશે તેમ જણાવ્યું હતું. ભાવેશભાઇ વેકરીએ આ પરિક્રમાનો શ્રેય સાધુ સંતો, જ્ઞાતિ સમાજ ઉતારા મંડળ સાથે જિલ્લા વહીવટીતંત્રને આપી કહ્યું કે, પરંપરા જાળવવાનો આનંદ અને સંતોષ  છે.

(11:49 am IST)